નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ૨૪ કલાકમાં જ એવો કમાલ કર્યો છે કે દુનિયા જોતી રહી ગઈ છે. માત્ર ૨૪ કલાકના ટૂંકા સમયગાળામાં વિશ્વના ટોપ ૧૦ અરબપતિઓની યાદીમાં ટોચનું સ્થાન અદાણીએ ફરી હાંસલ કર્યું છે. આ અગાઉ ગુરુવારે અમેઝોનના જેફ બેજોસ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પછાડીને વિશ્વના ત્રીજા નંબરના સૌથી ધનવાન બન્યા હતા, પરંતુ માત્ર ૨૪ કલાકના ટૂંકા સમયગાળામાં ગૌતમ અદાણીએ ફરી એકવાર આ યાદીમાં ત્રીજા નંબરનું સ્થાન હાંસલ કરી લીધું છે.
આ અગાઉ ગુરુવારે બ્લુમબર્ગ બિલયોનર ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીના શેર્સની કિંમતોમાં થયેલા ઘટાડાના લીધે ગૌતમ અદાણીની નેટવર્થ એટલે કે સંપત્તિ ઘટીને ૧૧૮ અરબ ડોલર થઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન અમેઝોનના જેફ બેઝોસની સંપત્તિમાં જોરદાર ૫.૨૩ અરબ ડોલરનો વધારો થયો હતો તેથી વિશ્વના ટોપ ૧૦ અરબપતિઓની યાદીમાં ફેરફાર જોવા મળ્યો હતો અને માત્ર ટૂંકા અંતરથી જેફ બેજોસ વિશ્વના ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા.
જોકે, માત્ર ૨૪ કલાકના ટૂંકા સમયગાળમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં ફરી વધારો થયો હતો. આ સાથે જ તેઓની કુલ નેટવર્થ એટલે કે સંપત્તિ ૧૧૯ અરબ ડોલર થઈ ગઈ હતી. આ આંકડાને સ્પર્શતા જ અદાણી ગ્રુપના ચેરમેન ફરીથી એકવાર ધનવાનોની યાદીમાં ત્રીજા નંબર પર પહોંચી ગયા હતા. જ્યારે ૧૧૮ અરબ ડોલરની નેટવર્થ સાથે ફરી એકવાર બેઝોસ ધનવાનોની યાદીમાં ચોથા નંબર પર ઉતર્યા હતા.
૨૦૨૨મા અદાણીને ફાયદો થતા બીજા ધનવાનોને નુકસાન થયું
ગયા વર્ષે ૨૦૨૨માં ગૌતમ અદાણી એકમાત્ર એવા અરબપતિ હતા જેઓએ તાબડતોબ કમાણી કરતા પોતાની સંપત્તિમાં વધારો કર્યો હતો. વર્ષ દરમિયાન તેમની નેટવર્થમાં અંદાજે ૪૦ અરબ ડોલરનો વધારો થયો હતો. એટલું જ નહીં ધનવાનોની યાદીમાં નંબર ૨ ના સ્થાન સુધી પહોંચી ગયા હતા. બીજો સૌથી મોટો બદલાવ એ જોવા મળ્યો હતો કે જ્યારે ૨૦૨૧માં સતત આખાય વિશ્વમાં નંબર ૧ અરબપતિ રહેલાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક એ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ફ્રાંસના અરબપતિ બર્નાર્ડ અનોર્લટ પાસેથી ઝૂંટવી લીધું હતું. તાજેતરમાં સૌથી વધુ રૂપિયા ગુમાવનારાઓમાં એલન મસ્કનું નામ ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે.
બ્લ્યુમર્ગના રિપોર્ટ અનુસાર હાલમાં ૧૮૪ અરબ ડોલરની નેટવર્થ સાથે બર્નાર્ડ એર્નાલ્ટ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. જ્યારે ૧૩૨ અરબ ડોલર સાથે એલન મસ્ક બીજા નંબર પર ૧૧૯ અરબ ડોલર સાથે ગૌતમ અદાણી ત્રીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. અન્ય ધનવાનોમાં ૧૧૮ અરબ ડોલર સાથે જેફ બેજોશ ચોથા નંબરે, જ્યારે ૧૧૧ અરબ ડોલર સાથે વોરેન બફેટ યાદીમાં પાંચમા સ્થાન પર છે. બિલ ગેટ્સ ૧૧૧ અરબ ડોલર સાથે છઠ્ઠા અને લેરી એલિસન ૯૮.૨ અરબ ડોલર સાથે વિશ્વના સાતમા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. આ યાદીમાં મુકેશ અંબાણી ૮૫.૭ અરબ ડોલરની સંપત્તિ સાથે આઠમા સ્થાન પર છે. ટોપ ૧૦ ધનવાનોની યાદીમાં મુકેશ અંબાણી બીજા ભારતીય ધનવાન છે. સ્ટીવ બાલ્મર ૮૫.૫ અરબ ડોલર સાથે નવમાં ક્રમે અને લૈરી પેજ ૮૫.૩ ડોલરની સંપત્તિ સાથે યાદીમાં ૧૦માં સ્થાન પર છે.