શહેરના સિનેમા રોડ દિલ્હી ગેટની નજીક આવેલી ગીરધરલાલ નાથુભાઇ મહેતાની પેઢીને 102 વર્ષ પૂર્ણ થયા છે. જુના સુરત સમયે અનાજ કરિયાણાની હોલસેલની દુકાનો અને ગોડાઉનો સિનેમા રોડ અને દિલ્હી ગેટ વિસ્તારમાં આવ્યા હતા. 1918-20ના સમયગાળામાં ગીરધરલાલ નાથુભાઇ મહેતાએ પહેલીવહેલી અનાજ કરિયાણાની હોલસેલની દુકાન શરૂ કરી હતી. દિલ્હી ગેટના અનાજ બજારમાં આ દુકાન 1964-1965 સુધી ચાલી હતી તે પછી આ પેઢીના સંચાલકોને તેમની પ્રતિષ્ઠા અને શાખને આધારે ભારતમાં LPG ગેસ એટલે કે રાંધણ ગેસ લોન્ચ કરનાર એસો ગેસ (ESSO) કંપનીના ઓલ ઇન્ડિયાના ડિસ્ટ્રીબ્યુટર કોસન ગેસ દ્વારા ગીરધરલાલ નાથુભાઇ મહેતાની પેઢીને સુરત અને દક્ષિણ ગુજરાત ઉપરાંત છેક આણંદ સુધી ગેસ સિલીન્ડર વિતરણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. LPG સિલીન્ડર ભારતમાં પ્રથમવાર મુંબઇ અને સુરતમાં એક સાથે લોન્ચ થયા હતા એ રીતે સુરતીઓને રાંધણ ગેસના સિલીન્ડર પ્રથમવાર દેખાડનાર ગીરધરલાલ નાથુભાઇ મહેતાની પેઢી હતી. જો કે અા પેઢીના તે સમયના સંચાલકોએ સુરત ગેસ એજન્સીના નામે LPG અને તે પછી ઇન્ડસ્ટ્રીયલ ગેસનો વેપાર જમાવ્યો હતો. તે પછી એન્જીનિયરીંગ સહિત બીજા અન્યો વેપારમાં પણ જુદા જુદા નામે ઝંપલાવ્યું હતું. છ દાયકા પહેલા સુરતીઓને ગેસ સિલીન્ડર દેખાડનાર ગીરધરલાલ નાથુભાઇ મહેતાની પેઢી વિશે રોચક વાતો જાણીશું.
1918-1920 દરમિયાન ગીરધરલાલ નાથુભાઇ મહેતાની પેઢી શરૂ થઇ
ગીરધરલાલ નાથુભાઇ મહેતાની પેઢીના અગ્રણી જગદીશચંદ્ર મહેતા કહે છે કે 1918-1920 દરમિયાન ગીરધરલાલ નાથુભાઇ મહેતાએ સિનેમા રોડ દિલ્હી ગેટના નાકે અનાજની હોલસેલ પેઢી શરૂ કરી હતી. તે સમયે અહીં હોલસેલ અનાજનું બજાર હતું. આ પેઢી 1964-1965 સુધી ચાલી હતી. તે પછી પેઢીના સંચાલકો અન્ય વેપારમાં શિફટ થયા હતા. આ પેઢીને એક એવી તક મળી હતી જેને લીધે અનાજનો વેપાર સમેટવો પડે એવી સ્થિતિ ઉભી થઇ હતી. 1962 દરમ્યાન સુરત ગેસ એજન્સી શરૂ થઈ હતી. જેની સ્થાપના સન્મુખલાલ ગીરલાલ મહેતાએ કરી હતી, જેનું અત્યારે ચોથી પેઢીના મનીષ અને મેહુલ મહેતા સંચાલન કરી રહ્યાં છે જ્યારે 25 વર્ષ પહેલા શરૂ થયેલી રિલાયન્સ ગેસ એજન્સી વિનય અને રાકેશ મહેતા ચલાવી રહ્યાં છે.
