કોરોનાના કારણે રાજ્યની સ્થિતિ ભયાનક બની રહી છે. કોરોના અંગે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુઓમોચો અરજીની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે ફરી એક વખત રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કેટલાક વેધક સવાલો સરકારને કર્યા હતા, જેનો કોઈ જ જવાબ સરકાર પાસે ન હતો.
ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ડિવિઝન બેન્ચે સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે ‘તમે એફિડેવિટમાં જે બાબતો રજુ કરી છે તે અને વાસ્તવિક ચિત્ર જુદું જ છે. સરકાર ફૂલગુલાબી ચિત્ર બતાવી રહી છે, તમામ બાબતો માત્ર કાગળ ઉપર જ હોય તેમ લાગી રહ્યું છે, ખરેખર સ્થિતિ ખૂબ ડરાવનારી છે. લોકડાઉન આ અંગે પણ હાઇકોર્ટ સરકારને આડે હાથે લીધી હતી અને લોકડાઉનએ નિરાકરણ નથી, અન્ય દેશો સાથેની સરખામણી ન કરી શકાય. આ ભારત છે, રોજ લાવીને રોજ ખાનારાઓને લોકડાઉન બરાબર સમજાય છે.’
હાઇકોર્ટે સરકારને વેધક સવાલ કરતાં કહ્યું હતું કે ‘અમદાવાદ શહેરની ચાર હોસ્પિટલોમાં 108 મારફતે આવેલા દર્દીઓને જ કેમ દાખલ કરવામાં આવે છે ? ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને શા માટે દાખલ કરવામાં આવતા નથી ? આ ઉપરાંત અમદાવાદમાં રહેતા હોય તેવા દર્દીઓને જ આધારકાર્ડ જોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે,’ તે અંગે પણ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
વધુમાં ગઈ છેલ્લી સુનાવણીમાં જે સ્પષ્ટતા માગવામાં આવી હતી, તે સ્પષ્ટતા એફિડેવિટમાં ક્યાંય જણાતી નથી. એમ્બ્યુલન્સના મામલે વિરોધાભાસ જણાય છે. આ અંગે આગામી દિવસોમાં શું કરવા માંગી રહ્યા છો ? તમે માત્ર અમદાવાદની જ વાતો કરી રહ્યા છો, પરંતુ રાજ્યભરનો શું એક્શન પ્લાન છે ? તેની કોઈ જ વાત એફિડેવિટમાં જણાતી નથી.
ગુજરાત હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે ‘જે દર્દીને ઇન્જેક્શનની જરૂર હોય તો તેને પૂરતા ઈન્જેકશન આપવા જોઈએ. દરેક હોસ્પિટલોમાં ઇન્જેક્શનનો મળવા જોઈએ. આપણે મુક પ્રેક્ષક બનીને લોકોને મરતા ન જોઈ શકીએ.’
ગુજરાત હાઈકોર્ટે સરકારને પ્રશ્ન કર્યો હતો કે ‘તમે હાલની વાતો કરી રહ્યા છો પરંતુ ભવિષ્યનો શું પ્લાન છે ? તે અંગેની કોઇ જ વાત જણાતી નથી, શું આગામી દિવસોમાં ઇન્જેક્શનો, ઓક્સિજનનો જથ્થો, દવાઓ, હોસ્પિટલોમાં બેડ વગેરેની શું સ્થિતિ છે, તે અંગેની કોઈ જવાબ સોગંદનામા જણાતો નથી, સોગંદનામા તેનો મૂળભૂત આધાર ક્યાંય દેખાતો નથી. સરકાર આંકડાઓ અને હકીકતો બતાવી રહી છે, જે સંપૂર્ણપણે સાચા નથી લાગતા, તેના માટે જરૂરી આધાર પુરાવા આપવા જોઈએ.’
હાઈકોર્ટે લોકોને પણ સ્વયંમ શિસ્તમાં રહેવા અને કામ સિવાય ઘરની બહાર ન નીકળે, તેવી ટકોર કરી હતી. લોકો જાતે જ ઘરમાં રહેવું જોઈએ કેમ લોકો એક અઠવાડિયા સુધી ઘરે ન રહી શકે ?.
દરમિયાનમાં સિનિયર એડવોકેટ શાલીન મહેતાએ રજૂઆત કરી હતી કે અમદાવાદ મનપા દ્વારા ખાનગી હોસ્પિટલોમાં 20 ટકા બેડ કોરોના દર્દીઓ માટે રાખવામાં આવ્યા છે, આ ૨૦ ટકાનો કવોટા વધારીને 50 ટકા કરવો જોઈએ. તેમાંથી આયુષ્માન અને માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા દર્દીઓને મફતમાં સારવાર આપવી જોઈએ. લંબાણપૂર્વકની સુનાવણી બાદ રાજ્ય સરકારે એફિડેવિટ માટે સમયની માંગણી કરતા હાઇકોર્ટે આ અંગે વધુ સુનાવણી આવતા મંગળવારે રાખી છે.
સરકાર જુઠુ બોલી રહી છે, 108 પહોંચે ત્યાં સુધીમાં તો દર્દી મૃત્યુ પામે છે
સરકાર દ્વારા 108ના મામલે એફિડેવિટમાં ખોટી રજૂઆત કરવામાં આવી છે, ખરેખર તો 108 48 કલાકથી વધારે સમય એ પણ આવતી નથી. સરકાર જુઠ્ઠું બોલી રહી છે. સ્થિતિ એવી છે કે એમ્બ્યુલન્સ દવાખાને પહોંચી ત્યાં સુધીમાં દર્દી મૃત્યુ પામે છે. 108ની રાહ જોતા દર્દીઓના સગાઓ દર્દીઓને લારીમાં, રિક્ષામાં કે અન્ય વાહનો મારફતે હોસ્પિટલમા પહોચતા હોય છે, પરંતુ શહેરની ચાર હોસ્પિટલોમાં 108 મારફતે આવેલા દર્દીઓને જ દાખલ કરવામાં આવે છે. ખાનગી વાહનોમાં આવેલા દર્દીઓને હોસ્પિટલમાં એન્ટ્રી અપાતી નથી.