લાંબા સમયથી શહેરના હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છે. અનેક રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. ત્યારે હવે લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીના રત્નકલાકારો પર પણ બેરોજગારીનું સંકટ તોળાવા લાગ્યું છે.
શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી ગ્રીન લેબ ડાયમંડ કંપનીએ રત્નકલાકારોની મજૂરીના દરમાં તોતિંગ ઘટાડો કરી દીધો છે. એકાએક મજૂરીના દર ઘટાડી દેવાતા રત્નકલાકારો વિફર્યા છે. આજે શુક્રવારે તા. 28 નવેમ્બરે કંપનીના 100થી વધુ રત્નકલાકારો ફેક્ટરીની બહાર નીકળીને હડતાળ પર બેઠાં હતાં. કંપનીની બહાર જ માલિકો વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. વિવાદ વધતા માલિકે એવો બચાવ કર્યો હતો કે મજૂરીના દર ઘટાડાયા નથી.
દરમિયાન કંપનીના મેનેજરે એક ઓડિયો મેસેજ મોકલી તમામ રત્નકલાકારોને જાણ કરી હતી કે, એ જ ભાવે પાછા આવી જાવ, ત્યાર બાદ રત્નકલાકારો પાછા કામ પર બેઠાં હતા.
રત્નકલાકારોએ શું કહ્યું?
રત્નકલાકારોએ કહ્યું કે, ગ્રીન લેબ ડાયમંડ કંપની તરફથી પ્રતિ કેરેટ 250 જેટલો ભાવ ઘટાડાયો હતો, જેના લીધે સીધી આવક પર અસર થશે. મોટા પ્રમાણમાં આવક ઘટી જવાનો ભય હતો. પહેલાથી જ હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. દિવાળી પહેલાં કંપનીએ ભાવ ઘટાડ્યો હતો ત્યારે જ અનેક રત્નકલાકારોની આર્થિક સ્થિતિ બગડી ગઈ હતી. હવે જ્યારે ક્રિસમસ ટાણે તેજીની આશા જાગી ત્યારે ફરી એકવાર કંપનીએ પ્રતિ કેરેટ 250ના ભાવ ઘટાડાની જાહેરાત કરી હતી. તેથી રત્નકલાકારો રોષે ભરાયા હતા. 100થી વધુ રત્નકલાકારો કંપની બહાર નીકળી ગયા હતા. વહેલી સવારથી જ કામકાજ છોડી રત્નકલાકારોએ કંપની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કંપનીના માલિકે શું કહ્યું?
દરમિયાન વિવાદ વધતા કંપનીના માલિક મુકેશ પટેલે કહ્યું કે, કેટલાંક કર્મચારી મોડા આવતા હોવાથી તેમના પગારમાં કાપ મુકવાની વાત હતી. મજૂરીના દર ઘટાડાવાની કોઈ વાત જ નથી.
વિવાદ વધુ વણસે નહીં તે માટે કંપની મેનેજમેન્ટ તાત્કાલિક ઓડિયો મેસેજ મોકલી મામલો શાંત પાડ્યો હતો. કંપનીના મેનેજરે ઓડિયો મેસેજમાં સ્પષ્ટતા કરી હતી કે જૂના ભાવે જ તમામ રત્નકલાકારો કંપનીમાં પરત કામ પર બેસી જાય. કંપની તરફથી જૂના ભાવે કામ પર પાછા બેસાડવાની ખાતરી મળતા તમામ રત્નકલાકારો ફરી કામ પર બેઠાં હતાં.