નવી દિલ્હી: આજે તા. 1 જૂન 2024ને શનિવારના રોજ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. આ ફેરફાર તેમાં સામેલ ભારતીય અબજોપતિઓની રેન્કિંગના લીધે થયો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ભારતના ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને નેટવર્થના મામલે ઘણા પાછળ છોડી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોમાં શેરબજારમાં લિસ્ટેડ અદાણીની કંપનીઓના શેરમાં થયેલા ભારે ઉછાળાને કારણે તેમની સંપત્તિમાં ભારે વધારો થયો છે અને તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
ગૌતમ અદાણી વિશ્વના 11માં સૌથી અમીર બન્યા
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી તેમની સંપત્તિમાં તાજેતરના ઉછાળાને કારણે હવે વિશ્વના 11માં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમની સંપત્તિ 111 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે અને આટલી સંપત્તિ સાથે તેમણે મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 109 બિલિયન ડોલર છે અને આ આંકડા સાથે તેઓ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 12માં સ્થાને છે.
અદાણીએ 24 કલાકમાં 45000 કરોડ રૂપિયાની કમાણી કરી
છેલ્લાં 24 કલાકમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. તેમની નેટવર્થમાં 5.45 બિલિયન ડોલર અથવા લગભગ રૂ. 45,000 કરોડથી વધુનો વધારો થયો છે. સંપત્તિમાં થયેલા આ અચાનક વધારાને કારણે અદાણી ગ્રુપના ચેરમેન વિશ્વના ટોચના અબજોપતિની યાદીમાં 12માં સ્થાનેથી એક ડગલું આગળ વધીને 11માં સ્થાન પર પહોંચ્યા છે.
તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણી વર્ષ 2024માં સૌથી વધુ કમાણી કરનારા અબજોપતિઓમાં સામેલ છે. 1 જાન્યુઆરી 2024 થી અત્યાર સુધીમાં 26.8 અબજ ડોલરની તેમણે કમાણી કરી છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે 12.7 અબજ ડોલરનો વધારો થયો છે.
અદાણી 16 મહિના પછી ફરી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા
આ અગાઉ વર્ષ 2023 ગૌતમ અદાણી માટે ઘણું ખરાબ રહ્યું હતું. વર્ષ 2023ની 24 જાન્યુઆરીના રોજ અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર આક્ષેપ કરતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. ત્યાર બાદ અદાણીના શેરમાં આવેલી સુનામીને કારણે તે ટોપ-3માંથી નીચે સરકી ગયા હતા. ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાંથી તે બહાર થઈ ગયા હતા. હવે લગભગ 16 મહિના પછી તે ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
અદાણીના શેરમાં જોરદાર ઉછાળો
શુક્રવારે તા. 31 મેના રોજ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓના શેરમાં 14 ટકા સુધીનો વધારો થયો હતો અને ટ્રેડિંગ દિવસના અંતે અદાણી ગ્રુપની તમામ 10 કંપનીઓ નફો મેળવવામાં સફળ રહી હતી. સૌથી મોટો ઉછાળો અદાણી પાવર સ્ટોકમાં આવ્યો હતો અને તે 14 ટકાથી વધુ વધ્યો હતો.
જોકે પાછળથી તે 9 ટકાના વધારા સાથે રૂ. 759.80 પર બંધ થયો હતો. આ સિવાય અદાણી ટોટલ ગેસ 9 ટકા વધીને રૂ. 1,044.50, અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 7 ટકા વધીને રૂ. 3416.75, અદાણી પોર્ટ્સ 4 ટકા વધીને રૂ. 1,440 પર બંધ રહ્યો હતો. અદાણી વિલ્મર 3 ટકા વધીને રૂ. 354.90, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ શેર 2 ટકા વધીને 8 ટકા વધીને બંધ થયા હતા, જ્યારે અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડ 2 ટકાથી વધુ વધીને બંધ થયા હતા.