સુરત: (Surat) કોવિડ-19 કોરોના સંક્રમણને લીધે જીડીપીમાં 7 ટકાનો હિસ્સો જે ઇન્ડસ્ટ્રીનો છે તે જેમ્સ એન્ડ જ્વેલરી (Gems & Jewelery) સેક્ટર છેલ્લા સવા વર્ષથી ડિસ્ટર્બ રહ્યુ છે. ખાસ કરીને સુરતમાં ડાયમંડ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો બંઘ રહ્યા હતા. હીરા ઝવેરાતની જે દેશોમાં ડિમાન્ડ જોવા મળતી હતી. તે દેશોમાં પણ કોરોનાની સ્થિતિ વકરી હતી. હવે જ્યારે યુરોપ, મીડલ ઇસ્ટ ના દેશોમાં કોરોનાની સ્થિતિ હળવી થઇ છે ત્યારે હોંગકોંગ અને અમેરિકા જેવા દેશોમાં ડિમાન્ડ જોવા મળી રહી છે. આ તકનો લાભ ઉઠાવી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા બે વર્ષથી મોકૂફ રહેતા ઇન્ડિયા ઇન્ટરનેશલ જ્વેલરી શોને ઓગસ્ટમાં દુબઇમાં યોજવાનું આયોજન કરાયુ છે. જેમાં વિશ્વના 20થી વધુ દેશોના બાયર્સને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
વિશ્વના બીજા ક્રમાંકના સૌથી મોટા જ્વેલરી શો માટે દુબઇમાં 1500 જેટલા બુથ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં લૂઝ ડાયમંડથી લઇ જેમ્સ સ્ટોન સુધીની વસ્તુઓ રજૂ કરવામાં આવે છે. સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગની નજર ઓગસ્ટમાં આ પ્રદર્શનમાં કેવો વેપાર થાય છે તેના પર મંડાઇ છે.જો આ પ્રદર્શન સફળ રહેશે તો હીરા ઝવેરાત ઉદ્યોગની ગાડી ફરી પાટે ચડશે. જીજેઇપીસીના રીજનલ ચેરમેન દિનેશ નાવડિયા કહે છે કે ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની પ્રગતિ માટે અત્યંત મહત્વપુર્ણ ગણાતા અને ભારતના વિવિધ શહેરોમાં યોજાતા મોટાભાગના જ્વેલરી શો કોરોનાના કારણે રદ્દ કરવા પડયા છે. ફેબ્રુઆરી 2020 પછી કોઈ મોટા શોના આયોજન થઈ શક્યા નથી. એપ્રિલ-2021માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો નું મુંબઈમાં પ્રદર્શન યોજાવાનું હતુ પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તેને રદ કરવાની ફરજ પડી હતી. જેથી જીજેઈપીસી દ્વારા આઈજીજેએસ શો દુબઈમાં યોજવાનું નક્કી કર્યું છે.
જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે કહે છે કે આ ટ્રેડ ફેર આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને ભારતીય જ્વેલરી ઉત્પાદકો સાથે જોડવાનો પ્રયાસ કરાશે. આ જ્વેલરી શો માં પ્લેન તેમજ સ્ટડેડ જ્વેલરીની વિવિધ કેટેગરીઝ, લુઝ હીરા અને રંગીન રત્નો પ્રદર્શનમાં મુકવામાં આવશે. કોવિડ પર નિયંત્રણ આવી જતા અમેરીકા,હોંગકોંગ,ચીન અને યુએઈ સહીતના નિકાસ બજારોએ આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરી દેતા હીરા અને હીરા જડીત આભુષણોની નોંધપાત્ર માંગ જોવા મળી રહી છે. મધ્ય પૂર્વના દેશો ભારતીય રત્ન અને દાગીનાના વેપારના સૌથી મહત્વપૂર્ણ નિકાસ સ્થળોમાંનું એક છે. ભારતમાથી વિદેશમા થતી જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસમાં મધ્ય પૂર્વના દેશોનો 40 ટકા જેટલો હિસ્સો છે.
કોરોનાના લીધે ભારત અને મધ્ય પૂર્વના દેશો વચ્ચે હવાઈ મુસાફરી હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે પરંતુ ભારતમાં કોરોના પર નિયંત્રણ આવી જતા જૂનનાં અંત સુધીમાં બંને દેશો વચ્ચે હવાઈ સેવા પુર્વવત્ત થઈ જવાનો જીજેઇપીસીએ આશાવાદ વ્યકત કર્યો છે.
કોરોનાના સંક્રમણના ભયના પગલે વિદેશમાં શો યોજવાનું નક્કી કરાયું છે. ભવિષ્યમાં મુંબઈ સિવાય ભારતના સુરત, જયપુર જેવા અન્ય શહેરોમાં પણ આ આંતરરાષ્ટ્રીય શોનું આયોજન કરવા વિચારણા ચાલી રહી છે, જેથી વિકટ પરિસ્થિતિમાં મુશ્કેલી સર્જાય નહીં. બીજી તરફ વર્ષ 2020-21માં કોવિડના પગલે ખાણ કંપનીઓ દ્વારા રફનું ઉત્પાદન ઘટાડી દેવાયું હતું. આ તરફ યુરોપીયન બજારોમાં પોલિશ્ડની માંગ સારી રહી હતી, જેના પગલે સુરતના કારખાનાઓમાં ઉત્પાદન ચાલતું રહ્યું હતું. કોવિડ અને રત્નકલાકારોની અછતના પગલે સુરતમાં પણ 50 ટકા ઓછી ક્ષમતાથી ઉત્પાદન થઈ રહ્યું હતું. જેના પગલે રફની ડિમાન્ડ વધી છે.
કોવિડના વાદળો દૂર થતાં એકાદ મહિનાથી એન્ટવર્પના બજારમાં વેપાર શરૂ થયો છે, પરંતુ હજુ પણ અવરજવર ઓછી છે. મોટા ભાગનું કામ ઓનલાઈન થઈ રહ્યું છે. કોવિડના લીધે ફ્લાઈટ્સ ઓછી હોય સુરતના વેપારીઓ ઓનલાઈન ટેન્ડર ભરી માલ ખરીદી રહ્યાં છે. વીડિયોમાં માલ જોઈ ત્યાર બાદ ઓર્ડર આપે છે. જોકે, માંગ ખૂબ હોય છેલ્લાં એક મહિનામાં રફની માંગમાં જબરદસ્ત વધારો થયો છે, તેના પગલે 15 ટકા જેટલાં ભાવ વધ્યા છે. અત્યારે બજારમાં રોજના 20થી 25 ટેન્ડર ખુલી રહ્યાં છે. સુરતના હીરા વેપારી નિલેશ બોડકીએ કહે છે કે, ખાણ કંપનીઓ દ્વારા ઉત્પાદન ઓછું કરી દેવાયું હતું. અત્યારે પણ ખાણ કંપનીઓ શોર્ટ સપ્લાય કરીને ભાવ પકડી રહી છે, જેના લીધે ભાવ વધ્યા છે. પશ્ચિમના દેશોમાં હીરાની માંગ નીકળી છે, તેની સામે સુરતમાં રફની અછત છે. કોવિડ બાદ રત્નકલાકારો પણ કામે વળગ્યા હોય અત્યારે સુરતના વેપારીઓ મોટા પ્રમાણમાં રફ ખરીદી રહ્યાં છે. જેના લીધે ભાવ વધ્યા છે. આ ભાવવધારાના લીધે સુરતના કારખાનેદારોનો નફો ઘસાય તેવી ચિંતા છે.