સુરતઃ શહેરના પુણા ગામ વિસ્તારમાં આજે સવારે ગોઝારી ઘટના બની છે. અહીંની રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક મકાનમાં ગેસ લિકેજ બાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. તેના લીધે મકાનના એક રૂમમાં રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો દાઝી ગયા હતા. જે પૈકી 3ની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પુણાગામમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનની એક રૂમમાં ભાડે રહેતો પરિવાર ગેસ સિલિન્ડર બ્લાસ્ટની દુર્ઘટનાનો ભોગ બન્યો છે. રાત્રિના સમયે રૂમમાં રહેલો ગેસ સિલિન્ડર લિકેજ થયો હતો. સવારે કોઈ કારણોસર સ્પાર્ક થતા ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આગ ફાટી નીકળી હતી. રૂમમાં સૂતેલા પરિવારના 5 સભ્યો સહિત 6 જણા આગમાં દાઝ્યા હતા.
વધુમાં મળતી વિગત પ્રમાણે આ પરિવાર મૂળ રાજસ્થાનનો વતની છે. પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા (42) પરિવાર સાથે અહીં ભાડે રહે છે. પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે. ગજેન્દ્ર ભદોરિયા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ઈજાગ્રસ્તોના નામઃ પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા, સોના, મોનિકા, જ્હાન્વી, અમન અને ગોપાલ ઠાકુર.
રાધાકૃષ્ણ સોસાયટીના એક મકાનમાં 3 રૂમ છે, તેમાંથી એક રૂમમાં ભદોરિયા પરિવાર ભાડે રહેતો હતો. રાત્રે પરિવારના તમામ સભ્યો ઊંઘી ગયા હતા. વહેલી સવારે 6 વાગ્યા આસપાસ અચાનક ધડાકો થયો હતો. ત્યાર બાદ આગ ફાટી નીકળી હતી. તેથી રૂમમાં સૂતેલા પરિવારના સભ્યોમાં નાસભાગ મચી ગઈ હતી. તમામ લોકો દોડીને રૂમની બહાર જતા રહ્યાં હતાં. દાઝી જવાના લીધે તમામને નાની મોટી ઈજા થઈ હતી. પરિવારના બે સભ્યો સહિત 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સ્મીમેર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
સોસાયટીના રહીશો પાસેથી જાણવા મળ્યા અનુસાર સવારે 6.20 કલાકે ધડાકાનો અવાજ આવ્યો હતો. રૂમમાં બ્લાસ્ટ થયો હતો. આગ પણ લાગી હતી. લોકો ચીસો પાડી રહ્યાં હતાં. 108ને બોલાવી તમામને હોસ્પિટલ ખસેડાયા હતા. બ્લાસ્ટમાં 6 લોકો દાઝ્યા હતા. જે ઘરમાં આગ લાગી તેમાં બધો સામાન બળી ગયો છે. ધડાકાના લીધે આસપાસના મકાનના બારી બારણાં પણ તૂટી ગયા છે.
ફાયર ઓફિસરે કહ્યું કે, કોલ મળતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સિલિન્ડર બ્લાસ્ટના લીધે આગ લાગી હતી. છ લોકો 60થી 65 ટકા દાઝી ગયા હતા. તમામને હોસ્પિટલ ખસેડાયા છે.