સુરત(Surat) : દેશમાં પેટ્રોલ (Petrol), ડિઝલ (Diesel) અને સીએનજીના (CNG) ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. દરેક શહેરોમાં પેટ્રોલનો ભાવ સદી વટાવી ચૂક્યો છે. ત્યારે એક નવી જ વાત સામે આવી છે. હાલમાં વિમાનમાં (Plane) વપરાતા વિમાનમાં વપરાતું એવિએશન ટર્બાઇન ફ્યૂલ (એટીએફ) અને કાર-બાઇકમાં વપરાતા પેટ્રોલનો ભાવ નજીક-નજીક પહોંચી ગયો છે. વિમાનમાં વપરાતું પેટ્રોલ પ્રતિ લિટર 113.2 રૂપિયા છે જ્યારે પેટ્રોલનો ભાવ 107 થી 110 સુધી પહોંચી ગયો છે. વિતેલા 25 દિવસમાં પેટ્રોલના ભાવમાં 10 રૂપિયા સુધીનો વધારો થયો છે. આગામી દિવસમાં પણ પેટ્રોલના ભાવ કાબૂમાં આવે તેવા કોઇ આસાર નજરે પડતા નથી.
પેટ્રોલના ભાવમાં થઇ રહેલો વધારો વિમાનના ઇંધણ જેટલો થઇ ગયો છે. એવિએશન ટર્બાઇન ઇંધણ (એટીએફ) જે વિમાનમાં ઉપયોગમાં લેવાય છે. તેની કિંમત પ્રતિ લિટર 113.2 ચાલી રહી છે. જેની સામે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ વિક્રમી વધારો નોંધાયો છે. ગઇ તા.22 માર્ચથી લઇને તા.17 માર્ચ સુધીમાં વ્હીકલમાં વપરાતા પેટ્રોલનો ભાવ એવિએશન ટર્બાઇન ઇંધણની નજીક પહોંચી ગયો છે. વિમાનમાં વપરાતું ઇંધણ (એટીએફ) વ્હીકલમાં વપરાતા પેટ્રોલ અને કેરોસીનની વચ્ચેની પેટ્રોલિયમ પેદાશ છે. એવિએશન ટર્બાઇન ફ્યુલ સફેદ હોય છે જ્યારે વ્હીકલમાં વપરાતું નોર્મલ ફ્યુલ પીળાશ પડતું હોય છે.
ચેમ્બર ઓફ કોમર્સની પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ કમિટીના ચેરમેન અને નાયરા પેટ્રોલ પંપ સંચાલક નિરજ મોદીએ જણાવ્યું હતું કે, સુરતમાં નાયરા કંપનીના પેટ્રોલની કિંમત 107 રૂપિયા 19 પૈસા છે. જેની સામે સરકારી માલિકી ધરાવતા ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમના ડિઝલ અને પેટ્રોલની કિંમતમાં 2-2 રૂપિયા ઓછા છે. પેટ્રોલનો ભાવ 107.19 પૈસા થી 110 રૂપિયા સુધી સેલ, રિલાયન્સ, એસ્સાર પેટ્રોલ પંપ ઉપર ચાલી રહ્યો છે. ડિઝલની કિંમતમાં પણ વધારો થઇને હાલ 100 રૂપિયા 29 પૈસા થયા છે.
ક્રુડની પ્રોસેસ દરમિયાન પેટ્રોલથી ડામર સુધીના પદાર્થ છૂટા થાય છે
વી વર્કિંગ એરપોર્ટ ગ્રુપ એટ સુરતના સભ્ય લિનેશ શાહના જણાવ્યા અનુસાર ક્રુડને પ્રોસેસ કરવામાં આવે ત્યારે તેમાંથી વિવિધ પદાર્થ છૂટા પડે છે. આ પ્રોસેસ દરમિયાન સૌથી પહેલા પેટ્રોલ નીકળે છે, ત્યાર બાદ કેરોસિન, પછી એર ટર્બરાઇન ફ્યુલ નીકળે છે. આ પ્રોસેસમાં ગેસ પણ છૂટો થાય છે અને જે ઘટ્ટ પદાર્થ નીકળે છે તેને ઓઇલ એટલે કે ગ્રીસ તરીકે ઓળખવામાં આવે છે અને જે કચરો બચે છે તે ડામર તરીકે વપરાઇ છે.