World

ગાઝામાં યુદ્ધવિરામ જોખમમાં: ઇઝરાયેલના હુમલામાં 104ના મોત

ગાઝામાં ફરી હિંસા ભડકી ઉઠી છે. ઇઝરાયેલના હુમલાઓને કારણે છેલ્લા 12 કલાકમાં ઓછામાં ઓછા 104 લોકોના મોત થયા છે, જેમાં 46 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે 253 લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓ પછી યુદ્ધવિરામ પર ગંભીર સંકટ ઉભું થયું છે.

ઇઝરાયેલે દાવો કર્યો છે કે હમાસે તેના એક સૈનિકની હત્યા કરી હતી. જેના જવાબમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લશ્કરને પૂરી તાકાતથી ગાઝામાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. તેના બાદ ઇઝરાયેલી લશ્કરે હવાઈ હુમલા અને ટેન્કોથી બોમ્બાર્ડિંગ શરૂ કરી હતી. જેના કારણે આખું ગાઝા શહેર ધ્રુજી ઉઠ્યું હતું.

હમાસે ઇઝરાયેલના આ દાવાને નકારી કાઢ્યો છે. હમાસના પ્રવક્તાએ જણાવ્યું કે “અમે યુદ્ધવિરામ કરારનું પાલન કરી રહ્યા છીએ. અમે કોઈ ઇઝરાયેલી સૈનિકને નથી ઉઠાવ્યો. ઇઝરાયેલે જ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.”

ગાઝામાં હાલ સ્થિતિ ખૂબ જ તંગ છે. ઇઝરાયેલના સતત હવાઈ હુમલાઓ અને બોમ્બાર્ડિંગથી અનેક વિસ્તારો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. ઇઝરાયેલના પ્રવક્તાએ જણાવ્યું કે હમાસે બંધકોના મૃતદેહ પરત ન કરીને કરારનો ભંગ કર્યો છે. અત્યાર સુધી ઇઝરાયેલે ગાઝામાંથી 51 બંધકોના મૃતદેહો મેળવી લીધા છે. જ્યારે 13 બંધકો હજી બાકી છે.

અલઝઝીરાના અહેવાલ મુજબ તા. 10મી ઓક્ટોબરે થયેલા યુદ્ધવિરામ પછી પણ ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધી 211 લોકોના મોત થઈ ચૂક્યા છે. હમાસના જણાવ્યા મુજબ ગાઝામાં હજી પણ અનેક મૃતદેહો અવશેષોમાં ફસાયેલા છે અને શોધકાર્ય ચાલુ છે.

મૃત્યુઆંક અને પૃષ્ઠભૂમિ
ગાઝામાં અત્યાર સુધી પેલેસ્ટાઇનીઓના મૃત્યુઆંક 70,000ની નજીક પહોંચી ગયો છે. યુદ્ધવિરામ પછી પણ શાંતિ હજી દૂર છે. અમેરિકાના મધ્યસ્થથી થયેલી ટ્રમ્પની 20-પોઈન્ટ યોજના હેઠળના યુદ્ધવિરામને અનેક તબક્કામાં અમલમાં મૂકવાનો નિર્ણય થયો હતો, પરંતુ હવે ફરીથી હિંસા શરૂ થતાં તે સમજૂતી પર સંકટના વાદળ છવાઈ ગયા છે.

ગાઝામાં ફરીથી તણાવ વધતાં યુદ્ધવિરામ તૂટવાના આકરા સંકેતો મળી રહ્યા છે. ઇઝરાયેલ હમાસ પર હુમલા ચાલુ રાખી રહ્યું છે. જ્યારે હમાસ યુદ્ધવિરામ જાળવી રાખવાનો દાવો કરી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે વિશ્વાસનો અભાવ વધતાં મધ્ય પૂર્વમાં શાંતિ ફરીથી અસ્પષ્ટ બની ગઈ છે.

Most Popular

To Top