Charchapatra

જનરેશન ગેપ

૧લી ડિસેમ્બર ‘‘ગુજરાતમિત્ર’’ દૈનિકની રવિવારીય પૂર્તિ અંતર્ગત ‘‘અબીલગુલાલ’’ કોલમ દ્વારા લેખક શ્રી જયવંતભાઇ પંડ્યાએ વિચારશીલ ચર્ચાની છણાવટ કરી છે.  વૃધ્ધાશ્રમ આપણા સમાજમાં અનિચ્છનીય ગણાય છે, અનિચ્છનીય હોવા જ જોઇએ. માતાપિતા વૃધ્ધ થાય તો તેમની સેવા કરવાની, એમને માન આપવાની તથા  સદ્વવર્તન કરવાની સંતાનોની ફરજ છે. સાથે ધર્મ પણ છે જ. પરંતુ કેટલાંક વડીલો સ્વયંની જીદ છોડતાં નથી. પરિવર્તન સ્વીકારતાં જ નથી. સ્વયંના જમાનાની વાત કરીને  વર્તમાન પેઢીને અનુકૂળ થતા જ નથી!

‘‘મારા ઘરમાં હું હયાત છું, ત્યાં સુધી હું કહું એમ જ થશે’’! આ માનસિકતામાંથી મુક્ત થતાં નથી. વડીલો ખોટાં હોય તો પણ  દીકરાએ પુત્રવધૂ સામે વડીલોનો જ પક્ષ લેવો એવો હઠાગ્રહ અને દુરાગ્રહ હોય છે! ક્યારેક વિજ્ઞાન પણ નથી સ્વીકારવા માંગતા અને અંધશ્રધ્ધા સાથે કુટુંબમાં અશાંતિ  સ્થાપે છે! પરિવારનો દોર એમના જ હસ્તક રહેવો જોઇએ એવો અતિઆગ્રહ પણ રાખે છે. વહુ-દીકરો બહારગામ જાય કે ફરવા જાય એ પણ વડીલોને રુચતું નથી અને  સંતાનોને સદા સહિષ્ણુતાના પાઠ ભણાવતા રહે છે!

અપવાદ સર્વત્ર હોય જ! પણ સહનશીલતાની મર્યાદા આવે ત્યારે વિભક્ત કુટુંબની બુનિયાદ રચાઇ જાય. દીકરો  સન્માન જાળવે એનો અર્થ એ નથી કે સદા એને ગુસ્સાથી ખીજવાતા રહેવાનું. આમ પણ ‘‘જનરેશન ગેપ’’ બધી પેઢીઓ વચ્ચે ચાલતો જ રહેવાનો પણ હંમેશા  યુવા પેઢીનો વાંક હોય એ જરૂરી નથી. વૃધ્ધો સદા સૌની સહાનુભૂતિ જીતી જતા હોય છે અને હવેની યુવા પેઢી જોહુકમીને તાબે નહીં જ થાય કારણ કે એમની પાસે એમના  વિચારો છે. સ્વતંત્રતા જ એમને માફક આવે છે. બધા જ વડીલો અનુકૂલન નથી સાધતાં એવું નથી. પણ એમને વારંવાર મનદુ:ખ તો થતું જ રહે છે. એટલે મોટું દિલ રાખી પરિવર્તન સ્વીકારે તો સંયુક્ત કુટુંબની ભાવના સદા જાગ્રત રહેશે. દરેક સિક્કાની બે બાજુ હોય જ છે.
સુરત     – નેહા શાહ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top