Entertainment

‘ઘિબલી’ની ઘેલછા લાગી

સોશ્યલ મીડિયા માટે પાછલા એક અઠવાડિયાની ઘટનાઓના ઇતિહાસ પર જો પુસ્તક લખવામાં આવે તો સ્ટુડિયો ઘિબલી અને તેના ફોટો સિવાય આ પુસ્તક કોરું કાગળ રહી જાય એ હદે લોકો પોતાનાં ફોટોને ઘિબલી આર્ટના નામ સાથે અપલોડ કરી રહ્યા હતા. ત્યારે એક AI ટૂલે બનાવેલા સુંદર ફોટોને ઘિબલી આર્ટ તરીકે ન જાણવું જોઈએ. એનિમેશન અને ફિલ્મ જગતમાં જેનું સ્થાન એક અદબ સાથે લેવાય છે તેવા સ્ટુડિયો ઘિબલીને AI ફોટો સિવાય તેની ફિલ્મ, તેના ક્રિએટર, તેની ખાસિયતો દ્વારા સ્ટુડિયો ઘીબલી વિશે જાણીયે.


જાપાનમાં આવેલું આ સ્ટુડિયો ઘિબલી એ એનિમેશન ફિલ્મ બનાવી પોતાની અનોખી કળાને ચિત્રો, કહાની, કિરદાર દ્વારાથી લાખો સિનેમા પ્રેમીનાં દિલ જીત્યા છે. આની શરૂઆત તો 1960માં થઈ ચૂકી હતી. જ્યારે આ સ્ટુડિયો ત્રણ ક્રિએટરમાંના હયાઓ મિયાઝાકી જે કુદરતને કૅન્વાસ પર એટલું નેચરલી ઉતારી શકતા હતા. ઇસાઓ તાકાહાતા- જે ખુબ સારા વાર્તાકર. બંને જાપાની એનિમેશન ઇન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યું. 1968માં સાથે મળીને ‘ધ ગ્રેટ એડવેન્ચર ઓફ હોરસ’ પર કામ કર્યું. આ બંનેની દોસ્તી અને ક્રિએટિવિટીમાં ઘિબલીનો પાયો નખાયો. 1982માં, મિયાઝાકીએ ‘નૌસિકા: ઓફ ધ વેલી ઓફ ધ વિન્ડ’ નામની માંગા બુક બનાવી, અહીં થઈ ઘિબલીના ત્રીજા પાર્ટનર તોશિયો સુઝુકીની એન્ટ્રી, તે એક એનિમે મેગેઝીનના એડિટર હતાં જેના ભાગે ઘિબલીના પ્રોડ્યૂસરનું કામ અવવાનું હતું. ‘નૌસિકા’ બુક લોકોને ખુબ ગમી! ફેન્સે કહ્યું કે ફિલ્મ બનાવો, પણ જેવું મોટા ભાગની સારી ફિલ્મ સાથે બને એવું જ થયું, કોઈ પ્રોડ્યુસર જ ન મળ્યો! તેમની લખેલી સ્ક્રિપ્ટ રિજેકટ થતી રહી. આખરે ટોપક્રાફ્ટ નામના નાના સ્ટુડિયોમાં આ ફિલ્મ બની, ફિલ્મ સુપરહિટ પણ આ સ્ટુડિયો બંધ થઇ ગયો! ફિલ્મની સફળતા એ મિયાઝાકી, તકાહાતા અને તોશિયોને વિશ્વાસ અપાવ્યો અને 15 જૂન, 1985ના રોજ સ્ટુડિયો ઘિબલીની સ્થાપના કરી.
આ ‘ઘિબલી’ જેને જાપાનીઝ ‘જીબલી’ તરીકે બોલે છે તે નામ ઇટાલિયન શબ્દ ‘ગિબલી’ પરથી લેવાયું છે, જેનો અર્થ ‘રણની ગરમ હવા’. મિયાઝાકીએ એટલે પસંદ કર્યું કારણ કે તેઓ એનિમેશનમાં નવો પવન લાવવા માગતા હતા. નાનકડી ટીમથી સ્ટુડિયોની શરૂઆત થઈ પરંતુ ટૂંક સમયમાં તેમાં જાપાનના અન્ય પ્રતિભાશાળી કલાકારો અને નિર્માતાઓ જોડાયા. સંગીતકાર જૉ હિસાઇશી અને કલર ડિઝાઇનર મિચિયો યાસુદા જેવા લોકોએ ઘિબલીની ફિલ્મોને અનોખી ઓળખ આપી. ઘિબલી સ્ટુડિયોની પહેલી ફિલ્મ ‘કેસલ ઇન ધ સ્કાય’ 1986માં રિલીઝ થઈ. અત્યાર સુધીમાં ઘિબલી દ્વારા 23 ફિલ્મો બનાવામાં આવી છે. જેમાં 2 ફિલ્મને ભાગે ઓસ્કર પણ આવ્યો છે. એક લાઈનના પ્રોમ્પ્ટ પરથી ચિત્ર તૈયાર કરી આપતા AI સામે ઘિબલીમાં ફિલ્મ બનવાની પ્રોસેસ અલગ છે. તેમને એક ફિલ્મ બનાવતા 2 થી 3 વર્ષ લાગે છે. એક નાના દૃશ્યને પૂર્ણ કરવામાં અઠવાડિયાં લાગી શકે છે, કારણ કે દરેક ફ્રેમ પર ખૂબ જ મહેનત થાય છે. 