ગયા વર્ષે કોરોના વેક્સિન પરના પ્રયોગો શરૂ થયા તે પછી આ કોલમમાં લખવામાં આવ્યું હતું કે પૂરતું પરીક્ષણ કર્યા વગરની વેક્સિન કરોડો લોકોને આપવામાં જાનનું જોખમ છે. સામાન્ય રીતે કોઈ પણ વેક્સિન પર દસથી પંદર વર્ષ સુધી પ્રયોગો ચાલતા હોય છે. આ પ્રયોગોમાં તે સંપૂર્ણપણે સલામત જણાય તો જ મોટી વસતિને તે વેક્સિન આપવાની પરવાનગી આપવામાં આવતી હોય છે.
કોરોનાની જેટલી પણ વેક્સિન બજારમાં આવી છે તે માત્ર નવેક મહિના પ્રયોગોના અંતે મૂકવામાં આવી રહી છે. આ વેક્સિન સાથે જે પેમ્ફલેટ આવે છે તેમાં જ લખવામાં આવ્યું હોય છે કે વેક્સિન લેવાથી ક્યાં ગંભીર પરિણામો આવી શકે છે? તેની અમને ખબર નથી. તેમ છતાં કરોડો લોકોને ચકાસણી વગરની કોરોના વેક્સિન આપવાનું જોખમ ખેડવામાં આવી રહ્યું છે.
ભારતની સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે કોવિશીલ્ડ નામની વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તે હકીકતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન છે, જેનું દુનિયાભરમાં માર્કેટિંગ એસ્ટ્રાઝેનેકા નામની મલ્ટિનેશનલ કંપની કરી રહી છે. આ કંપની દ્વારા યુરોપના મોટા ભાગના દેશોમાં ઓક્સફોર્ડની વેક્સિન વેચવામાં આવી રહી હતી.
યુરોપના આશરે ૧.૭૦ કરોડ લોકોને આ વેક્સિન મૂકાઇ ગઇ તે પછી ધ્યાનમાં આવ્યું કે આ વેક્સિન લેનારા કેટલાક લોકોનું લોહી ગંઠાઈ જાય છે, જેને કારણે હાર્ટ એટેક પણ આવે છે. યુરોપમાં કેટલાંક મરણ આ વેક્સિન લેવાને કારણે થયાં તેને પગલે બ્રિટનને બાદ કરતાં મોટા ભાગના યુરોપિયન દેશોએ આ વેક્સિનના ઉપયોગ ઉપર તાત્કાલિક પ્રતિબંધ ફરમાવી દીધો છે.
ભારત સરકારે પણ આ જોખમની નોંધ લેવી પડી છે. તેણે એક બાજુ વેક્સિન બાબતમાં તપાસ કરવાનો આદેશ આપ્યો છે, પણ બીજી તરફ લાખો લોકોને કોવિશીલ્ડ વેક્સિન આપવાનું ચાલુ રાખ્યું છે. કેટલાક ડોક્ટરો માગણી કરી રહ્યા છે કે કોવિશીલ્ડ સંપૂર્ણ સલામત સાબિત ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ બંધ રાખવો જોઈએ.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન બાબતમાં ભયની ઘંટડી ગયા સપ્તાહે નોર્વેમાં વગાડવામાં આવી, જ્યારે વેક્સિન લેનારા ત્રણ લોકોનું લોહી ગંઠાઈ જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વેક્સિન આપવામાં આવી કે તરત તેમના પ્લેટલેટની સંખ્યા શૂન્ય પર પહોંચી ગઈ હતી.
તેમાંના એકનું બ્રેઇન હેમરેજથી મોત થયું હતું. ડેન્માર્કમાં પણ ઓક્સફોર્ડની વેક્સિન લેવાને કારણે લોહી ગંઠાઈ જવાના કિસ્સા સામે આવતાં તેના પર તા. ૧૧ માર્ચના રોજ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે જ દિવસે આઇસલેન્ડે અને નોર્વેએ પણ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન લેવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. તા. ૧૨ ના રોજ બલ્ગેરિયામાં ઓક્સફોર્ડની વેક્સિન લેનારી મહિલાનું મોત થતાં ત્યાં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
યુરોપના અનેક દેશોમાંથી વેક્સિન લેવાને પગલે લોહીમાં ગાંઠ થઈ જવાના કિસ્સાઓ સામે આવતાં અનેક દેશો દ્વારા ઓક્સફોર્ડની વેક્સિન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તા. ૧૪ માર્ચના રોજ આયર્લેન્ડે અને નેધરલેન્ડે પ્રતિબંધ મૂક્યો હતો. સોમવારે તો જર્મની, ઇટાલી, ફ્રાન્સ, સ્લોવેનિયા, સ્પેન અને લાટવિયાએ પણ વેક્સિન પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઇટાલીના આરોગ્ય પ્રધાન રોબર્ટો સ્પેરેન્ઝા દિવસો સુધી કોરોના વેક્સિન સલામત હોવાની દુહાઇ દઈ રહ્યા હતા. પરંતુ તેમને સોમવારે જર્મનીના આરોગ્ય પ્રધાનનો ફોન આવ્યો કે તેઓ ઓક્સફોર્ડ વેક્સિન પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. ઇટાલીના આરોગ્ય પ્રધાનને ડર લાગ્યો કે જો તેઓ વેક્સિન પર પ્રતિબંધ નહીં મૂકે તો લોકોનો વિરોધ વધી જશે. તેમણે તરત જ વેક્સિન પ્રતિબંધિત કરવાની જાહેરાત કરી દીધી.
