સુરત : (Surat) મનપા (SMC) દ્વારા શહેરીજનોની સુવિધા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની (Door to door garbage collection) કામગીરી ખાનગી એજન્સીઓને કરોડો રૂપિયા ચુકવીને સોંપવામાં આવી છે. પરંતુ આ કામ કરતા ઇજારદારોની લાલિયાવાડી અને દાદાગીરીની ફરિયાદો હદ વટાવી રહી છે પરંતુ અગમ્ય કારણોસર તેની સામે કડક કાર્યવાહી થતી નથી, ત્યારે ખુદ આરોગ્ય સમિતિ ચેરમેન દર્શિની કોઠીયાને જ પૂણા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેઝ કલેક્શનની કામગીરી સંભાળતા જીગર ટ્રાન્સપોર્ટના કર્મચારીઓની દાદાગીરીનો કડવો અનુભવ થતા શાસકોએ લાલ આંખ કરી છે. તેમજ હવેથી એજન્સી જો ફરિયાદનો નિકાલ કરવામાં મોડુ કરશે તો પેનલ્ટીની રકમ બમણી કરવા શાસકોએ ચીમકી આપી છે.
- જીગર ટ્રાન્સપોર્ટના કર્મચારીઓની દાદાગીરીનો કડવો અનુભવ થતા શાસકોએ લાલ આંખ કરી
- હવેથી એજન્સી જો ફરિયાદનો નિકાલ કરવામાં મોડુ કરશે તો પેનલ્ટીની રકમ બમણી કરવા શાસકોએ ચીમકી આપી
- ઉધના અને લિંબાયત ઝોનમાં કામ કરતી ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને બંને ઝોન માટે અલગ અલગ એમ બે નોટીસો ફટકારવામાં આવી
પોતાને થયેલા કડવા અનુભવ બાદ આરોગ્ય સમિતિ ચેરમેન દર્શિની કોઠીયાએ તમામ ઝોનના અધિકારીઓ, નાયબ આરોગ્ય અધિકારીઓ, એજન્સીઓ સાથે આરોગ્ય વિભાગના વડા અને આરોગ્ય અધિકારી સાથે મીટીંગ કરી હતી. તેમજ ડોર ટુ ડોર સફાઇની એજન્સીઓને આડે હાથ લીધી હતી. તેમજ જ્યાં સૌથી વધુ ફરિયાદો છે તે ઉધના અને લિંબાયત ઝોનમાં કામ કરતી ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને બંને ઝોન માટે અલગ અલગ એમ બે નોટીસો ફટકારવામાં આવી છે.
શાસકોની આંખ ઉઘાડતી આ ઘટનામાં એવુ થયુ હતુ કે, આરોગ્ય ચેરમેન દર્શિની કોઠીયાના પતિ ડો. પ્રવિણ કોઠીયાની પૂણા જનરલ હોસ્પિટલ પાસે કચરા ગાડીમાંથી રસ્તા પર કચરો ઢોળાતો હોવાથી દર્શિનીબેને કચરાગાડીના કર્મચારીઓને યોગ્ય રીતે બધો કચરો ઉપાડો અને તમામ કચરો ઢોળાતો જાય છે, એ યોગ્ય નથી, તેવું કહ્યું હતું, ત્યારે આ એજન્સી જીગર ટ્રાસ્પોર્ટના કર્મચારીઓએ ‘જે થાય તે કરી લો ને, અહિયાં તો આવું જ ચાલે’ તેવુ સંભળાવી દીધું હતું. ત્યારબાદ તેઓએ કચરા ગાડીની કામગીરીનો રીવ્યુ લેતા જણાયું હતું કે આખા શહેરની જ આ ફરિયાદ છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન દર્શિની કોઠીયા સાથે કચરો વ્યવસ્થિત ઉપાડવાના મામલે તોછડાઈથી વાત કરનાર વરાછા ઝોનની એજન્સી જેટીસી સામે કોઈ જ પગલાં નહીં લેવાતા આશ્ચર્ય ફેલાયું છે.
કચરાગાડીઓ સામે કેવી ફરિયાદો થઇ છે ?
- સૌથી વધુ ફરિયાદ નાગરીકો સાથેની ગેરવર્તણુંક
- યોગ્ય સમયે ગાડીઓ ન આવવી
- વારંવાર રજા પાડવી
- લોકો જુદો કચરો આપે તો પણ એને સેગ્રીગેટ કરવાને બદલે ભેગો કરી દેવો
- ગાડી પર લોકોને જાણ કરવા માટે મુકાયેલી પીએએસ (પબ્લિક એડ્મીનીસ્ટરીંગ સીસ્ટમ) સદંતર બંધ થઇ ગઇ છે તેથી ગાડી ક્યારે આવીને નીકળી જાય છે એની પણ લોકોને જાણ થતી નથી.