બારડોલી : તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદની અસર પુર્ણા નદીમાં થઈ હતી. બારડોલી તાલુકાના છેડે આવેલાં ખરડ અને છીત્રા ગામની હદમાંથી પસાર થતી પુર્ણા નદીમાં ઘોડાપૂર આવતાં બંને ગામો સંપર્કવિહોણા બન્યાં હતાં.
તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે વાલોડ તાલુકામાંથી પસાર થતી વાલ્મીકિ નદી તોફાની બની હતી. જળ સપાટીમાં વધારો થતાં કિનારાનાં અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન આ નદી પુર્ણા નદીમાં ભળી જતી હોવાથી પુર્ણામાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતાં બારડોલીના છેવાડે આવેલાં ખરડ અને છીત્રા ગામમાં પણ સવારથી પાણી ઘૂસવાની શરૂઆત થઈ હતી. નસીબજોગ ઘરોમાં પાણી ઘૂસ્યા ન હતા. પરંતુ ગામની ફરતે પાણી હોય તેમનો અન્ય ગામો અને તાલુકા સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. લોકો ગામમાંથી અવરજવર માટેનો એકમાત્ર રસ્તો બંધ થઈ જતાં સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.
બાળકોને શાળાએ મોકલવા ટ્રેક્ટરની વ્યવસ્થા કરાઈ
છીત્રા ગામની પ્રાથમિક શાળામાં તો વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી દેવામાં આવી હતી. પરંતુ ગામમાંથી અન્ય શાળામાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. તેમને લેવા માટે વાલીઓ પાણીમાંથી ટ્રેક્ટર લઈ ગયા હતા અને ટ્રેક્ટરમાં બેસાડી ઘર સુધી પહોંચાડ્યા હતા. વિદ્યાર્થીઓએ સહી સલામત ઘર પહોંચી જતાં વાલીઓએ પણ રાહત અનુભવી હતી.
વાઘેચમાં પાણી કાઢવા ડિવાઇડર તોડી પડાયું
ગુરુકુળ સુપા નજીક પુર્ણા નદી પરનો પુલ પાણીમાં ડૂબી જતાં બારડોલી નવસારી રોડ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત બારડોલી તાલુકાના વાઘેચ ગામથી આગળ પણ પાણી ભરાઈ જતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. રસ્તાના ડિવાઇડરને કારણે પાણી નહીં નીકળવાથી લોકોએ ડિવાઇડર તોડી પાણી કાઢ્યું હતું.
ખરડ અને છીત્રામાં બોટથી જમવાનું પહોંચાડાયું
બારડોલી : પૂર્ણા નદીનું લેવલ વધતાં બારડોલી તાલુકાના ખરડ તથા છીત્રા ગામના રસ્તા ડૂબી જતા બંને ગામ સંપર્કવિહોણાં બન્યાં હતાં. બારડોલી મામલતદાર તથા ટીડીઓએ બારડોલી ફાયર વિભાગની ટીમની મદદથી બોટ મારફતે જમવાનું પહોંચાડ્યું હતું.