100થી 300 કલાકારો અને પ્રોડ્યુસરની ટીમ એક સાથે કામ કરે છે. ઘિબલીની મોટાભાગની ફિલ્મો હાથથી દોરેલા ચિત્રો પર આધારિત હોય છે. દરેક ફ્રેમને કલાકારો દ્વારા પેન્સિલ અને પેઇન્ટથી બનાવવામાં આવે છે. છેક 1997ની પ્રિન્સેસ મોનોનોકેથી ઘિબલીએ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો, તે મર્યાદિત જ! બસ રંગ ભરવા અને ખાસ ઇફેક્ટ માટે. આવા હાથથી દોરેલા લગભગ 1 લાખથી વધારે ચિત્રો ભેગા કરે તો 120 મિનિટની ફિલ્મ બને છે! જોકે આજે પણ સ્ટુડિયો ઘિબલીનું મહત્વ ઓછું થયું નથી. તેની ફિલ્મ OTT પ્લેટફોર્મ્સ (મોટા ભાગે નેટફ્લિક્સ) પર અવેલેબલ છે, જે નવી જનરેશનને એટલી જ એન્ટરટેઇન કરે છે. અત્યારે સોશ્યલ મીડિયા પર AI-જનરેટેડ ઘિબલી-સ્ટાઇલની ઇમેજનો ટ્રેન્ડ વાયરલ થવો દર્શાવે છે કે તે આજે પણ લોકોને આકર્ષે છે. 3 ક્રિએટરમાંના હયાઓ મિયાઝાકીએ 2013માં રીટાયર થઇ ચુક્યા હતા પણ ‘ધ બોય એન્ડ ધ હેરોન’માં ફરી સાથે પાછા ફર્યા. 2024માં, હયાઓ મિયાઝાકીના પુત્ર જે હવે ઘિબલી સાંભળે છે તે ગોરો મિયાઝાકીએ જણાવ્યું કે હાયાઓ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, જોકે, આ ફિલ્મ બનશે કે નહીં તે હજી અનિશ્ચિત છે. જોકે જે ઘિબલી પાછળ લોકો આટલા ઘેલા થયા છે, તેને બનાવનારા હયાઓ મિયાઝાકી AI ના સખત વિરોધી છે. 2016માં એક ડોક્યુમેન્ટરીમાં, જ્યારે તેમને AI -જનરેટેડ એનિમેશન બતાવવામાં આવ્યું, તેમણે કહ્યું, ‘હું આનાથી ખૂબ નારાજ છું. જે કોઈએ આ બનાવ્યું તેને પીડા શું છે તેની કોઈ જાણ નથી. મને લાગે છે કે આ જીવનનું અપમાન છે.’ તેમનું માનવું છે કે AI માનવીય લાગણીઓ અને અપૂર્ણતાને સમજી શકતું નથી, જે એનિમેશનનો આત્મા છે. કલા પ્રેમીઓ માટે સ્ટુડિયો ઘિબલી એ માત્ર એક એનિમેશન સ્ટુડિયો નથી, પરંતુ એક દુનિયા છે, જેમાં ખૂબ બધી લાગણી છે, પ્રકૃતિ છે, બાળપણ છે, એડવેન્ચર છે, સંગીત, પ્રેમ, સબંધ છે. જે માનવતા અને સપનાઓને દૃશ્યમાં દેખાડે છે. ફિલ્મો આજે પણ લોકોને પ્રેરણા આપે છે અને ભવિષ્યમાં પણ આવું જ ચાલુ રહેશે. મિયાઝાકીની મશીન સામે ગુસ્સો બતાડે છે સાચી કળા હંમેશાં માનવ હૃદયથી જન્મે છે, મશીનથી નહીં. •

Most Popular

To Top