દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં વ્હાઈટ વોશ બાદ કોચ ગૌતમ ગંભીરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. ગંભીરને કોચ પદેથી દૂર કરાશે તેવી ચર્ચા પણ ઉઠી હતી. જોકે, હવે BCCI એ સ્પષ્ટતા કરી છે કે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના કોચ તરીકે ચાલુ રહેશે.
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગંભીરનો કરાર 2027 વર્લ્ડ કપ સુધી ચાલુ રહેશે. BCCI ખેલાડીઓ અને કોચમાં વિશ્વાસ જાળવી રાખશે.
દરમિયાન, અહેવાલો અનુસાર BCCI ટીમના નબળા પ્રદર્શન અંગે ચર્ચા કરવા જઈ રહ્યું છે અને ટૂંક સમયમાં કોચ સાથે ટીમના પ્રદર્શન અંગે ચર્ચા કરશે. અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે ગંભીર સાથેની બેઠકમાં ટીમના પ્રદર્શનમાં સુધારો કરવા અંગે ચર્ચા કરવામાં આવશે અને જરૂરી નિર્ણયો લેવામાં આવશે.
એક વર્ષથી ઓછા સમયમાં ભારતે પોતાની બીજી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ ગંભીરના ભવિષ્ય અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે વીવીએસ લક્ષ્મણ ભારતના રેડ-બોલ કોચ તરીકે ગંભીરનું સ્થાન લઈ શકે છે.
જોકે, બીસીસીઆઈને ગંભીરમાં વિશ્વાસ છે અને સૂત્રોએ દાવો કર્યો છે કે ટીમના પુનર્નિર્માણમાં તેમને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકા વ્હાઇટ-બોલ શ્રેણીના અંતે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો વચ્ચે એક બેઠક યોજાશે.
બીસીસીઆઈના સૂત્રોએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, “અમે હાલમાં ગૌતમ ગંભીરને બદલવા માંગતા નથી તે ટીમનું પુનર્નિર્માણ કરી રહ્યા છે… તેમનો કરાર 2027 વર્લ્ડ કપ સુધીનો છે.”
નોંધનીય છે કે ભારતને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-0 થી હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટેસ્ટ મેચમાં ભારતની બેટિંગ નિરાશાજનક રહી હતી. વધુમાં ટીમની રણનીતિ પર પ્રશ્નો ઉભા થયા હતા. આના કારણે ભૂતપૂર્વ ખેલાડીઓએ ભારતની શ્રેણી હાર માટે કોચ ગૌતમ ગંભીરને દોષી ઠેરવ્યા હતા. ભારત બીજી અને અંતિમ ટેસ્ટ 408 રનથી હારી ગયું, જે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી હાર હતી.