નડિયાદ: ખેડા જિલ્લાના મોટા ભાગના શહેરો ગંદકીથી ખદબદી રહ્યા છે, ત્યારે ખુદ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના મતક્ષેત્ર મહેમદાવાદમાં પણ ગંદકી મુદ્દે નર્કાગાર જેવો ઘાટ સર્જાયો છે. મહેમદાવાદ શહેરના વોર્ડ નંબર ૩માં ખાત્રજ દરવાજા બહાર આવેલા કબ્રસ્તાન રોડ પર ઘણા સમયથી કચરાના ઢગ ખડકાયા છે. આ સ્થળેથી કચરાનો નિકાલ ન થતાં સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે. મહેમદાવાદ નગરપાલિકા દ્વારા દર વર્ષે શહેરની સાફ-સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. આમ છતાં શહેરના ઘણા વિસ્તારોમાં નિયમિત સાફ-સફાઈ પ્રત્યે ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે.
મહેમદાવાદ વોર્ડ નંબર ૩માં ખાત્રજ દરવાજા, બહાર કબ્રસ્તાન રોડ પર છેલ્લા પંદરેક દિવસથી કચરાના ઢગલા હટાવાયા નથી. ત્યારે કબ્રસ્તાન રોડ પર ઘણા દિવસોથી ગંદકી કચરાના ઢગલા દૂર કરવામાં સફાઈ કામદારો દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે. આ વરસાદી પાણી સાથેનો કચરાના કારણે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ્ય વધ્યો છે. જેથી રોગચાળો ફાટી નીકળે તેવી ભીંતિ સેવાઈ રહી છે. ગંદકીના કારણે રખડતા પશુઓ રસ્તા પર કચરો લાવી રહ્યા છે. જેથી રોડ પરથી પસાર થતા લોકો વાહન ચાલકોને ઘણી જ હાલાકી વેઠવી પડે છે. ત્યારે આ રોડ પરથી પસાર થતાં નગરપાલિકાના સત્તાધીશો ગંદકી કચરાના ઢગલાથી અજાણ હશે? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ મામલે તત્કાલ તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ થાય તેવી લોકમાગ પ્રબળ બની છે.