કર્મચારીઓને ગેસ એજન્સીના માલિક પણ પેઢીએ બનાવ્યા
જગદીશચંદ્ર મહેતા રોચક વાત રજૂ કરતા કહે છે કે 1977માં જનતા સરકારના આગમન પછી રાષ્ટ્રીયકરણને પગલે એસો ગેસ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં મર્જ કરી દેવામાં આવી હતી અને તે પછી સીલ લગાવવામાં આવ્યું હતું, જેમાં એક ડિલર 10 હજાર ગ્રાહકોને જ ગેસ સિલીન્ડર આપી શકે એવો નિયમ બનાવવામાં આવ્યો હતો. તેને પગલે પેઢી પાસે ચાર કંપનીઓ સુરત ગેસ એજન્સી, સુરત ગેસ ટ્રાન્સપોર્ટ કંપની, ગેસ બાર એજન્સી અને ગેસ એપ્લાયન્સીસ કંપની હોવાથી 70 હજાર ગ્રાહક પૈકી 40 હજાર ગ્રાહક સમાવી શકાય એવું હતું. તેને પગલે બાકીના 30 હજાર ગ્રાહકો પણ સચવાય જાય તે માટે કંપની માટે કામ કરતા મેનેજર લેવલના કર્મચારીઓને જ માલિક બનાવી બાકીના 30 હજાર ગ્રાહકોની સીધી જવાબદારી તેમને સોંપી કંપનીના કર્મચારીમાંથી સીધા માલિક બનાવી દીધા હતા. આ કંપનીઓ આજે પણ ચાલી રહી છે.
ચેમ્બરના ઇતfહાસમાં પ્રથમ ચૂંટણી જીતનારા સન્મુખલાલ મહેતા હતા
મહેતા પરિવારનો એક રોચક ઇિતહાસ એવો પણ રહ્યો છે કે 1972-73માં ચેમ્બર ઓફ કોમર્સનાં ઉપપ્રમુખપદની ચૂંટણી માટે સન્મુખલાલ મહેતાએ ફોર્મ ભર્યું હતું. તેમની સામે ઉદ્યોગકાર વ્રજલાલ ધમણવાળાએ ઉમેદવારી નોંધાવતા ચેમ્બરનાં 8 દાયકાથી વધુ સમયનાં ઇિતહાસમાં પ્રથમ ચૂંટણી મહેતા વિરુધ્ધ ધમણવાળાની બની રહી હતી, જેમાં સન્મુખલાલ મહેતાનો વિજય થયો હતો. મહેતાએ બીજા વર્ષે ઉપપ્રમુખ પદ માટે સામેથી ધમણવાળાને મનાવી લીધા હતા. યોગાનુયોગ એવો છે કે 2011-12ના વર્ષમાં આજ પરિવારનાં રોહિત શશીકાંત મહેતા પણ ચેમ્બરનાં પ્રમુખ બન્યા હતા. અેજ રીતે સુરતની સૌથી જુની બેંક સુરત પીપલ્સમાં સન્મુખલાલ મહેતા, જગદીશચંદ્ર મહેતા પછી હવે જશ્મીનબેન મહેતા ડિરેક્ટર તરીકે કાર્યરત છે.
તે સમયનાં ગુજરાતના મુખ્યમંત્રી પણ ગેસ સિલીન્ડર નોંધાવવા આવતા : મેહુલ મહેતા
સુરત ગેસ એજન્સીના મેહુલ મહેતા કહે છે કે, 1962માં LPG ગેસની એજન્સી શરૂ થયા પછી ગેસ સિલીન્ડર નોંધાવવા માટે તે સમયનાં ગુજરાતના મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઇ પણ સિલીન્ડર રિફીલ કરાવવા માટે અમારે ત્યાં નોંધણી માટે આવતાં હતા. એજન્સીના VVIP ગ્રાહકોમાં સ્વ. કાશીરામ રાણા, નગીનદાસ બારડોલીવાળા, નવીનચંદ્ર ભરતિયા, ગોરધનદાસ ચોખાવાલા સહિતના આગેવાનો હતા. સુરતમાં બદલી પામીને આવતાં કલેકટર, જિલ્લા પોલીસ વડા, ઇન્કમટેક્સ અને કસ્ટમના અધિકારીઓ તથા રેલવેના અધિકારીઓ સુરતમાં પરિવારને બોલાવતાં પહેલાં અમારી એજન્સીમાં આવી પહેલા LPG ગેસ સિલીન્ડરની વ્યવસ્થા કરતા હતા.
