ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના (Israel) હુમલામાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હવે ગાઝામાં (Gaza) યુદ્ધવિરામની (Ceasefire) માંગ દુનિયાભરમાંથી ઉઠવા લાગી છે. ફ્રાન્સના (France) રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોને પણ ગાઝામાં યુદ્ધવિરામની અપીલ કરી છે. જો કે ઇઝરાયેલ સરકાર હુમલાઓ રોકવાના મૂડમાં નથી. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બંધકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય.
દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વડાએ યુએનએસસીને કહ્યું છે કે ઇઝરાયલના હુમલાઓને કારણે ગાઝામાં દર દસ મિનિટે એક બાળક મરી રહ્યું છે. યુદ્ધમાં અત્યારસુધીમાં ગાઝાના 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાંથી 4506 બાળકો છે. બીજી તરફ ભારત, અમેરિકા, ફ્રાન્સ જેવા દેશો દ્વારા ઇઝરાયલ પર ગાઝામાં બોમ્બમારો અટકાવવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ઇરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું છે કે હવે વાતચીતની નહીં પણ કાર્યવાહી કરવાનો સમય છે. ઇરાને કહ્યું છે કે ગાઝામાં થઈ રહેલી હત્યાઓ વિરુદ્ધ હવે મુસ્લિમ દેશોએ એક થવું જરૂરી થઈ ગયું છે.
બીજી તરફ ફ્રાન્સના રાષ્ટ્રપતિની યુદ્ધવિરામની અપીલ પર નેતન્યાહુએ કહ્યું છે કે વિશ્વ નેતાઓએ હમાસની ટીકા કરવી જોઈએ ઇઝરાયેલની નહીં. હમાસે આજે ઇઝરાયેલ સાથે જે કર્યું તે આવતીકાલે પેરિસ, ન્યુયોર્ક અથવા વિશ્વમાં ક્યાંય પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ફ્રાંસના રાષ્ટ્રપતિએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામની અપીલ કરી હતી. જો કે તેણે ઈઝરાયેલના પોતાના રક્ષા કરવાના અધિકારનો પણ બચાવ કર્યો હતો. ગાઝાની અલ શિફા હોસ્પિટલ પરના હુમલા પછી ઇઝરાયેલી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલો હમાસની ભૂલને કારણે થયો છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે હમાસે ઇઝરાયલી સૈનિકોને નિશાન બનાવીને રોકેટ હુમલો કર્યો હતો પરંતુ રોકેટ લોન્ચ નિષ્ફળ રહ્યું હતું અને રોકેટ હોસ્પિટલ પર પડ્યું હતું જેમાં અનેત લોકોના મોત થયા હતા.