
બોલિવૂડ એક્ટર ઇમરાન ખાન એક દાયકા કરતા વધુ સમય માટે ફિલ્મી દુનિયાથી ગાયબ થઇ ગયો હતો. તે પહેલા તેણે ‘જાને તું..યા જાને ના’, ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’,’ દેલ્હી બેલી’, અને ‘મેરે બ્રધર કી દુલ્હન’ જેવી ફિલ્મ્સ કરીને પોતાનો એક ચાહક વર્ગ ઊભો કર્યો હતો. હાલમાં, તેને વીર દાસ ની ફિલ્મ હેપ્પી પટેલ: ખતરનાક જાસુસમાં જોવામાં આવ્યો હતો. ઇમરાન ખાન અને અવંતિકા મલિકના છૂટાછેડા ૨૦૧૯ માં થયા હતા અને હવે તેને વિવિધ પ્રસંગોએ ગર્લફ્રેન્ડ લેખા વોશિંગ્ટન સાથે જોવામાં આવે છે. અહીં, વાતચીતમાં તે તેના ભૂતકાળ વિષે, તેના લગ્ન જીવન વિષે અને તેના માનસિક સ્વાસ્થ્ય વિષે વાત કરે છે.
એવું જાણવા મળ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તારું માનસિક સ્વાસ્થ્ય સારું ન હતું?
હા, છેલ્લા ૮-૧૦ વર્ષથી મને માનસિક સ્વાસ્થ્યને લગતી તકલીફ હતી. મને ‘સારું’ લાગતું ન હતું. પહેલા હું બિન્દાસ અને ખુશમિજાજ રહેતો હતો પરંતુ, ધીમે ધીમે મને લાગતું હતું કે મારામાં પરિવર્તન આવ્યું છે, હું જેવો હતો તેવો રહ્યો નથી. મારું મૂળ વ્યક્તિત્વ મારાથી દૂર જઈ રહ્યું હતું.
તારા લગ્નજીવન વિષે કહેવા કઈ માંગે છે?
મારા જીવનસાથી સાથેનો મારો સંબંધ સ્વસ્થ ન હતો. અમારો સંબંધ ખૂબ નાની ઉંમરે, લગભગ અમે જ્યારે ૧૮-૧૯ વર્ષના હતા ત્યારે શરૂ થયો હતો. તે વખતે તમારી પાસે એવી પરિપક્વતા હોતી નથી કે જેને સ્વસ્થ સંબંધ અને અસ્વસ્થ સંબંધ વિષે સમજણ હોય. કોઈના માટે કેટલી હદ સુધી બદલાવું જોઈએ કે ના બદલાવું જોઈએ તેની સમજ માટે પુરતો જીવન અનુભવ હોતો નથી. મને એટલી સમજ પડી ગઈ હતી કે અમારો તાલમેલ બેસતો નથી. છેલ્લા ૨ વર્ષથી અમારું લગ્નજીવન તનાવપૂર્ણ હતું. મને ખ્યાલ આવ્યો કે જો હું ખુશ રહેવા માંગતો હોવ અને મારું મૂળ વ્યક્તિત્વ ફરી મેળવવા માંગતો હોવ તો મારે આ સંબંધ માંથી બહાર નીકળવું જ પડશે.
છૂટાછેડા લીધા બાદ તે પોતાને કેવી રીતે સંભાળ્યો?
હું આના માટે કોઈને દોષિત માનતો નથી. મને ખબર છે કે એવી અફવાઓ છે કે છુટાછેડાને કારણે મારું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું હતું. પરંતુ હકીકત આનાથી વિપરીત છે. લગ્નજીવનના છેલ્લા કેટલાક વર્ષો મારા ઘણા ખરાબ રહ્યા હતા. એટલે મેં છૂટાછેડાનો નિર્ણય લીધો અને ખરેખર તે મારા માનસિક સ્વાસ્થ્ય માટે ટર્નિગ પોઈન્ટ સાબિત થયો. ત્યાર પછી જ મારું માનસિક સ્વાસ્થ્ય સારું થયું. અમે કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાને સપોર્ટ કરી શકતા ન હતા એટલે છુટા થવું એ જ યોગ્ય હતું.
શરૂઆતની કારકિર્દી વખતે તારી અને રણબીર કપૂરની ઘણી સરખામણી થતી હતી?
અમારી બંનેની કારકિર્દી લગભગ સાથે જ શરૂ થઇ હતી અને અમારી બંનેની ઈમેજ ચોકલેટ બોયની હતી. પરંતુ મેં ક્યારેય સ્પર્ધા પર ધ્યાન આપ્યું નથી. સર્જનાત્મક સ્પર્ધાનો વિચાર જ મને સ્વીકાર્ય નથી. તેનાથી સિનેમા અને આપણી કળા રમતમાં ફેરવાય જાય છે અને તેના કારણે ફિલ્મને સંપૂર્ણ ન્યાય કરી શકાતો નથી.
બોક્સ ઓફિસ આકડાઓ કેટલા મહત્વના છે?
ફિલ્મના ભાવનાત્મક મૂલ્યને આકડાઓમાં કેવી રીતે માપી શકાય? કોઈ વ્યક્તિ ફિલ્મથી ભાવનાત્મક રીતે પ્રભાવિત થાય છે તો કોઈ પ્રભાવિત નથી થતું. તે બરાબર છે, પરંતુ તેને બોક્સ ઓફિસના આંકડાઓમાં માપવું યોગ્ય નથી. મેં ક્યારેય તેમાં વિશ્વાસ રાખ્યો નથી.
હાલમાં મોટી અને એક્શન ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તને શું લાગે છે?
હા, તમારી વાત સાચી છે. કોવિડ પછી લોકો મોટી અને એક્શન ફિલ્મ જોવા માટે જ થિયેટરમાં જ્યાં છે, તે સિવાયની ફિલ્મ માટે તેઓ જવાનું ઓછું પસંદ કરે છે. આ તેમની પસંદ છે અને તેમાં કશું ખોટું પણ નથી.
તારી આવનારી ફિલ્મ?
મારી આગામી ફિલ્મ ભૂમિ પેડનેકર સાથેની ‘અધૂરે હમ અધૂરે તુમ’ છે જે નેટફ્લીક્સ ઓરીજીનલ પર છે. અમે ક્યારેય નહોતું વિચાર્યું કે આ પ્રકારની વાર્તા મોટા પાયે પ્રેક્ષકોને આકર્ષિત કરશે. તે એક સૌમ્ય સંબંધોની વાર્તા છે. •