Comments

વિશ્વની મહાસત્તા ગણાતું જર્મની આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે

દુનિયાના ઘણા દેશો મંદીની ઝપટમાં આવી ગયા છે, જેમાંથી આર્થિક મહાસત્તા ગણાતું જર્મની પણ બચ્યું નથી. યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મની આ દિવસોમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જર્મનીના ખાસ કરીને લિથિયમ જેવા કાચા માલ પર વધતા જતા અવલંબન અને નવા ઓર્ડરની અછતને કારણે જર્મનીની સ્થિતિ ૨૦૦૮ની મંદી પછી સૌથી ખરાબ બની છે. જર્મનીનું ચીન જેવા દેશ ઉપરનું અવલંબન ઓટોમોબાઈલ જેવા મુખ્ય ઉદ્યોગો માટે ખતરો છે. બીજી ગંભીર સ્થિતિ એ છે કે મ્યુનિક સ્થિત ઇફો ઇન્સ્ટિટ્યૂટનાં વિવિધ ક્ષેત્રોમાં ઓર્ડરમાં મોટો ઘટાડો નોંધાયો છે. Ifoના ડેટા અનુસાર, ઓક્ટોબરમાં ૪૧.૫ ટકા જર્મન કંપનીઓએ ઓર્ડરમાં ઘટાડો નોંધ્યો છે, જે જુલાઈમાં ૩૯.૪ ટકા હતો. આ આંકડો COVID-૧૯ રોગચાળા દરમિયાન કોઈ પણ સમય કરતાં વધારે છે અને ૨૦૦૮ ની નાણાંકીય કટોકટી પછી સૌથી
ખરાબ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા તેના એક દિવસ બાદ જર્મન ચાન્સેલરે ફ્રી ડેમોક્રેટિક પાર્ટીના વડા રહેલા નાણાં મંત્રી ક્રિશ્ચિયન લિન્ડનરને બરતરફ કરી દીધા હતા. જર્મનીની સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી, ફ્રી ડેમોક્રેટિક પાર્ટી અને ગ્રીન પાર્ટીના બનેલા ત્રણ પક્ષીય ગઠબંધને ૨૦૨૧માં જર્મનીમાં સરકારની રચના કરી હતી. તે યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ૧૬ વર્ષની મર્કેલિયન રાજનીતિના મુખ્ય આધાર તરીકે આવી હતી. આ ગઠબંધન સમાપ્ત થયું તે પછી બનેલી શ્રેણીબદ્ધ ઘટનાઓ નાણાં પ્રધાન ક્રિશ્ચિયન લિન્ડનરને દૂર કરવા તરફ દોરી ગઈ હતી.

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે જણાવ્યું હતું કે તેમણે ક્રિશ્ચિયન લિન્ડનરને બજેટ વિવાદ પર તેમના અવરોધક વર્તનને કારણે નાણાં પ્રધાન તરીકે બરતરફ કર્યા હતા. હાલમાં જર્મન અર્થવ્યવસ્થા સંકટમાંથી પસાર થઈ રહી છે. આ માટે ઓલાફ સ્કોલ્ઝે ટેક્સમાં વધારો કરવાની દરખાસ્ત કરી છે.  પ્રોપર્ટી-બિઝનેસ ફ્રી ડેમોક્રેટ્સ પાર્ટી (FDP) ના નેતા લિન્ડનરે એ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. શાસક ગઠબંધનમાં ચાલી રહેલી આ ખેંચતાણ બાદ અટકળો શરૂ થઈ ગઈ છે કે વર્તમાન સરકાર ૧૧ મહિના પછી યોજાનારી ચૂંટણી સુધી અકબંધ રહેશે કે પછી પડી જશે.

