National

મહારાષ્ટ્રના બદલાપુરમાં બાળકીઓનાં જાતીય શોષણ મામલે ભારે હંગામો, સરકારે SITની રચના કરી

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર-હત્યાની તપાસ હજુ ચાલી રહી છે ત્યાં થાણેના બદલાપુરની એક શાળામાં 3 અને 4 વર્ષની બે બાળકીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી સામે આવ્યા બાદ મંગળવારે ગુસ્સે ભરાયેલા ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ટોળાએ પહેલા શાળામાં તોડફોડ કરી, પછી બદલાપુર રેલ્વે સ્ટેશન પર ટ્રેનો રોકી હતી. દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સરકારે આ મામલે SITની રચના કરી છે.

બદલાપુરામાં લોકોના રોષ વચ્ચે પોલીસે ભીડને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ત્યારબાદ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. 23 વર્ષીય આરોપીએ 16 ઓગસ્ટના રોજ શાળાના બાથરૂમમાં છોકરીઓનું યૌન શોષણ કર્યું હતું. છોકરીઓના માતાપિતાએ એક દિવસ પછી 17 ઓગસ્ટે એફઆઈઆર નોંધાવી હતી.

પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપી અક્ષય શિંદેની ધરપકડ કરી છે. વિસ્તારની મહિલા નિરીક્ષક શુભદા શિતોલેની બદલી કરવામાં આવી છે. શાળાના આચાર્ય, વર્ગ શિક્ષક અને એક મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે કહેવામાં આવ્યું છે.

બદલાપુર બંધનું એલાન
લોકો બદલાપુર રેલવે સ્ટેશનના પાટા પર ઉભા રહીને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. ઘણી ટ્રેનો રોકી દેવામાં આવી હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ લોકોએ શાળાની અંદર ઘૂસીને પ્રદર્શન કર્યું હતું અને તોડફોડ કરી હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા લોકોના વિરોધને કારણે કલ્યાણ-બદલાપુર લોકલ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ છે. તેના વિરોધમાં અનેક સંગઠનોએ આજે ​​બદલાપુર બંધનું એલાન આપ્યું હતું.

વિપક્ષે કહ્યું- આ ઘટના મહારાષ્ટ્ર માટે શરમજનક છે
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દોષિતોને વહેલી તકે સજા કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું- 10 વર્ષ પહેલા દિલ્હીમાં નિર્ભયાની ઘટના બની હતી અને દોષિતોને સજા મળી હતી પરંતુ કેટલા સમય પછી? ન્યાયમાં વિલંબ કરનારાઓને પણ દોષિત ઠેરવવા જોઈએ. તેનું રાજનીતિકરણ ન કરવું જોઈએ.

Most Popular

To Top