SURAT

સચિન પાલીગામમાં ધરાશાયી થયેલી ઇમારત 7 લોકોને ભરખી ગઈ, એક મહિલાને જીવતી બહાર કઢાઈ

સુરતના (Surat) સચિન પાલિગામ વિસ્તારમાં શનિવારે સાંજે એક ઈમારત (Building) ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટનામાં 7 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. 5 માળની આ ઈમારત 8 વર્ષ અગાઉ જ આકાર પામી હતી અને શનિવારે મોડી સાંજે એકાએક પત્તાના મહેલની જેમ પડી ગઈ હતી. કાટમાળમાં દબાયેલા લોકોને શોધવા માટે સમગ્ર રાત્રિ દરમિયાન રેસ્ક્યૂ ઓપરેશન કરાયું હતું.

સચિન GIDCમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો હતો. આખીરાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 7 મૃતદેહ બહાર કઢાયા હતા. ઘટનાના પગલે ફાયર બ્રિગેડ સાથે પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર રાત્રિ દરમિયાન રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા હતા. ઘટનાના કલાકો બાદ એક મહિલા કાટમાળમાંથી જીવતી મળી આવી હતી. જ્યારે એક પછી એક 7 મૃતદેહ બહાર કઢાયા હતા.

સચિન GIDC વિસ્તારમાં 5 માળની ઈમારત ધરાશાયી થતા કાટમાળ વિખેરાઈ ગયો હતો. જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં ઘણી મુશ્કેલી થઈ હતી. રાત પડતાં જ બચાવ કામગીરીમાં વધુ મુશ્કેલી ઉભી થઈ હતી. દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમે સતત બચાવ કામગીરી કરી હતી. જેસીબી મશીનની મદદથી ઈમારતનો કાટમાળ ખસેડવામાં આવ્યો હતો. આખી રાત ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન હકીકત સામે આવી હતી કે અચાનક ઈમારત ધરાશાયી થતા 15 જેટલા લોકોને નાની મોટી ઈજા આવી તો 7 લોકોએ જીવ ગુમાવ્યો છે.

15 દિવસ પહેલા બિલ્ડિંગમાં રહેવા આવેલા આધેડનું મોત
સસ્તા ભાડામાં રૂમ મળતો હોવાથી 15 દિવસ પહેલા બિલ્ડિંગમાં રહેવા આવેલા આધેડનું મોત નિપજ્યું હતું. તેમજ પત્ની નોકરી પર ગયેલી હોવાથી તેનો બચાવ થયો હતો. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સચિન પાલીગામમાં 50 વર્ષીય બ્રિજેશ હીરાલાલ ગૌડ પત્ની રાધા સાથે રહેતો હતો. બ્રિજેશ સંચા ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બ્રિજેશ પહેલા અન્ય જગ્યાએ રહેતો હતો. પરતું બિલ્ડિંગમાં સસ્તા ભાડે રૂમ મળતો હોવાથી તે પત્ની સાથે ત્યાં રહેવા આવ્યો હતો અને નાઈટ ડ્યુટી કરીને ઘરે સૂતો હતો. તેમજ પત્ની નોકરી પર ગઈ હતી. તે સમયે ઘટના બની જતાં બ્રીજેશનું મોત નિપજ્યું હતુ. જોકે રવિવારથી તેની ડ્યુટી પણ બદલવાની હતી અને દિવસની થવાની હતી.

Most Popular

To Top