SURAT

સચીન GIDCમાં નરાધમે ચપ્પુની અણીએ ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું

સુરતઃ (Surat) શહેરના સચીન જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં ગઈકાલે રાત્રે પહેલા માળે રહેતા નરાધમે બીજા માળે રહેતી 4 વર્ષીય બાળકીનું અપહરણ કરી બાળકીને રૂમમાં લઈ જઈ દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો. બાદમાં ચપ્પુની અણીએ બાળકીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સચીન જીઆઈડીસી પોલીસે (Police) ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

  • પહેલા માળે રહેતો સોનુ અપહરણ કરી તેના રૂમમાં લઈ ગયો હોવાની ખબર પડી
  • બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચીન જીઆઈડીસી ખાતે આવેલી એક ચાલમાં રહેતી 4 વર્ષીય બાળકી ગઈકાલે રાત્રે પોતાના ભાઈ સાથે ઘરની સામેની છત ઉપર રમતી હતી. ત્યારે બાળકીના મકાનની નીચે પહેલા માળે રહેતા સોનુ ઉર્ફે બંટી રમાશંકર વર્મા (રહે. રૂમ નં-૧૫ રામેશ્વર કોલોની સચીન જી.આઇ.ડી.સી) એ બાળકીનું અપહરણ કરી પોતાના રૂમમાં લઈ ગયો હતો. અંદરથી દરવાજો બંધ કરી બાળકીને ગોંધી રાખી હતી. માસૂમ બાળકી રડવા લાગતા નરાધમે બાળકીને ચપ્પુ બતાવી ડરાવ્યો હતો. અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન પરિવારે બાળકી રમતા રમતા ગાયબ થઈ જતા તેની શોધખોળ આરંભી હતી. ત્યારે એક છોકરાએ બાળકીને સોનુ તેના રૂમમાં લઈ ગયો હોવાનું કહેતા પરિવાર સોનુના રૂમ પાસે પહોંચી ગયો હતો.

રૂમનો દરવાજો ખખડાવ્યો છતાં ખોલતો નહોતો. દરમિયાન અંદરથી બાળકીના રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ પોલીસને જાણ કરતા પીસીઆર વાને સ્થળ ઉપર પહોંચી જઈ દરવાજો ખોલી અંદર જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં મળી હતી. પોલીસે સોનુંને દબોચી લઈ પોલીસ સ્ટેશન લઈ આવી હતી. બાળકી સાથે કરેલા કૃત્ય બાદ બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. પોલીસે નરાધમની સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.બાળકીની મેડિકલ કન્ડીશન સારી હોવાનું પીઆઈએ જણાવ્યું હતું.

Most Popular

To Top