આરબીઆઇએ આજે કહ્યું કે તે તેના સરકારી જામીનગીરીઓના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર નાના રોકાણકારોને સીધો પ્રવેશ આપશે. રિટેલ રોકાણકારો આરબીઆઇમાં સીધું પોતાનું ગિલ્ટ એકાઉન્ટ ખોલાવીને સરકારી જામીનગીરીઓમાં ટ્રેડ કરી શક્શે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે આને મોટો માળખાકીય સુધારો ગણાવ્યો હતો.
દાસે કહ્યું કે નાના રોકાણકારોને સરકારી ડેટ બજારમાં સીધો પ્રવેશ આપનાર ભારત એશિયાનો પહેલો દેશ છે. અમેરિકા અને બ્રાઝિલ જેવા જૂજ દેશો પ્રવેશ આપે છે. આની વિગતો અલગથી બહાર પડશે પણ રોકાણકારે આરબીઆઇની ઇ-કુબેર સિસ્ટમમાં ખાતું ખોલાવવું પડશે. સરકારી જામીનગીરીઓના માર્કેટ પર અત્યાર સુધી બૅન્કો, મ્યુચ્યુઅલ ફંડ્સ અને વીમા કંપનીઓ જેવા સંસ્થાકીય રોકાણકારોનું વર્ચસ્વ છે. આ સંસ્થાઓ રૂ. 5 કરોડ કે એનાથી વધુની લૉટ સાઇઝમાં ટ્રેડ કરે છે.
સરકાર રૂ. 12 લાખ કરોડની જંગી રકમ ઉધાર લેવાની છે એટલે આ છૂટ?
આરબીઆઇ એ ભારત સરકાર માટે ડેટ મેનેજરનું કામ કરે છે. નાણાં ઉધાર લેવા માટે સરકાર જે ડેટ સાધનો બહાર પાડે એને સરકારી જામીનગીરી કહેવાય. ટ્રેઝરી બિલ્સ બે પ્રકારના છે: શૉર્ટ ટર્મ જે 91, 182 કે 364 દિવસમાં પાકે. લાંબા ગાળાના જે 5-40 વર્ષોની મુદતના હોય. આગામી નાણા વર્ષમાં સરકાર રૂ. રૂ.12 લાખ કરોડ ઉધાર લેવાની છે. સરકાર જ્યારે આટલા બધા રૂપિયા માગે ત્યારે સહેજે નાણાંની કિમત (વ્યાજ વગેરે) ઊંચી જાય. સરકાર અને આરબીઆઇ એને નીચે રાખવા માગે છે. એ ત્યારે જ શક્ય બને જો રોકાણકારોનો બેઝ વ્યાપક બને.
શું આનાથી બૅન્ક ડિપોઝિટ ઘટી જશે
રોકાણકારોને રોકાણનો નવો વિકલ્પ મળતા એવી શંકા છે કે બૅન્કોની થાપણો ઘટી જશે. પણ આરબીઆઇ આ સાથે સહમત નથી. તેની દલીલ છે કે નાની બચતમાં વધારે વ્યાજ હોવા છતાં બૅન્ક ડિપોઝીટ્સ વધી છે. કદ જ એટલું મોટું છે કે બધાને કઈ ને કઈ મળી રહે.
સરકારને હવે નાણાં સરળતાથી મળતા રહેશે
સરકારે આ પગલાંથી પોતાના માટે ઉધાર લેવા અનંત નળ ખોલી નાખ્યો છે. આરબીઆઇ હાલ નાના રોકાણકારોને બીએસઇ અને એનએસઇના ગોબિડ પ્લેટફોર્મથી ગિલ્ટ્સ ખરીદવા દે છે પણ એ બહુ લોકપ્રિય નથી.