જર્મનીએ ઓક્સફોર્ડ વેક્સિન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો તેની ભારે અસર યુરોપના બીજા દેશો ઉપર પણ થઈ હતી. જર્મનીના પગલે ઇટાલી ઉપરાંત ફ્રાન્સ અને સ્પેન જેવા મોટા દેશોએ પણ વેક્સિન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઇટાલીના બિયેલા શહેરમાં સાન્ડ્રો ટોગ્નેટ્ટી નામના સંગીતકારનું મોત વેક્સિન લેવાને કારણે થયું તે પછી તેના વકીલ ટેરેસા એન્જેલાએ બિયેલાની કોર્ટમાં એસ્ટ્રાઝેનેકા કંપની સામે હત્યાનો કેસ કર્યો છે.
તેને પગલે ઇટાલીના નેશનલ ડ્રગ રેગ્યુલેટરે ઓક્સફોર્ડ વેક્સિનના ચાર લાખ ડોઝ જપ્ત કરવાનો અને તેનું પરીક્ષણ કરવાનો આદેશ કર્યો છે. તાજેતરમાં મુંબઇના ગોરેગાંવ ઉપનગરમાં ૬૫ વર્ષના વૃદ્ધે કોવિશીલ્ડ વેક્સિન લીધી તેની પાંચ જ મિનિટમાં તે ઢળી પડ્યો હતો અને મરણ પામ્યો હતો. ભારતમાં કોરોનાની વેક્સિન લીધા પછી ૪૦ થી વધુ મરણ થયાં છે, પણ સત્તાવાળાઓ તેને વેક્સિન સાથે સાંકળવા તૈયાર થતા નથી.
યુરોપના અનેક દેશોમાં ઓક્સફોર્ડની વેક્સિન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પછી ભારતમાં પણ કોવિશીલ્ડ વેક્સિનનો ઉપયોગ તાત્કાલિક રોકી દેવાની માગણી ઊઠી છે. દિલ્હીના ડો. તરુણ કોઠારીએ માગણી કરી છે કે કોવિશીલ્ડ વેક્સિન જ્યાં સુધી ૧૦૦ ટકા સલામત સાબિત ન થાય ત્યાં સુધી તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
આ વેક્સિનનું માર્કેટિંગ કરતી એસ્ટ્રાઝેનેકા કંપની દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે તેમની વેક્સિનને કારણે લોહી ગંઠાઈ જાય છે તે વાત સાબિત થઈ નથી. ડો. તરુણ કોઠારી કહે છે કે તેમની વેક્સિનને કારણે લોહી ગંઠાઈ નથી જતું તે પણ સાબિત થયું નથી. જ્યાં સુધી તે સાબિત ન થાય ત્યાં સુધી ભારત સરકારે ઓક્સફોર્ડની વેક્સિન કરોડો લોકોને આપીને તેમના જીવને જોખમમાં ન મૂકવા જોઈએ, એમ ડો. તરુણ કોઠારી કહે છે.
કોઈ પણ દેશમાં મોટા પાયા પર રસીકરણની ઝુંબેશ ચાલુ કરવામાં આવે ત્યારે રસીના કારણે કોઈ હાનિકારક અસર તો નથી થતી ને? તે જાણવા માટે એક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેને એડવર્સ ઇવેન્ટ્સ ફોલોઈંગ ઇમ્યુનાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં રસી આપનારા ડોક્ટરને હાનિકારક અસરની માહિતી આપવાની હોય છે.
સરકાર દ્વારા તે માહિતી જાહેર કરવામાં આવતી હોય છે, જેથી નિષ્ણાતોને પણ તેનો ખ્યાલ આવે. ભારત સરકાર દ્વારા તા. ૨૬ ફેબ્રુઆરી સુધી આ માહિતી બહાર પાડવામાં આવતી હતી, પણ તેથી લોકોમાં ભય ફેલાવાના ડરથી તે માહિતી જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે. તા. ૨૬ ફેબ્રુઆરીના આંકડાઓ મુજબ વેક્સિન લેવાને કારણે કુલ ૨૪૫ લોકોની તબિયત કથળતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમાંનાં ૪૦ નાં મરણ થયાં હતાં. તેની તપાસ પણ કરવામાં આવે તે પહેલાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે તે મરણને વેક્સિન સાથે કોઈ સંબંધ નથી. વેક્સિન લીધા પછી મરણના કેટલાક કિસ્સાઓમાં તો પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવતું નથી. આ સંયોગોમાં જો કોઈ નાગરિકનું ખરેખર વેક્સિન લેવાને કારણે મરણ થયું હશે તો પણ તે હકીકત બહાર આવશે નહીં.
યુરોપના મોટા ભાગના દેશો દ્વારા ઓક્સફોર્ડ વેક્સિન પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવતાં ફાર્માસ્યુટિકલ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ દબાણમાં આવી ગયું છે.
તેણે એસ્ટ્રાઝેનેકા કંપનીની વકીલાત કરતું નિવેદન બહાર પાડ્યું છે કે લોહીના ગંઠાઈ જવાનો વેક્સિન સાથે સંબંધ હોવાના કોઈ પુરાવા મળતા નથી. હાલ પૂરતું તો ભારત સરકારે પણ આ નિવેદન સ્વીકારીને કોવિશીલ્ડની ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું સમજાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.