Business

પ્રાચીન ભજનોનાં રચયિતા ગંગાસતી

સૌરાષ્ટ્રની ધરતી સાધુ-સંત, શૂરા અને દાતારની ધરતી તરીકે વિખ્યાત છે. સૌરાષ્ટ્રના ગામડાંઓના પાદરમાં ઉભેલા પાળિયાઓ શૂરવીરોની વીરકથા સાચવીને બેઠાં છે. તુલસીશ્યામ, સત્તાધાર, વીરપુર અને બગદામા જેવા મંદિરોમાં સંતો આજે ભગવાનની જેમ પૂજાય છે. જગડુશા અને શેઠ સગાળશાની દાત્તારીની અમરકથાઓ આજે પણ પ્રેરણાદાયી છે. સાધુ-સંતોના સન્માન અને આતિથ્ય સૌરાષ્ટ્રની પરંપરા રહી છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યના સંત, શૂરા અને દાત્તારની હજારો કથાઓ વણાયેલી છે. લોકસાહિત્યમાં રસ ધરાવનાર સૌ કોઇ લોકડાયરોઓમાં કે આખ્યાનોમાં કહેવાતી આવી કથાઓ સાથે ભજનો પણ માણતા હશે. એવા એક સંત સાહિત્યકાર ગંગાસતીને અહીં ઓળખવાનો પ્રયાસ છે.

‘વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઇ, અચાનક અંધારા થાશે રે… જેવા ભજનોથી લોકસાહિત્ય ઉજળુ બન્યું છે. પ્રાણલાલ વ્યાસ, નિરંજન ભગત, દિવાળીબેન ભીલ, ભારતીબેન કુંચાલા કે મીનાબેન પટેલ જેવા અનેક લોકગાયકોમાં ભાગ્યે જ એવું કોઇ હશે જેણે ગંગાસતીના ભજનો ગાયા નહિ હોય. તન-મનને ડોલાવનારા અને શબ્દે-શબ્દમાં અદભુત ભેદ ભરેલા ગંગાસતીના ભજનોમાં નાનજીભાઇ મિસ્ત્રીનું વાયોલીન અને હાજી રમકડાંની તબલાની સંગત મળે ત્યારે અલૌકિક અનુભૂતિ અનુભવાય છે. હવે તો ઇચ્છા પડે ત્યારે સાંભળી શકાય તેવુ મોબાઇલ યંત્ર આપણા હાથમાં હોય છે. લોકડાયરાઓનો યુગ અસ્ત થઇ રહ્યો છે અને જે પણ લોકડાયરા યોજાય છે તેમાં વધુને વધુ હાસ્ય-રમૂજની વાતો વચ્ચે અસલ ભજનો અને લોકગીત અદૃશ્ય થઇ ગયા છે. હાલ તો અત્યાધુનિક વાંજીત્રો અને ઇલેકટ્રોનિકસ સગવડો વચ્ચે જયારે પણ પ્રાચિન ભજનો ગવાય છે ત્યારે રૂડાં જ લાગે પણ એક સમય હતો જ્યારે માત્ર રામસાગર અને મંજીરા સાથે રાત્રિસત્સંગમાં ગવાતા ભજનો પણ ઇશ્વર સાથે એકાત્મકતા સાધવાને પ્રબળ શકિતમાન હતાં.

