SURAT

માસ્ક પહેરીને ગરબા કેવી રીતે રમવા? પાલિકાના ફતવાથી ખૈલેયાઓ નારાજ

રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા લોકોને શેરી ગરબાનું (SheriGarba) આયોજન કરવાની છૂટ આપવામાં આવી છે. 400 લોકોની મર્યાદામાં લોકોને ગરબા રમવાની છૂટ મળતા જ પહેલા નોરતે લોકો સોસાયટીમાં ગરબે રમ્યા હતા. ત્યારે સુરત મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation Notice) અઠવા, રાંદેર અને અડાજણ વિસ્તારની કેટલીક સોસાયટીઓના પ્રમુખોને નોટીસ આપવામાં આવી છે. આ નોટીસમાં ગરબાનું આયોજન ન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ જો નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હોય તો ખેલૈયાઓને ફરજીયાત પણે માસ્ક પહેરવાની (Garba With Mask) સુચના આપવામાં આવી છે. તેથી જ સુરત મહાનગરપાલિકાના ડરના કારણે માત્ર 12 સોસાયટીઓએ જ નવરાત્રી માટે મંજૂરી માગી હોવાનું સામે આવ્યું છે.

સુરતની 1277 સોસાયટીઓએ રાસ-ગરબાના આયોજન કરવા માટે પોલીસની મંજૂરી લીધી છે. જેમાં સૌથી વધુ મંજૂરી સુરતના અડાજણ વિસ્તારની સોસાયટી દ્વારા લેવામાં આવી છે અને અઠવા ઝોન વિસ્તારમાં ખૂબ જ ઓછી મંજૂરી લેવામાં આવી છે. સુરતની ડુમસ વિસ્તારની 17 સોસાયટીએ, ઉમરા વિસ્તારની 35 સોસાયટીએ, ખટોદરા વિસ્તારની 30 સોસાયટીએ, અડાજણની 45 સોસાયટીએ, રાંદેરની 22 સોસાયટીએ, ઇચ્છાપોરની 15 સોસાયટીએ, અમરોલીની 25 સોસાયટીએ, અઠવાની 12સોસાયટીએ, પાંડેસરાની 25એ અને હજીરાની 5 સોસાયટીઓએ મંજૂરી લીધી છે.

રાજય સરકારે પણ નવરાત્રિ દરમિયાન સોસાયટીઓ માટે કોઈ જાહેરનામું બહાર પાડયુ નથી જેથી અમદાવાદ કોર્પોરેશને પણ સોસાયટીઓ માટે કોઈ પણ ગાઈડલાઈન્સ જારી કરી નથી પણ સુરત મહાનગરપાલિકાએ અઠવા, અડાજણ સહિતના વિસ્તારોમાં સોસાયટી પ્રમુખોને નોટિસ પાઠવી છે. આ નોટિસમાં નવરાત્રિ નહીં કરવા અનુરોધ કરવામાં આવ્યો છે અને જો કરવામાં આવે તો ખેલૈયાઓએ ફરજિયાત માસ્ક પહેરવા કહેવામાં આવ્યું છે. પાલિકાના આ ફતવાને પગલે ભારે વિવાદ સર્જાયો છે.

પાલિકા કાર્યવાહી કરશે તેવા ડરથી અઠવામાં માત્ર 12 સોસાયટીઓએ ગરબા માટે પોલીસ મંજૂરી માંગી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, પાલિકાએ આપેલી નોટિસનું પાલન નહીં કરનારી સોસાયટીઓ સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરપ્રાઈઝ ચેકીંગ માટે ટીમો પણ બનાવવામાં આવી છે. એક સોસાયટીના પ્રમુખે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, પાલિકાની નોટિસને પગલે ગરબા કેવી રીતે કરવા તે અંગે ખૈલેયાઓ મૂંઝવણમાં મુકાયા છે. માસ્ક પહેરીને ગરબા રમવું શકય નથી. નોટિસમાં પ્રમુખોને જ જવાબદાર ઠેરવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં જો, કોઈ સોસાયટીમાં કોરોનાનો કેસ આવે તો તેની જવાબદારી પણ પ્રમુખોના શિરે મૂકવામાં આવી છે. આ ફતવાથી ગરબાના આયોજન પણ બગડયા છે.

સરકારની ગાઇડલાઈન પ્રમાણે આ વર્ષે ક્લબ, પાર્ટી, ફાર્મ હાઉસમાં ગરબા થઈ શકવાના ન હોવાથી શહેરની મોટા ભાગની સોસાયટીઓમાં સ્થાનિક સ્તરે જ રાસ-ગરબાનું આયોજન કરાયું છે. શહેરની 1277 જેટલી સોસાયટીઓએ ગરબા યોજવા પોલીસની મંજૂરી લીધી છે, જ્યારે ઘણી બધી સોસાયટીઓની મંજૂરી પ્રક્રિયા હજુ પણ ચાલુ હોવાથી આ આંકડો 1500ને પાર થવાનો અંદાજ છે. જો કે સોસાયટીમાં રાતે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી છે તેમજ સ્થાનિક રહીશો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વૃધ્ધોને અડચણ પડે તે રીતે લાઉડ સ્પીકર નહીં વગાડવાની શરત છે.

ક્યાં, કેટલી મંજૂરી મળી?

  • એરિયા સોસા.
  • ડુમસ 17
  • ઉમરા 35
  • ખટોદરા 30
  • અડાજણ 45
  • રાંદેર 22
  • ઈચ્છાપોર 15
  • અમરોલી 25
  • અઠવા 12
  • પાંડેસરા 26
  • હજીરા 5

Most Popular

To Top