આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ ઓછી અને જીવનવિજ્ઞાનની પધ્ધતિ વધુ છે. નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સવારે ઊઠતાં વેંત થોડીક સારી આદત-ટેવ પાડવાથી આખો દિવસ સ્ફૂર્તિ ઉત્સાહ-ઉમંગમય વીતે છે. સવારે પથારીમાં ઊઠતાં પહેલાં થોડી ક્ષણ નવા દિવસ માટે પ્રભુનો આભાર માનો, પ્રાર્થના કરો. કોઈ શ્લોક-ધૂન ગુનગુનાવો. તરત જ મોબાઈલમાં જોવા ન બેસી જાવ. શક્ય હોય તો મધુર ભક્તિગીત-સંગીતનું ગુંજન કરો. સૂઓ ત્યારે ડાબી બાજુ જ સૂઓ ને ઊઠો ત્યારે જમણી બાજુથી ઊઠી પૃથ્વી માતાને પ્રણામ કરીને જ ઊઠો. હાથને મસળો, હથેળી ઘસો ને આંખ પર લગાડો. ઊર્જાનો અનુભવ થશે. હથેળી ઘસવાથી હાથમાં લોહીનું પરિભ્રમણ થશે.
શરીર આખાને સંદેશો મળે છે કે મીઠી નિદ્રા પૂરી થઈ. હવે સૂર્યોદય થવાની તૈયારી છે, જાગી જાવ. પંખીઓનો કલરવ સાંભળો. પક્ષીઓને ચણ-બાજરી-જુવાર નાંખો. આખો દિવસ સારો જશે જ. ઊઠ્યા પછી તરત જ છાપું ન વાંચો. જરૂર વાંચો પણ ચા-નાસ્તા પછી જ અચૂક વાંચવાની ટેવ સારા સમાચાર વાંચવાની પાડો. પાંચ-દસ ઊંડા શ્વાસ લેવાની સુટેવ પાડો. આખો દિ આનંદમાં જશે. સવારે નજીક રસ્તાની બાજુ પર થોડું ચાલવાનું નિયમિત રાખો. શિયાળો છે. રોગપ્રતિકારકશક્તિ વધારવા ભલે વસાણા ન ખાવ પણ સૂંઠ, ગોળ, ઘીની ગોળી બનાવી ખાવ. આખું વર્ષ શક્તિ મળ્યા કરશે. પપૈયું, ગાજર, કાચું કોબી, ટામેટા, લીલાં આમળાં, બીટ, ધાણા-લસણનો ખોરાકમાં ઉપયોગ કરો, નવું વર્ષ-પ્રત્યેક દિવસ આનંદમય, સ્ફૂર્તિમય જશે.
સુરત – રમીલા પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ડગલો થાય છે, શિયાળો વહી જાય છે
જીવન સાવ બદલાઇ ગયું સમયના ધસમસતા પ્રવાહ વચ્ચે. વીસમી સદીમાં આ લખનારે હરિપુરા ધોબી શેરીમાં ત્રણેક વર્ષ વિતાવ્યાં હતાં. શિયાળામાં વહેલી સવારે એક મહારાજ ગળામાં હાર્મોનિયમ લટકાવી શેરીના એક નાકેથી બીજા નાકે લલકારતા જાય ‘‘અગલો, ડગલો થાય છે, શિયાળો વહી જાય છે, ડગલાની તો રાતી કોર તે પહેરે શ્રી રણછોડ.’’ અવાજ મધુર. સાંઠી વટાવી ચૂકેલાં ઘણાંએ આ દૃશ્ય જોયું જ હશે. ગીતના લલકારથી ગૃહિણીઓ તાંબાનો બંબો પાણી ગરમ કરવા સળગાવે.
નિત્ય કાર્યક્રમ શરૂ કરી દે. પોતે પણ ભજનો લલકારે. ટૂંકમાં સવાર પેલા શેરીગાયક મહારાજના હાર્મોનિયમના સૂર અને કંઠથી જ પડતી. રળિયામણી અને ભક્તિમય ભાસતી એ સવાર કેટલાક એના અવાજથી જાગી, મોર્નિંગ વોક નીકળી પડે. મહારાજ દક્ષિણા ઉઘરાવતા નહીં. જે મળ્યું તે જ સંતોષ, જૂની હકીકતોની મધુરમ હજીય હ્રદયના ઊંડે ખૂણે રણકે છે. આજે હવે આ દૃશ્ય ૨૧મી સદીમાં દુર્લભ બની ગયું. જૂના સુરત શહેરની આ પણ હતી એક ઓળખ. આપણે એકબીજાને ચાહીએ એટલી ધાર્મિક્તા, બીજા માટે કંઇક કરી છૂટવાની તમન્નાનો અભાવ વર્તાય છે.
સુરત – કુમુદભાઇ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.