મંદી મોંઘમારી અને મહામારીમાં સપડાયેલી પ્રજા પર મોંઘવારીનો વધુ એક ઘા ભાજપ સરકારે કરી ગેસ સિલિન્ડરમાં રૂ. ૨૫નો જંગી વધારો અને છેલ્લા આઠ મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રૂ. ૧૬૫.૫૦નો ભાવ વધારો કરતાં ગેસ સિલિન્ડર રૂ. ૯૦૦ની નજીક પહોંચી ગયો છે. ૨૦૧૪માં કોંગ્રેસ સરકારમાં ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૪૩૪ હતો જે ભાજપ સરકારે બમણાથી પણ વધુ મોંઘો કરીને સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવાનુ મુશ્કેલ બનાવી દીધું છે, તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું.
ગુજરાતના ૧૦ લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોની મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના 95 ટકા લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા છે. વર્ષ 2020-21ના કેન્દ્રીય બજેટમાં LPG સિલિન્ડર માટે રૂ. 40,915 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેની સામે વર્ષ 2021-22ના બજેટમાં LPG સિલિન્ડર સબસીડી માટે માત્ર રૂ.12,995 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે રૂ.27,920 કરોડનો સીધો બોજો લોકો ઉપર નાંખવામાં આવ્યો છે.
ભાજપ સરકારે સાત વર્ષમાં કેન્દ્રીય વેરામાં પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. ૨૩.૨૭ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. ૨૮.૩૭ સતત વધારો ઝીંક્યો છે. ભાજપ સરકારે વધારાના ૧૭.૨૯ લાખ કરોડ પ્રજાના ખિસ્સામાંથી સેરવી લીધા છે. એક્સાઈઝ ડ્યુટીમાં સાત વર્ષમાં પેટ્રોલ – ડીઝલ પર સતત વધારો કરીને પ્રજાના ખિસ્સામાંથી રૂ. ૨૨,૩૩,૮૬૮ કરોડ વસુલી લીધા છે. કોરોના સમયમાં વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલ – ડીઝલ પર કેન્દ્ર સરકારે ટેક્સ પેટે રૂ. ૪,૫૩,૮૧૨ કરોડ જેટલી જંગી રકમ વસુલીને પ્રજાની હાડમારીમાં પારાવાર મુશ્કેલીમાં વધારો કરીને જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના વધતા ભાવો માટે આંતરાષ્ટ્રીય બજારને જવાબદાર ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે. શું આ સબસીડી ઉપર કાપ પણ આંતરાષ્ટ્રીય બજારે મુક્યો છે? શું સરકારનું કામ માત્ર ટેક્સ ઉઘરાવવાનું છે, લોકોને રાહત આપવાની કોઈ જવાબદારી નથી?
આઠ મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રૂ. ૧૬૫.૫૦નો ભાવ વધારો કરાયો
તારીખ – કિંમત
૩૦ નવેમ્બર ૨૦૨૦- ૫૯૪
૧ ડીસેમ્બર ૨૦૨૦- ૬૪૪
૧ જાન્યુઆરી ૨૦૨૧ – ૭૦૭
૧ જુલાઈ ૨૦૨૧ – ૮૫૩
૧૭ ઓગસ્ટ ૨૦૨૧ – ૮૭૮