સુરત: (Surat) વરીયાવી બજારમાં રહેતા યુવકે પાડોશમાં રહેતી યુવતીને કહ્યું હતું કે, ‘રાત્રે અગિયાર વાગ્યે ફોન (Phone) કરજે, નહીંતર આખાર મહોલ્લામાં તને બદનામ કરી નાંખીશ’. આ અંગે યુવતીએ તેના ફિયાન્સને વાત કરી હતી. ત્યારબાદ ધમકી આપનારને ઠપકો આપવા ગયેલા યુવક અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા પોલીસે ફરિયાદ (Police Complain) નોંધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વરીયાવી બજારમાં રહેતા મદારીવાડ વરીયાવી બજારમાં રહેતા મોહંમદ મુસ્તાક ઉર્ફે બબલુ અબ્દુલ હમીદ શેખ ચૌટાબજારના નાણાવટ પાસે બબલુ ડિઝાઇન નામની દુકાન ધરાવે છે. મુસ્તાકે તેની બાજુમાં જ રહેતી યુવતીનો પીછો કરી તેને હેરાન કરતો હતો. મોહંમદ મુસ્તાકે યુવતીને કહ્યું હતું કે, ‘રાત્રે અગિયાર વાગ્યે મને ફોન કરજે, નહીંતર આખા મહોલ્લામાં કહી દઇશ કે તારો અને મારો પ્રેમસંબંધ છે અને તારી ઇજ્જતના ધજાગરા ઉડાવી ક્યાંયની નહી રાખુ’. આ બાબતે યુવતીએ રાણીતળાવમાં રહેતા પોતાના ફિયાન્સ ઝીયાનને વાત કરી હતી.
ઝીયાન પણ કાપડનો વેપાર કરતો હોય તે મોહંમદ મુસ્તાકને સારી રીતે ઓળખતો હતો. ઝીયાન પોતાના મિત્રને લઇને મુસ્તાકને ઠપકો આપવા માટે ગયો હતો અને કહ્યું હતું કે, કેમ મારી ફિયાન્સને ધમકી આપે છે..? ત્યારે મોહંમદ મુસ્તાકે કહ્યું કે, મારે તારી સાથે કોઇ વાત કરવી નથી. મુસ્તાકની સાથે હાજર મોહંમદ નુર મોહંમદ હનીફ બીડીવાલા તેમજ સોએબ હનીફ બીડીવાલાએ ગાળાગાળી કરીને ઝીયાન અને તેના મિત્ર અયાઝ પટેલની ઉપર હુમલો કર્યો હતો. અયાઝ પટેલના પિતા ઝઘડામાં વચ્ચે પડતા તેની ઉપર પણ હુમલો કરી ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા. બનાવ અંગે લાલગેટ પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મજુરાગેટ આઈટીસી બિલ્ડિંગની ઓફિસમાં કામ કરતી બીકોમની વિદ્યાર્થિનીની સીએ દ્રારા છેડતી
સુરત: શહેરના મજુરાગેટ ખાતે આવેલી આઈટીસી બિલ્ડિંગમાં સીએની ઓફિસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તેની ઓફિસમાં કામ કરતી વિદ્યાર્થિની સાથે છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થીનીએ ઘરે માતા-પિતાને વાત કરતા અઠવા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અઠવા પોલીસે સીએની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલી આર્નવ બિલ્ડિંગમાં રહેતા અરુણ કનોડિયા મજુરાગેટ ખાતે આઈટીસી બિલ્ડિંગમાં ઓફિસ ધરાવે છે. અરુણ કનોડિયા પોતે પ્રોફેશનલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. દરમિયાન તેમની સામે અલથાણ વિસ્તારમાં રહેતી તરુણીએ છેડતીની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અલથાણ વિસ્તારમાં રહેતી માનુષી (નામ બદલવું છે) બીકોમમાં અભ્યાસ કરે છે. હાલ તે સી.એ.નું પણ કામ કરે છે. જે માટે અરૂણભાઇ કનોડીયાની ઓફિસમાં ગત ડિસેમ્બર મહિનાથી નોકરી કરતી હતી. 28 ફેબ્રુઆરીના રોજ જીએસટીનું કામ બાકી હોવાથી અરૂણભાઇએ માનુષી સહિત અન્ય ત્રણ કર્મચારીઓને ઓફિસમાં કામ અર્થે બોલાવ્યા હતા. અરૂણભાઇ વારાફરથી ત્રણેયને બોલાવી ‘કામ કૈસા ચલ રહા હૈ, કોઈ દિક્કત તો નહીં આ રહી હે ના’ તેમ પૂછપરછ કરી હતી.
બાદમાં માનુષીને સર્વર રૂમમાં વાત કરવાના બહાને બોલાવી તેણીનો હાથ પકડ્યો હતો અને તેના ખભા ઉપર હાથ ફેરવતા માનુસી સીએનું વર્તન જોઈ હેબતાઈ ગઈ હતી. ઘરે આવીને ગુમસુમ બેસી રહેતા તેણીના માતા-પિતાએ કેમ કઈ બોલતી નથી તે અંગે પૂછતાં તેણે સમગ્ર ઘટના વર્ણવી હતી. જેને પગલે ગઈકાલે અઠવા પોલીસ સ્ટેશનમાં સીએ અરુણ કનોડિયા સામે છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અઠવા પોલીસે સીએ અરુણ કનોડીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.