SURAT

સુરતમાં જાહેરમાં યુવતીની કમરમાં હાથ નાંખી છેડતી કરનાર યુવાનના થયા આ હાલ

સુરત: (Surat) કાપોદ્રામાં સિગ્નલ દરમિયાન ચાર રસ્તે મોટરસાઇકલ ઉપર કાકાની સાથે બેઠેલી ભત્રીજીની કમરના ભાગે અડીને છેડતી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે યુવકની ધરપકડ (Arrest) કરી જેલમાં (Jail) મોકલ્યો હતો. કોર્ટે આ આરોપીને તકસીરવાર ઠેરવીને 3 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

  • સગીરાએ તેના કાકાને કહ્યું કે, સામે ઊભેલા અજાણ્યાએ મને પાછળથી કમરના ભાગે સ્પર્શ કરી છેડતી કરી છે
  • થોડી જ વારમાં પોલીસ વાન આવી ગઇ હતી અને રતીલાલ ઉર્ફે રાજુ જયંતિભાઇ અઘેરાની ધરપકડ કરાઇ હતી

આ કેસની વિગત મુજબ તા. 12-10-2020ના રોજ સવારના સમયે કાપોદ્રામાં રહેતા આધેડ મોટરસાઇકલ ઉપર 17 વર્ષિય પુત્રીને લઇને લંબેહનુમાન રોડ ઉપર દવાખાને ગયા હતા. અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે કાપોદ્રાના જવાહરનગર પાસે સિગ્નલ હોવાથી મોટરસાઇકલ ત્યાં ઊભી રાખી હતી. તેઓની સાથે તેમની ભત્રીજી પણ મોટરસાઇકલ ઉપર બેઠી હતી. આ સગીરાએ તેના કાકાને કહ્યું કે, સામે ઊભેલા અજાણ્યાએ મને પાછળથી કમરના ભાગે સ્પર્શ કરી છેડતી કરી છે. આ અંગે ટ્રાફિક પોલીસને જાણ કરીને પોલીસ કંટ્રોલમાં ફરિયાદ કરાઇ હતી. થોડી જ વારમાં પોલીસ વાન આવી ગઇ હતી અને રતીલાલ ઉર્ફે રાજુ જયંતિભાઇ અઘેરા (ઉ.વ.35) (રહે. કાપોદ્રા ફૂટપાથ ઉપર સોમનાથ હોટેલની સામે)ની ધરપકડ કરાઇ હતી.

પોલીસે રતીલાલની સામે ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી દીધી હતી. દરમિયાન સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરીને આરોપીને સજા કરવા માટેની દલીલો કરી હતી. કોર્ટે આરોપી રતીલાલને તકસીરવાર ઠેરવીને 3 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે ચૂકાદામાં કહ્યું હતું કે, આરોપીએ જાહેરમાં જ છેડછાડ કરી અડપલા કરવાના ઇરાદાસર સ્પર્શ કરી ગુનાહિત કૃત્ય કર્યું છે. જે અંગેની ફરિયાદ કરીને ફરિયાદપક્ષ દ્વારા આરોપ સાબિત કરવામાં સફળ રહ્યા છે જ્યારે આવા ગુનાઓ ઉજાગર થયા છે અને સમગ્ર સામાજીક જોખમને વ્હોરી કોર્ટ સમક્ષ પુરવાર કર્યું છે ત્યારે આરોપીને ઓછી સજા કરવી એ સમાજ પ્રત્યે બેદરકારી દાખવવા સમાન માનવું છે. આરોપીને સજા કરી સમાજમાં દાખલો બેસાડવો પણ જરૂરી છે. તેમ ટાંકીને કોર્ટે આરોપીને 3 વર્ષની સખત કેદની સજા અને 5 હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો. જ્યારે છેડતીનો ભોગ બનેલી પીડિતાના પરિવારને 25 હજાર ચૂકવવાનો આદેશ કરાયો હતો.

Most Popular

To Top