Gujarat

ભાદરવી પૂનમને લઇ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર

બનાસકાંઠા(Banaskatha): કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી(Ambaji)માં ભાદરવી પૂનમનો મહામેળો જામ્યો છે. મંદિરનાં દ્વાર ખુલતા જ માઈભક્તોએ માતાજીના દર્શન કરવા દોટ લગાવી હતી. ભાદરવી મહામેળામાં શ્રદ્ધાળુઓ(Devotees)નો ભારે ધસારો રહેતા નવો રેકોર્ડ સર્જાયો છે. મેળાની હવે પૂર્ણાહુતિ થઇ છે. મેળાની શરૂઆત થયા બાદથી હજુ સુધી કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. અંબાજી ભાદરવી મહામેળા પ્રસંગે માઇભક્તો દ્વારા સોનું, દાગીના અને વિવિધ સ્વરુપે માતાજીને ધરાવાયું છે.

માતાજીને રાજભોગ ધરાવાયો
ભાદરવી પૂનમના દિવસે મંગળા આરતીનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે, જેને લઈને અંબાજીમાં આજે ભાદરવી પૂનમની મંગળા આરતી વહેલી સવારે 5 વાગ્યે કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં માઇભક્તો વહેલી સવારથી કતારોમાં લાગી ગયા હતા. ભક્તો શ્રદ્ધાભાવ સાથે મંગળા આરતીમાં જોડાઈ મા અંબાનાં દર્શન કર્યા હતા. ભાદરવી પૂનમમાં માતાજીનો મહાલક્ષ્મી સ્વરૂપ હોય છે. સવારે માતાજીને શીરો ધરાવવામાં આવ્યો હતો. તો બપોરે માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે. માતાજીનાં દિવ્ય દર્શન કરવાથી તમામ મનોકામના પરિપૂર્ણ થતી હોય છે. ભાદરવી પૂનમને લઇ જગપ્રસિધ્ધ અંબાજી માતાજીના દર્શન લાખો ભકતોનું ઘોડાપૂર ઉમટયું જે જોઇને પ્રતીતિ થાય છે કે અંબાજીનો મહિમા ચમત્કાર અને અપરંપાર છે. ઉલ્લેખનીય કે, માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મેળાઓમાં ભાદરવી મહામેળામાં માંઇભક્તો દૂરદૂરથી આવી હતા. દૂર-દૂરથી પદયાત્રા દ્વારા ચાલીને આવતા ઘણા યાત્રિકો ભક્તિભાવપૂર્વક મંદિર પર ધજા ચડાવી ધન્ય બનતા જોવા મળે છે. ચાચર ચોકમાં બોલ માડી અંબે… જય જય અંબે…ના જયઘોષ સતત ગુંજી રહ્યા હતા. અંબાજીમાં ભક્તિભર્યા ભવ્ય માહોલની જમાવટ થઈ હતી.

એસ.ટી બસ દ્વારા 1100 બસો દોડાવાઈ
અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા અને મેળામાં દોડતી મોટાભાગની નવી એસ.ટી.બસો જોઇને યાત્રિકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. અંબાજીમાં ઉમટતા લાખો માઇભક્તોને પરત ઘેર જવામાં સરળતા રહે તે માટે એસ.ટી.વિભાગ દ્વારા 1100 જેટલી બસો દોડાવાઇ રહી હતી. તો, મંદિર પરિસરમાં દર્શન માટે બે રેલીંગની સરસ સુવિધાઓ હોવાથી યાત્રિકોને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતું નથી. અંબાજીના ગબ્બર મુકામે પણ યાત્રિકોની બહુ વિશાળ સંખ્યા જોવા મળી રહી છે. માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર મુકામે નિર્માણ કરવામાં આવેલા 51 શક્તિપીઠોના દર્શનનો લ્થવો એક જ સ્થળે મળે છે. જેનાથી માઇભક્તો ધન્ય બની રહ્યા છે.

મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યો
અંબાજી મંદિર પરિસર અને સમગ્ર અંબાજીમાં જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રોશની અને લાઇટીંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવતા અંબાજી તીર્થ સ્થાનની ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા હતા. રોશનીને લીધે અંબાજી મંદિરની ભવ્યતા નિહાળી માઇભક્તોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. અંબાજીના યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે તેમજ પ્રસાદ વગેરે મેળવી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં સારી સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ હતી. ખાસ કરીને સ્વચ્છતા, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, વિસામો, કેન્દ્રો, સુરક્ષા, લાઇટીંગ, પરિવહન અને પાર્કિંગ, વિનામૂલ્યે ભોજન, સરળતાથી સારા દર્શન કરવાની સુવિધા કરાઇ હતી.

Most Popular

To Top