જર્મનીના મુખ્ય ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ જર્મન ઇન્ડસ્ટ્રીઝ (BDI) એ ચેતવણી આપી છે કે જો ચીનમાંથી લિથિયમની આયાત બંધ થાય તો તેનાથી જર્મનીના અર્થતંત્રને લગભગ ૧૧૫ અબજ યુરોનું નુકસાન થઈ શકે છે, જે ઔદ્યોગિક ઉત્પાદનના લગભગ ૧૫ ટકા છે. જર્મનીમાં ૫૫ ટકા લિથિયમ ચીનમાંથી આયાત કરવામાં આવે છે, જે ૨૦૧૪માં માત્ર ૧૮ ટકા હતું. લિથિયમ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેના કારણે જર્મનીના મુખ્ય કાર ઉત્પાદકો ગંભીર નાણાંકીય સંકટનો સામનો કરી રહ્યા છે. ફોર્બ્સ ઈન્ડિયા અનુસાર, જર્મનીનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) હાલમાં ૪.૪૩ ટ્રિલિયન ડોલર છે. જર્મનીની માથાદીઠ આવક ૫૨,૮૨૦ ડોલર આસપાસ છે. હાલમાં વાર્ષિક જીડીપી વૃદ્ધિદર  માઇનસ ૦.૧% છે. જર્મનીનું અર્થતંત્ર નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

જર્મની કામદારોની અછતનો સામનો કરી રહ્યું છે, જેની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડશે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જર્મન યુનિવર્સિટીઓ અને ઉદ્યોગ બંનેએ સરકારને વિનંતી કરી છે કે તેઓ દેશમાં અભ્યાસ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા અને જાળવી રાખવાના પ્રયાસો કરે. તેમણે જર્મન સરકારને પ્રારંભિક પગલાં તરીકે વિઝા પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી છે. હાલમાં લાખો વિદ્યાર્થીઓ જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા છે, જેમાં ભારતીયો પણ સામેલ છે. સરકારને આ વિનંતીઓ એવા સમયે કરવામાં આવી છે જ્યારે દેશમાં કામદારોની અછત છે, જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવી રહી છે. જર્મન એકેડેમિક એક્સચેન્જ સર્વિસ (DAAD) અનુસાર ૨૦૨૪-૨૦૨૫ના વિન્ટર સેમેસ્ટર માટે જર્મનીમાં રેકોર્ડ ૪,૦૫,૦૦૦ વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. મોટા ભાગનાં વિદ્યાર્થીઓ ભારત, ચીન, સીરિયા, ઓસ્ટ્રિયા અને તુર્કિયેના છે. લગભગ ૪૦ હજાર ભારતીય વિદ્યાર્થીઓ જર્મનીમાં અભ્યાસ કરી રહ્યાં છે. જર્મની તેની ઓછી ટ્યુશન ફીને કારણે ખૂબ લોકપ્રિય છે.

DAAD સર્વેક્ષણ મુજબ, લગભગ ૯૦ ટકા યુનિવર્સિટીઓમાં નવાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સ્થિર રહેતી અથવા વધતી જોવા મળી છે. સર્વેક્ષણમાં સમાવિષ્ટ અડધાથી વધુ યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓની સંખ્યામાં સામાન્ય વધારો નોંધાવ્યો છે, જ્યારે એક તૃતીયાંશ યુનિવર્સિટીઓએ તીવ્ર વધારો નોંધાવ્યો છે. વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હોવા છતાં કેટલીક ચિંતાઓ સરકારને જણાવવામાં આવી છે. સર્વેમાં સામેલ ૮૩ ટકા યુનિવર્સિટીઓ વિઝા ફાળવણી પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. એફોર્ડેબલ હાઉસિંગ આપવા અંગે ચિંતા  કરતી યુનિવર્સિટીઓ ૭૫ ટકા છે અને અભ્યાસ અંગે ચિંતા કરતી યુનિવર્સિટીઓ ૬૯ ટકા છે.

