સુરતઃ (Surat) ભારતના જુદા જુદા રાજ્યોમાં જઈને સાઈબર ક્રાઈમ (Cyber Crime) આચરતી ઝારખંડની ગેંગ પંદર દિવસ પહેલા સુરતમાં આવી હતી. સુરતમાં ઓફિસ શરૂ કરે તે પહેલા જ સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે ઝારખંડની ગેંગના 6 જણાને ઝડપી પાડી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. જણાવી દઈએ કે ગુજરાતમાં આણંદ ટાઉન, વડોદરા નવાપુરા પોલીસ સ્ટેશન, રાજસ્થાનમાં દૌસા જિલ્લામાં થાના મંડાવરી અને જયપુરમાં સાંભરલેક થાનામાં તથા મહારાષ્ટ્ર ખાતે પાલઘર જિલ્લામાં વાનગામ પોલીસ (Police) સ્ટેશનમાં પકડાયેલા આરોપીઓ વિરુધ ગુનો દાખલ છે.
સચિન જીઆઈડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઝારખંડની એક ગેંગ ઇચ્છાપોરની હદમાં ભાડે મકાન રાખી છુપાયેલી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે સચિન જીઆઈડીસી પોલીસની ટીમએ કામે લાગી બલેનો ગાડી (જેએચ-10-બીવાય-7878) ની સાથે સફાર મોહમદ બશીર અંસારી (ઉ.વ.22, રહે.દેવધર ઝારખંડ), મહંમદ મેહતાબ અશરફ અલી અંસારી (ઉ.વ.33), અબ્દુલ ગફાર મોહમ્મદ બશીર અંસારી (ઉ.વ.26), મોહમદ અબ્દુલ સફીક મીયા અંસારી (ઉ.વ.25), મોહમદ સિરાજુદ્દિન નીજામુદ્દીન અંસારી (ઉ.વ.29) અને અકબર અજીમમીયા અંસારી (ઉ.વ.33) ને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેમની પાસેથી બલેનો કાર સિવાય ચાર મોબાઈલ ફોન, રોકડા 42,490 રૂપિયા, 8 સીમકાર્ડ મળી કુલ 6.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ તમામ પંદર દિવસ પહેલા જ સુરત આવ્યા હતા. સુરતમાં હાલ ઇચ્છાપોર ખાતે ભાડે મકાન રાખી રહેતા હતા. આગામી દિવસમાં સુરતમાં ઓફિસ શરૂ કરવાનું આયોજન કરી સાઈબર ક્રાઈમને અંજામ આપવાના હતા. પકડાયેલા આરોપી પૈકી સફાર અંસારી થોડા દિવસ પહેલા જ સાઈબર ક્રાઈમના ગુનામાં દસ મહિના જેલવાસ ભોગવી છુટી આવ્યો હતો. આ સિવાય એકને વોન્ટેડ જાહેર કરી પોલીસે ઘટનાની વધારે તપાસ હાથ ધરી છે. સચિન જીઆઈડીસીના એએસઆઈ રજનીકાંત તથા હે.કો.ગુલાબભાઈ અને પંકજભાઈને મળેલી બાતમીના આધારે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
ગુગલ પર મોબાઈલ કોડ સર્ચ કરી ફોન કરતા
પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું છે કે, તેઓ ભેગા મળી છેલ્લા છ મહિનાથી ઝારખંડ ખાતેથી જુદા જુદા રાજ્યોના મોબાઈલ કોડ ગુગલ દ્વારા સર્ચ કરતા હતા. તેની પાછળના કોઈપણ છ નંબરો એડ કરી કોલીંગ કરતા. કોલરને બેંકમાંથી બોલીએ છીએ કહી વિવિધ બહાના હેઠળ ફસાવતા હતા. તમારૂ એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયું છે, તમને લકી ડ્રો લાગ્યો છે જેવી લાલચ આપી વાતોમાં ભોળવતા હતા. ઘણા લોકોને મેસેજ દ્વારા લીંક મોકલી તેમના બેંક ખાતાની માહિતી મેળવી એટીએમ કાર્ડના 16 ડીજીટના નંબર, એક્ષપાયરી ડેટ તથા સીવીવી નંબરો મેળવી લેતા હતા. અને બેંક ખાતાધારકની જાણ બહાર પેટીએમ, ફોન પે, ગુગલ પે જેવી મોબાઈલ એપમાં વોલેટ બનાવી ટ્રાન્જેક્શન કરી ગુનો આચરતા હતાં.