ઘેજ : ચીખલીના આલીપુર સ્થિત વસુધારા ડેરીનું નકલી ઘી (Ghee) વલસાડમાં (Valsad) વેચાણ થતું હોવાનું બહાર આવતા વસુધારા ડેરી દ્વારા પોલીસ (Police) અને ખાદ્ય સુરક્ષા વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વસુધારા ડેરી દ્વારા એક યાદીમાં જણાવ્યાનુસાર 13.10.22ના રોજ વસુધારા ડેરીને પારડી તાલુકાના મોતીવાડાથી વસુધારા ઘીની ગુણવત્તા બાબતે ફરિયાદ મળતા સંસ્થાના અધિકારીઓએ ગ્રાહકનો સંપર્ક કર્યો હતો. જેમાં ગ્રાહકે વસુધારા ઘીનું પાઉચ બતાવતા તે નકલી હોવાનું જણાઇ આવતા આ ઘીને વસુધારા ડેરીની લેબોરેટરીમાં સ્થાપવામાં આવેલી અત્યાધુનિક ગેસ કોમેટોગ્રાફી મશીનમાં ચકાસણી કરતા આ નકલી ઘીમાં ઊંચી માત્રામાં પામોલીન જેવા તેલનું ભેળસેળ હોવાનું બહાર આવેલું હતું.
ગ્રાહક પાસે મળેલી જાણકારી મુજબ તેમણે આ પેકેટ વલસાડ, છીપવાડના નાકે આવેલી ‘એમ માર્ટ’ મનોજ એન્ટરપ્રાઇસીસમાંથી ખરીદ કરેલાનું જણાવી બીલ પણ બતાવ્યુ હતું. વસુધારા ડેરીના અધિકારીઓ રૂબરૂ વિક્રેતાને ત્યાં જઇ તપાસ કરતા વસુધારા ઘીના અસલી ઘી પેકેટ સાથે અનેક નકલી પેકેટ ભેગા કરી દેવામાં આવેલાનું જોવા મળ્યું હતું. વસુધારા ડેરી દ્વારા આ બાબતે તુર્ત કાર્યવાહીના ભાગરૂપે વલસાડ સીટી પોલીસ અને સરકારી ખાદ્ય સુરક્ષા વિભાગને લેખિત જાણ કરવામાં આવતા આ બંને વિભાગ દ્વારા ‘એમ માર્ટ’ મનોજ એન્ટરપ્રાઇસીસમાં સ્થળ પર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.
આવુ નકલી ઘી પાઉચ બનાવવા માટે અસામાજીક તત્વો દ્વારા પેકિંગ ફિલ્મની નકલ કરી, વસુધારા ડેરી દ્વારા પેક કરી બજારમાં આવતા ઘીનો બેચ નંબર અને તારીખ મેળવી એ જ બેચ નંબર સાથે નકલી ફિલ્મમાં ઘી પેક કરી બજારમાં મુકવામાં આવેલાનું જણાયુ હતું. જે વસુધારા ડેરીના સાચા ઘી પાઉચ સાથે એક જ સ્થાને વેચાણ માટે મુકતા ગ્રાહકો તેના ભોગ બની શકે. બજારમાં આવા અનેક વિક્રેતા હોય શકે. પરંતુ ભેળસેળ યુક્ત નકલી ઘી બનાવનારના મૂળ સુધી પહોંચી તેમના ઉપર ઉદાહરણરૂપ પગલા લેવાય તો આવુ અસામાજીક કાર્ય અટકી શકે. સુમુલ ડેરીના નકલી ઘીના સમાચાર તાજા છે ત્યાં જ વસુધારા ડેરીના નકલી ઘીના વેચાણનો મામલો સામે આવ્યો છે.