વર્ષ 1962માં 15 રૂપિયામાં ગેસ સિલીન્ડર મળતું હતું: રોહિત મહેતા
ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ રહેલા રોહિત શશીકાંત મહેતા કહે છે કે 1962માં સુરત ગેસ એજન્સી શરૂ થઇ ત્યારે LPG ગેસ સિલીન્ડરનો ભાવ 15 રૂા. હતો તેની સામે એજન્સીને માત્ર રૂા.1.75 કમિશન મળતું હતું. ગ્રાહકો પાસેથી રૂા. 100 લઇ ગેસ સિલીન્ડર, રબર ટયુબની સુવિધા આપવામાં આવતી હતી. રૂા. 100 માં 25 રૂપિયા ડિપોઝીટના હતા. પ્રારંભમાં જયારે સુરતમાં ગેસ સિલીન્ડર રજૂ થયું ત્યારે લોકો સિલીન્ડરની ખરીદી કરવા આગળ આવતા ન હતા. તે સમયે એવી અફવા ફેલાઇ હતી કે LPG ગેસ પર રોટલી કે રસોઇ બનાવવાથી ગેસની વાસ રસોઇ અને રોટલીમાં આવી જાય છે. આ અફવાનું ખંડન કરવા માટે ખૂબ પ્રયાસ કરવામાં આવ્યા હતા. તે પછી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં 70 હજાર ગ્રાહકો સાથે સુરત ગેસ એજન્સી ગેસ વિતરણમાં એશિયામાં નંબર વન બની હતી.
દ. ગુ.માં કિર્લોસ્કર ગ્રુપે પણ પ્રથમ એજન્સી આ પેઢીને આપી હતી : રાકેશ મહેતા
રાકેશ મહેતા કહે છે કે મહેતા પરિવાર બહોળુ હોવાથી પેઢીનું જુદા જુદા નામે વિસ્તરણ થયુ઼ં હતું. LPG ગેસ િવતરણનું નેટવર્ક દ. ગુજરાતમાં ગામે ગામ હોવાથી કિર્લોસ્કર ગ્રુપે તેની પ્રથમ એજન્સી આ પેઢીને આપી હતી. મહેતા એન્જીનિરીંગ કંપનીના નામે નવીનભાઇ મહેતાએ ઇલેકટ્રીક મોટર, ઓઇલ એન્જીન અનેક ખેતીને લગતી પંપ સહિતની મશીનરીનું અહીંથી જ વિતરણ કર્યંુ હતું.
425 kgના મહાકાય ઇન્ડસ્ટ્રીયલ ગેસ સિલીન્ડરનું ગુજરાતમાં એક માત્ર કંપની વેચાણ કરે છે: મનિષ મહેતા
ગીરધરલાલ નાથુભાઇ મહેતાની ચોથી પેઢીનાં સંચાલકો પૈકીના એક મનિષ મહેતા કહે છે કે, સમગ્ર ગુજરાતમાં HPનાં 425 KGના ઇન્ડસ્ટ્રીયલ ગેસ સીલિન્ડર વેચવાની એજન્સી સુરત ગેસ કંપની ધરાવે છે. સુરતના ડાઇંગ પ્રોસેસીંગ હાઉસને 19, 39 અને 47 KGના ઇન્ડસ્ટ્રીયલ ગેસ િવતરણ કરવામાં આવે છે. HPની ગેસ એજન્સીને 60 વર્ષ અને રિલાયન્સની ગેસ વિતરણ એજન્સીના 25 વર્ષ આ પેઢીએ પૂર્ણ કર્યા છે.
વંશવેલો
(1) ગીરધરલાલ નાથુભાઇ મહેતા (2) પાર્વતીબેન ગીરધરલાલ મહેતા (3) ચંડીબેન અંબાલાલ શેઠવાલા (4) સન્મુખલાલ ગીરધરલાલ મહેતા (5) નર્મદાબેન ચીમનલાલ લાપસીવાલા (6) ગૌરીબેન વેણીલાલ લાલવાલા (7) જમનીબેન ઉત્તમરાવ ગોળવાલા (8) કમરીબેન સાકરલાલ ગાંધી (9) જશવંતી ચીના આઇસ્ક્રીમવાળા (10) ધનાબેન અમૃતલાલ ગાંધી (11) ડો. શશીકાંત સન્મુખલાલ મહેતા (12) નવીનચંદ્ર સન્મુખલાલ મહેતા (13) રમેશચંદ્ર સન્મુખલાલ મહેતા (14) કાન્તિલાલ સન્મુખલાલ મહેતા (15) નિરૂબેન દિનેશચંદ્ર મહેતા (16) જગદીશચંદ્ર સન્મુખલાલ મહેતા (17) આશા મુકેશ તમાકુવાલા