સુરત: ચંદી પડવો એ સુરતીઓનો પોતીકો તહેવાર છે. ચંદી પડવાના દિવસે સુરતીજનો લાખો-કરોડો રૂપિયાની ઘારી ઝાપટી જતા હોય છે. ચંદી પડવો આવે તે પહેલા સુરત મનપાનું ફૂડ વિભાગ સતર્ક બન્યું છે અને વિવિધ સંસ્થાઓમાંથી ઘારીના સેમ્પલો લીધા હતાં.
મંગળવારે ફૂડ વિભાગ દ્વારા શહેરની વિવિધ જાણીતી સંસ્થાઓમાંથી ઘારીના સેમ્પલો લઈ લેબમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા. તેમજ સોમવારે શહેરની વિવિધ સંસ્થાઓમાંથી દૂધના માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં કુલ 26 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પૈકીના 2 નમૂના સબસ્ટાન્ડર્ડ એટલે કે, ધારાધોરણ મુજબના ન હોવાનું રિપોર્ટમાં આવ્યું છે. જેથી હવે મનપા દ્વારા 2 સંસ્થાઓ સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવશે.
સુરતમાં ચંદની પડવાની ઉજવણી પહેલા ઘારીનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઘારીની ગુણવત્તા ચકાસવા માટે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. મીઠાઈની વિવિધ દુકાનો પરથી ઘારીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.
કુલ 12 સંસ્થામાંથી ઘારીનાં કુલ 25 નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબમાં મોકલાયા છે. સાથે જ મનપાએ કુલ 26 સંસ્થામાંથી દૂધના માવાના સેમ્પલો પણ લીધા હતા. જે પૈકી 2 સંસ્થાઓના નમૂના ફેઈલ હોવાનું જણાયું છે. જેમાં પીરછડી રોડની જૈન માવા ભંડારના દૂધનો માવો તેમજ મોટા વરાછા દરબાર ફળિયુની સંતકૃપા મિલ્ક પ્રોડક્ટસના દૂધના માવાના નમૂના ધારાધોરણ પ્રમાણે સ્ટાન્ડર્ડ યોગ્ય જણાયેલ નથી.
જેમાં મિલ્ક ફેટ (On Dry wt. Basis.) ઓછામાં ઓછુ 30.0% ધારાધોરણ હોવી જોઈએ, જે સેમ્પલમાં ઓછી છે. તેમજ બી.આર રીડિંગ 40.0 થી 44.0 ધારાધોરણ હોવી જોઈએ. જે સેમ્પલમાં વધારે છે. આ સંસ્થાઓમાંથી મનપાના ફુડ વિભાગ દ્વારા દૂધનાં માવાનો આશરે 110 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.