વર્ષ ૨૦૨૨માં રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ જર્મનીની અર્થવ્યવસ્થા ખૂબ જ સંઘર્ષ કરી રહી છે, જેના કારણે મોંઘવારી પણ વધી છે. ઔદ્યોગિક મંદીના કારણે અર્થતંત્રમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બુન્ડેસ બેંકે કહ્યું છે કે જર્મની હવે મંદીની પકડમાં છે. અર્થવ્યવસ્થા સતત નકારાત્મક બાજુ તરફ આગળ વધી રહી છે. તેની અસર સમગ્ર યુરોપ ક્ષેત્ર પર જોવા મળશે. જર્મનીમાં મોંઘવારીની સ્થિતિથી સામાન્ય લોકો પરેશાન છે. હકીકતમાં ઊર્જા પુરવઠા પર રશિયાની ચેતવણી પછી ફુગાવો વધી રહ્યો છે. ઘરગથ્થુ સામાનના વપરાશમાં ૧.૨ ટકાનો ઘટાડો થયો છે.

જર્મનીની અર્થવ્યવસ્થા નિકાસ પર નિર્ભર છે, પરંતુ કોરોનાના સમયથી તેમાં ભારે ઘટાડો થયો છે. જર્મનીની બીજી સૌથી મોટી તાકાત તેનું ઉત્પાદન ક્ષેત્ર હતું. જર્મનીનું આ ક્ષેત્ર પણ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે,  જેની અસર અર્થવ્યવસ્થા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. બેંકોના મતે કાચા માલની અછત અને કામદારોની ઉપલબ્ધતા સમસ્યાઓમાં વધારો કરી રહી છે. જર્મન અર્થતંત્રમાં ૧૦૦ થી વધુ ક્ષેત્રો હતાં, જે રશિયાને મોટા પ્રમાણમાં માલસામાન અને સેવાઓ પૂરી પાડતા હતા. જર્મનીનો ગેસ પુરવઠો પણ મોટા ભાગે રશિયા પર નિર્ભર છે. રશિયા-યુક્રેન યુદ્ધે અહીં પણ તબાહી મચાવી છે.

કેટલાક આર્થિક પંડિતો કહે છે કે જર્મનીનું આર્થિક મોડલ અવિશ્વસનીય રીતે તૂટી ગયું છે. તેઓ દલીલ કરે છે કે અગાઉના દાયકાઓમાં જર્મનીની મજબૂત વૃદ્ધિ સસ્તા રશિયન ગેસની આયાત પર આધારિત હતી, જે જર્મનીના અત્યંત સ્પર્ધાત્મક નિકાસ ઉદ્યોગોને શક્તિ આપે છે. આ સસ્તો ગેસ હવે ઉપલબ્ધ ન હોવાથી, જર્મન મેન્યુફેક્ચરિંગ મોડલ હવે કામ કરતું નથી. રશિયન ગેસના બંધ થવાથી ફુગાવો અને જીવન ખર્ચના દબાણમાં પણ વધારો થયો હતો. જર્મનીનો વેપાર સરપ્લસ ગયા વર્ષે જીડીપીના ૪.૩ ટકા પર પહોંચ્યો હતો, જે પૂર્વ રોગચાળાના વર્ષોના અતિશય ઊંચા સરપ્લસ કરતાં પણ નીચો હતો પરંતુ છેલ્લા બે દાયકાની સરેરાશથી ઉપર હતો.

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતા અમેરિકા પર મંદીનાં ઘેરાં વાદળો છવાઈ રહ્યાં છે. વધતી બેરોજગારીને કારણે આ ચિંતાઓ વ્યાપક બની છે. યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને અમેરિકા અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતું જર્મની પણ મંદીને આરે છે. જર્મનીના અર્થતંત્રમાં બીજા ક્વાર્ટરમાં અણધાર્યો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ ચીનની અર્થવ્યવસ્થા ઘણા મોરચે સંઘર્ષ કરી રહી છે. જાપાનની અર્થવ્યવસ્થા પણ અનેક સંકટનો સામનો કરી રહી છે. હાલમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતની ઉપર જાપાન, જર્મની, ચીન અને અમેરિકા છે. જાપાન અને જર્મનીની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ જઈ રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top