ધરમપુર : વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા ગામો છે, જ્યાં કુદરતે પોતાનું અફાટ સૌંદર્ય અહીં પાથર્યું છે. પર્યટકો વિલ્સન હિલ સુધી માત્ર કુદરતના નજારા અને મનની માનસિક શાંતિ માટે કુદરતને ખોળે પહોંચે છે, પણ હજુ પણ ધરમપુરના કોક ખૂણે એવી એક જગ્યા છે, જ્યાં હજુ સુધી બહુ જૂજ લોકો પહોંચી શક્યા છે. અને એ છે ચાવરા ગામે આવેલા 300 ફૂટ ઉંચા ડુંગરો વચ્ચેથી વહેતી નાર નદીનું સ્થળ. જેને સ્થાનિકો ‘ગીદાડીનો આંકડો’ એટલે કે ઊંડી ખાઈ, જ્યાં નાર નદી બે ડુંગરો વચ્ચે થઈ સર્પા કાર વહે છે.
- ચાવરા ગામમાં આવેલા 300 ફૂટ ઉંચા ડુંગરો વચ્ચેથી વહેતી નાર નદીનું સ્થળ
- નાર નદી જ્યાં બે ડુંગરો વચ્ચે થઈ સર્પા કાર વહે છે ત્યાં કુદરતે જાણે અપ્રતિમ સૌંદર્ય વેર્યું છે
અહીં કુદરતે જાણે અપ્રતિમ સૌંદર્ય વેર્યું છે. અહીં તમને ના તો કોઈ કોલાહલ સાંભળવા મળશે અને ના કોઈ અવાજ. અહીં માત્ર નીરવ શાંતિ અને પહાડ ઉપર ટકરાઈને પરત થતા અવાજોના પડઘા અને પક્ષીઓનો કલરવ સિવાય અહીં નદી કિનારો ચેકડેમ સહિત પ્રકૃતિને માણવા આવનાર પર્યટકોને નિરાશા નહીં સાપડે. આ સ્થળ વિલ્સન હિલથી માત્ર 20 કિમી અને ધરમપુરથી 45 કિમી દૂર આવેલું છે. અહીં પહોંચતા જ તમને પ્રકૃતિને ખોળે પહોંચ્યાનો અલ્હાદક અહેસાસ થશે. સ્થાનિક રહીશોની રજૂઆતો બાદ નદીના પટ સુધી હાલમાં ડામર રોડ બનીને તૈયાર છે, છેક નીચે સુધી જઈ શકાય છે.
સ્થાનિકોની માંગ છે કે આ ડેસ્ટિનેશન પોઇન્ટને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવે, જેથી સ્થાનિકોને અહીં આવનારા પર્યટકો થકી રોજગારી મળી શકે. અહીં પર્યટન સ્થળ વિકાસની ઉજ્જવળ તકો છે. સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને પર્યટન વિભાગ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે. બાકી ધરમપુરને ખોળે પ્રકૃતિને માણનાર માટે ચાવરા ગામે આવેલો ગીદાડીનો આંકડો ખરેખર એક ઉત્તમ સ્થળ બની શકે એમ છે.