સુરત: (Surat) કોરોનાને લીધે દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિ હોવાથી સુરતમાં વિકાસ પામી રહેલા ગારમેન્ટ ઉદ્યોગને (Garment industry) ફટકો પડ્યો છે. સુરતમાં હવે માત્ર સાડી કે ડ્રેસ મટીરિયલ્સ નહી પરંતુ મોટાપાયે ડ્રેસ મટીરિયલ્સનું પણ ઉત્પાદન થાય છે. સુરતમાંથી તૈયાર કરવામાં આવતા ફેબ્રિક્સ છેક બાંગ્લાદેશ સુધી ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મોકલવામાં આવે છે. જોકે હવે સુરતમાં પણ ગારમેન્ટ ઉત્પાદકો નવી નવી તકો સ્વીકારીને આગળ વધી રહ્યાં છે પરંતુ, જો સરકાર ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે પ્રોત્સાહક યોજાનાઓની જાહેરાત કરે તો સુરત સહિત દેશભરમાં ગારમેન્ટ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને કોરાનાકાળમાં મોટી સંખ્યામાં લોકોને રોજગાર (Employment) મળે તેમ છે.
આ અંગે હાલમાં જ દક્ષિણ ગુજરાતના ગારમેન્ટ ઉદ્યોગકારોની ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિનિધિઓ સાથે મીટિંગ થઇ હતી. જેના આધારે ચેમ્બરે સરકાર સમક્ષ કેટલીક રજૂઆતો કરી છે. ગારમેન્ટ ઉદ્યોગકારો દ્વારા ગારમેન્ટ પોલિસીમાં સરકાર દ્વારા સુધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. કારણ કે, ગારમેન્ટ પોલિસીમાં નવા યુનિટોના વર્કરોને જ સરકાર દ્વારા ભથ્થા આપવામાં આવે છે. સરકાર દ્વારા મહિલા વર્કરને રૂપિયા ૪૦૦૦ અને પુરુષ વર્કરને રૂપિયા ૩ર૦૦ ભથ્થો આપવામાં આવે છે. આથી જૂના યુનિટોને પણ આ પોલિસીમાં આવરી લેવામાં આવે તેવી માંગણી તેમના દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ સમક્ષ કરવામાં આવી હતી.
ગત વર્ષે કોરોનાની પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે ઇમરજન્સી ક્રેડીટ લાઇન ગેરંટી સ્કીમ (ઇ.સી.એલ.જી.એસ.) અંતર્ગત ઉદ્યોગકારોને લોનની કુલ બાકી રકમના ર૦ ટકા પેટે વધુ લોન આપવામાં આવી હતી. જેમાં એક વર્ષનો મોરેટોરિયમ અપાયો હતો અને ત્યારબાદ વધુ એક વર્ષ લંબાવવામાં આવ્યો હતો. જો કે, મિટીંગમાં ગારમેન્ટના ઉદ્યોગકારોએ આ સ્કીમ અંતર્ગત લોનની કુલ બાકી રકમના ર૦ ટકા પેટે વધુ લોન આપવામાં આવે અને તેની ઉપર વધારાનો એક વર્ષનો મોરેટોરિયમ આપવામાં આવે તેવી માંગ કરી હતી. સુરતમાં હાલ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી 25 હજાર વેપારીઓ જોડાયા છે અને વાર્ષિક 10 હજાર કરોડનું ટર્નઓવર છે. સુરતની કેટલીક બ્રાન્ડ દેશ વિદેશમા પ્રખ્યાત છે.
જોકે કોરોનાએ આ ઇન્ડસ્ટ્રીની દશા-દિશા બિગાડી નાખી છે. ઉદ્યોગકારો કે જેઓએ બેંકો પાસે લોનો લીધી હતી અને એકમો શરૂ કર્યા હતા. તેઓ હવે આર્થિક સંકળામણમાં મુકાયા છે. તેઓ સરકાર સમક્ષ મદદની અપેક્ષાએ જોઇ રહ્યા છે. જોકે આ ઉદ્યોગ એમએસએમઇ સેક્ટર હોવાથી તેને લાભ પણ મળવો જોઇએ પરંતુ કોઇ જાહેરાત નહીં કરવામા આવતા તેઓ મુંઝાઇ રહ્યા છે.
ફંડિંગ સેક્ટર સાથે જોડાયેલા આશિષ ગોયલે જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહયા છે. લઘુ ઉદ્યોગો માટે સૌથી મોટો પડકાર ફંડ સંબંધિત છે. કારણ કે, મોટા ભાગના લઘુ ઉદ્યોગો ફંડ માટે બેંકો ઉપર નિર્ભર રહેતા હોય છે. જ્યારે કેટલાક પ્રાઇવેટ ફન્ડીંગ પર આધાર રાખે છે. એવા સંજોગોમાં નેશનલ સ્ટોક એકસચેન્જ એ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મલ્ટીપલ ફંડ રેઝીંગ ઉપલબ્ધ કરાવે છે. તેમણે નેશનલ સ્ટોક એકસચેન્જના ચાર એવા મોડલ વિશે માહિતી આપી હતી કે જે એમએસએમઇને સપોર્ટ કરી શકે છે.
દેશમાં એસએમઇ લીસ્ટીંગમાં ર૧૭ જેટલી કંપનીઓ લીસ્ટીંગ થઇ છે. જેના થકી આશરે રૂપિયા ૩ર૦૦ કરોડનું ફંડ ઉભું થયું છે. આ કંપનીઓમાંથી ૬૮ જેટલી કંપની સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહયું છે. લીસ્ટીંગ બાદ આ કંપનીઓને મલ્ટીપલ લાભો પણ થાય છે. જેમાં વિઝીબિલિટી, ક્રેડીબિલિટી, બિઝનેસ ગ્રોથ અને ફન્ડીંગ વિગેરે બાબતોનો સમાવેશ થાય છે.
નવું મોડલ ઇલેકટ્રોનિક બિલ ડિસ્કાઉન્ટીંગ સંબંધિત છે. આ ઇલેકટ્રોનિક બિલ ડિસ્કાઉન્ટીંગ મોડલ એ એમએસએમઇ ગ્રોથ માટે રાહત દરે ઓકશન પ્રોસેસ થકી ફંડ ઉપલબ્ધ કરાવે છે. સાથે જ નિર્યાતકારો અને આયાતકારો માટે ફોરેન એકસચેન્જ હેજીંગ, ટ્રેજડી અને ઇન્વેસ્ટમેન્ટ માટે સુવિધા ઉપલબ્ધ કરાવે છે.