Editorial

અમેરિકામાં હિન્દુઓ પર થતાં હુમલા રોકવા જ્યોર્જિયામાં બિલ પસાર કરાયું

‘અમેરિકામાં હિન્દુઓ પર હુમલાની હજુ તો શરુઆત જ થઈ છે. હું આગામી દિવસોમાં ઈસ્લામોફોબિયાની જેમ હિન્દુફોબિયામાં વધારો થશે તેવું જોઈ રહ્યો છું. હિન્દુઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર યોજનાબદ્ધ રીતે દુષ્પ્રચાર થઈ રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધી હિન્દુ મંદિરો પર થયેલા હુમલામાં જવાબદાર લોકો સામે કોઈ કાર્યવાહી થઈ નથી. તેમની ધરપકડ પણ નથી થઈ. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનામાં વધારો જોવા મળ્યો છે. મને લાગે છે કે, હિન્દુ સમુદાય સામેના ષડયંત્રની હજી તો શરુઆત થઈ છે. હવે અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયે એક થવાનો સમય આવી ગયો છે. હું પણ તેમની સાથે છું.’ આ વાત એક વર્ષ પહેલા ભારતીય મૂળના અમેરિકન થાનેદારે એક વર્ષ પહેલા કહી હતી.

હિન્દુત્વ અંગે વાત કરતા થાનેદારે કહ્યું હતું કે, ‘હું પોતે હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવું છું. હિન્દુ પરિવારમાં મારો ઉછેર થયો હોવાથી મને ખબર છે કે હિન્દુ ધર્મ શું છે. હિન્દુ ધર્મ બહુ જ શાંતિપ્રિય છે. આ ધર્મમાં માનનારાએ ક્યારેય બીજા સમુદાય પર ધર્મના નામે હુમલા કર્યા નથી.’ થાનેદાર તેમજ ભારતીય મૂળના બીજા ચાર સાંસદોએ હિન્દુ મંદિરો અને ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવવાની વધતી જતી ઘટનાઓ અંગે અમેરિકાના કાયદા વિભાગને પત્ર લખીને તપાસ કરવા માટે અપીલ કરી હતી. આ સાથે તેમણે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ઉત્તર અમેરિકામાં હિન્દુઓના ગઠબંધન (CoHNA) એ X પરની એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે, રિપબ્લિકન સેનેટર સીન સ્ટીલ અને ક્લિન્ટ ડિક્સન, ડેમોક્રેટિક સેનેટર જેસન એસ્ટેવ્સ અને ઇમેન્યુઅલ ડી. જોન્સ સાથે મળીને, ‘હિન્દુફોબિયા’ને સમાપ્ત કરવા માટે SB 375 કાયદાને સમર્થન આપ્યું છે. તેમની પોસ્ટમાં, તેમણે કહ્યું, જ્યોર્જિયા રાજ્યએ SB 375 રજૂ કર્યું છે, જે હિન્દુફોબિયા અને હિન્દુ વિરોધી પૂર્વગ્રહને ઓળખવા માટે રાજ્યના દંડ સંહિતાને ઔપચારિક રીતે અપડેટ કરે છે અને કાયદા અમલીકરણ અને અન્ય એજન્સીઓને આવા ભેદભાવને સૂચિબદ્ધ કરીને હિન્દુફોબિયા પર વિચાર કરવા અને યોગ્ય પગલાં લેવા સક્ષમ બનાવે છે.

આ બિલને હિન્દુઓ ઓફ જ્યોર્જિયા પોલિટિકલ એક્શન કમિટી (PAC) દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. legiscan.comના જણાવ્યા મુજબ, આ બિલ જ્યોર્જિયાના સત્તાવાર સંહિતા, રાજ્ય સરકારને લગતી સામાન્ય જોગવાઈઓ સંબંધિતના શીર્ષક 50ના પ્રકરણ 1માં સુધારો કરવાનો પ્રયાસ કરે છે, જેથી ચોક્કસ એજન્સીઓને જાતિ, રંગ, ધર્મ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરતા કાયદાઓ અને નિયમોને લાગુ પડતા આ કાયદામાં આપવામાં આવેલી હિન્દુફોબિયાની વ્યાખ્યાને ધ્યાનમાં લેવાની જરૂર પડે.

આ પહેલા અમેરિકામાં યોજાયેલી હિન્દુ અમેરિકન સમિટને સંબોધતા અમેરિકાના અશ્વેત સાંસદ શીલા જેક્સન લીએ કહ્યુ હતુ કે, અમેરિકામાં હિન્દુ સમુદાય શક્તિશાળી સમુદાય તરીકે ઉભરી રહ્યો છે અને અ્મેરિકામા તમામ હિન્દુઓએ એક થવુ જોઈએ. હિન્દુઓ બહુ મોટુ પાવર સેન્ટર બની શકે તેમ છે. આપણે બધા દિવ્ય છે. કારણકે આપણી અંદર સારા કામ કરવાની ક્ષમતા છે. અહીંયા બેઠેલા કેટલાક લોકો ભારત સાથે નહીં સંકળાયેલા હોવા છતા હિન્દુ છે . કારણકે તેમણે આ ધર્મની જે સારી બાબતો છે તેના કારણે તેને અપનાવ્યો છે. શીલા જેક્સને કહ્યુ હતુ કે, લોકશાહી એવો મુદ્દો છે જેના પર ભારત અને અમેરિકાએ ભેગા થઈને કામ કરવુ પડશે. ભારત આ ક્ષેત્રમાં સૌથી મોટો દેશ અને અમેરિકા સૌથી જૂનો દેશ છે. હિન્દુઓના વિશ્વાસ અને આસ્થા સાથે લોકતંત્રને આગળ વધારી શકાય તેમ છે.

Most Popular

To Top