સુરતઃ યુવા અવસ્થામાં જાતીય આકર્ષણ સ્વભાવિક છે, પરંતુ ક્યારેક યંગસ્ટર્સ જાતીય આવેગમાં એવી ભૂલ કરી બેસતાં હોય છે કે કાયમી પસ્તાવો રહી જતો હોય છે. નવસારીમાં આવી જ એક આઘાતજનક ઘટના બની છે. અહીં કોલેજમાં ભણતા યુવક યુવતી કોલેજ જવાના બહાને નવસારીની એક હોટલમાં ગયા હતા. અહીં બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા, ત્યાર બાદ કશુંક એવું થયું કે યુવતીની લાશ જ પાછી ઘરે આવી.
ચીખલી તાલુકામાં રહેતા કોલેજીયન યુવક અને યુવતી નવસારીની એક હોટલમાં શરીરસુખ માણવા ગયા હતા. શરીરસુખ વેળાએ યુવતીને શરીરમાં આંતરિક ઇજા થતા લોહી વહેવા લાગ્યું હતું, જે ન અટકતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. નવસારીમાં પીએમ બાદ યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પરિવારજનોએ હત્યાની આશંકાએ ન્યાની માગ કરી હતી.
આ કેસની વધુ મળતી વિગત અનુસાર ચીખલીની યુવતી સવારે 9 વાગ્યે કોલેજ માટે જાઉં છું તેમ કહી ઘરેથી નીકળી હતી. પરંતુ તે કોલેજમાં ગઈ નહોતી. યુવતી તેના યુવક મિત્ર એટલે કે બોયફ્રેન્ડ સાથે નવસારીની એક હોટલમાં ગઈ હતી. અહીં તે યુવતીનું મોત થયું હતું. યુવતીના જ મોબાઈલ પરથી અજાણ્યાએ તેણીના પિતાને આ વાતની જાણ કરી હતી.
ફોન કરનાર અજાણ્યાએ કહ્યું હતું કે, તમારી દીકરી સિવિલ હોસ્પિટલમાં છે. પિતાએ કહ્યું કે, મારી દીકરી ચીખલી કોલેજમાં ગઈ છે, ત્યારે અજાણ્યાએ વધુ કશું ન કહેતા બસ એટલું જ કહ્યું કે નવસારી સિવિલ પહોંચો. પિતાએ નવસારી સિવિલમાં જઈ જોયું તો દીકરીનો મૃતદેહ સ્ટ્રેચર પર પડ્યો હતો. આ મામલે પિતાએ જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી હતી.
પિતાની ફરિયાદ પર પોલીસે તપાસ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. યુવતી તેના બોયફ્રેન્ડ સાથે હોટલમાં ગઈ હતી. હોટલના રૂમમાં બન્ને યુવા હૈયાઓએ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ અચાનક યુવતીને રક્તસ્ત્રાવ શરૂ થયો હતો. જે બંધ થતો નહોતો. આથી હાથવગા ઉપાયો બાદ યુવકે તેના મિત્રને જાણ કરતા મિત્ર નવસારી આવ્યો હતો. ત્યાર બાદ યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં તબીબોએ તપાસ કરી હતી. પરંતુ ગંભીરતા વધુ દેખાવાની સાથે શંકાસ્પદ કેસ લાગતા તેમણે સિવિલમાં રિફર કર્યા હતાં. બાદમાં બન્ને યુવકો યુવતીને સિવિલ લઈ ગયા હતાં. જ્યાં યુવતીને મૃત જાહેર કરાઈ હતી. પરિવારને જાણ થયા બાદ ટોળું સિવિલ હોસ્પિટલમાં ભેગું થઈ ગયું હતું. હત્યાની આશંકા દર્શાવી પરિવારે ન્યાયની માગ કરી છે. બાદમાં યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.