National

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બન્યા નવા આર્મી ચીફ, જનરલ મનોજ પાંડે સેવા નિવૃત્ત થયા

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રવિવારે 30માં આર્મી ચીફ (Army Chief) તરીકે ચાર્જ સંભાળ્યો હતો. વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે આજે નિવૃત્ત થયા છે. જનરલ દ્વિવેદીને ચીન (China) અને પાકિસ્તાનની સરહદો પર બહોળો ઓપરેશનલ અનુભવ છે તેઓએ અગાઉ આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે સેવા આપી હતી.

ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેને તેમના કાર્યકાળના અંતિમ દિવસે ઔપચારિક વિદાય આપવામાં આવી હતી. જનરલ પાંડેએ 26 મહિનાનો શાનદાર કાર્યકાળ પૂર્ણ કર્યો અને દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપી. જનરલ પાંડે, જેઓ મૂળ 30 મેના રોજ નિવૃત્ત થવાના હતા, તેમને સરકારે 30 જૂન સુધી સેવા આપવા માટે વધારાનો મહિનો લંબાવ્યો હતો. જનરલ પાંડેનો આર્મી ચીફ તરીકેનો કાર્યકાળ રાષ્ટ્રીય સુરક્ષા અને લશ્કરી આધુનિકીકરણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે જાણીતો છે. જનરલ પાંડેની 30 એપ્રિલ, 2022ના રોજ આર્મી ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની નવા આર્મી ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેઓએ આજે ચાર્જ સંભાળ્યો. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનો જન્મ 1 જુલાઈ 1964ના રોજ થયો હતો. તેઓ 15 ડિસેમ્બર, 1984ના રોજ ભારતીય સેનાની પાયદળ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સમાં સામેલ થયા હતા. તેમની પાસે લગભગ 40 વર્ષનો અનુભવ છે. તેમની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન તેમણે વિવિધ કમાન્ડ, સ્ટાફ અને સૂચનાત્મક હોદ્દા પર સેવા આપી છે. લેફ્ટનન્ટ ઉપેન્દ્ર દ્વિવેદીની કમાન્ડ નિમણૂકોમાં રેજિમેન્ટ 18 જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સ, બ્રિગેડ 26 સેક્ટર આસામ રાઈફલ્સ, આઈજી, આસામ રાઈફલ્સ (ઈસ્ટ) અને 9 કોર્પ્સના કમાન્ડનો સમાવેશ થાય છે.

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સેનાના ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત થયા પહેલા 2022-2024 સુધી ડાયરેક્ટર જનરલ ઇન્ફન્ટ્રી અને જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ (HQ નોર્ધન કમાન્ડ) સહિત અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. જનરલ દ્વિવેદીએ એવા સમયે 13 લાખ કર્મચારીઓની સેનાનો હવાલો સંભાળ્યો છે જ્યારે ભારત ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સહિત વિવિધ સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે. આર્મી ચીફ તરીકે તેમણે થિયેટર કમાન્ડ શરૂ કરવાની સરકારની મહત્વાકાંક્ષી યોજના પર નેવી અને ભારતીય વાયુસેના સાથે સંકલન કરવું પડશે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને પરમ વિશિષ્ઠ સેવા મેડલ (PVSM), અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) અને ત્રણ GOC-in-C પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top