મૂળ વાત પર આવીએ. ગંગાસતી અને પાનબાઇ એ નામ ગુજરાતીએ કે ગુજરાતી લોકસાહિત્ય માટે જરાય અજાણ્યા નથી. ભાવનગરના રાજપરા ગામે રૂપાળીબા અને ભાઇજી જેસાજી સરવૈયા નામના રાજપૂતના ઘરે 1846માં જન્મેલા હીરાબા પછીથી ગંગાસતી અને સોરઠની મીરાના ઉપનામે ઓળખાયા. પાંચ ભાઇ-બહેનોના પરિવારમાં ગંગાસતીને બાળપણથી ઇશ્વર પ્રત્યેનો અનોખો પ્રેમભાવ હતો. આમ તો રાજપૂતો અને દરબાર પરિવારોમાં પરમાટી ખાવુ અને દારૂ-જુગારની બદ્દી આમવાત બની ગયેલી પણ આ પરિવાર બધાથી જુદો હતો ઘરમાં સાધુ-સંતોનું આતિથ્ય, સેવા અને ઘરમાં ઠાકોરજીની સેવા જીવનક્રમ હતા. પારિવારિક સંસ્કારો અને સાધુ-સંતોની સંગતમાં ગંગાસતીની પ્રભુભકિતને વેગ મળ્યો. દિકરીઓને ત્યારે ભણાવતી નહિ પણ પીપરાળી ગામના સંત ભૂખરદાસજી પાસેથી મળેલુ જ્ઞાન ગંગાસતીને પથદર્શક સાબિત થયું. 18 વર્ષની ઉંમરે 1864માં ઉમરાળા તાલુકાના સમઢીયાળા ગામના ગરાસદાર રાજપૂત કહળસંગ કલભા ગોહિલ સાથે વિવાહ થયેલા. સાનુકુળ સંજોગોની સંગતતાને કારણે કહળસંગ બાપુ પણ એટલા જ ભકિતવાન અને સાધુ-સંતોના સંગી હતાં કે ગંગાસતીને ધર્મજીવનમાં પ્રભુભકિત અને સાધુ-સંતોની સેવાપ્રવૃત્તિમાં કયાંય અડચણ ના નડી. સત્સંગી જીવન દરમ્યાન અજુભા નામનો એક પુત્ર પણ પામ્યા. 

ગંગાસતીએ દિકરા અજુભાના આગમન પછી પણ ભકિત અને સત્સંગમાં કોઇ ઓટ નહોતી આવવી દીધી. એકવાર અજુભાને ખૂબ તાવ આવ્યો હતો.કપાળે મીઠાના પાણીના પોતા મૂકી સેવા કરતા ગંગાસતી અને કહળુભાની મહેનત કામ નહોતી આવતી તાવમાં બબડાટ કરે એવો તાવ ઓછો થવાનું નામ નહોતો લેતો તો બીજી તરફ એક સાધુ સંતોનો સંઘ ઘર પૂછતો તેના ઘરે પધાર્યો. પતિ-પત્ની બંને સાધુ-સંતોની સેવામાં અને ભોજનનો પ્રબંધ કરવામાં લાગી ગયા. આડોશ-પાડોશના લોકો પણ વાતો કરતા થઇ ગયા કે દિકરાની સારવાર છોડીને સાધુ-સંતોની સેવા એમ થોડી કરાય!?

પણ કર્તવ્યને વળગી રહીને સાધુ-સંતોને જમાડયા અને રાતવાસો કરવાની વ્યવસ્થા પણ કરી. રાત્રે માનુ હૃદય રડી પડયુ કે આટલી સેવા કરવા છતાંય ઇશ્વર મારા પુત્રને સાજો કેમ નથી કરતો? ભગત કહળુભાએ કહ્યું: સતી, ધૈર્ય રાખો સવારે સાધુ-સંતોના ચરણ ધોઇને ચરણામૃત દિકરાને પાજો. સવારે સાધુ-સંતો પ્રાત:ચર્યાથી પરવાર્યા ત્યારે આ પ્રભુભકત યુગલે સાધુ-સંતોને ચરણ ધોઇ, ભોજન કરાવી વિદાય કર્યાં અને તેનું ચરણામૃત દિકરા અજુભાને પીવડાવતાં કોઇ ચમત્કાર થયો હોય તેમ ચૌદ દિવસનો તાવ સાવ ઉતરી ગયો અને તંદુરસ્ત થઇ ગયા.

અજુભા યુવાન થતા તેના વિવાહ પાનબાઇ નામની રાજપૂત કન્યા સાથે થયા. ઇશ્વરકૃપાએ ઘરના ભકિતમય વાતાવરણમાં સમાઇ જાય તેવા પાનબાઇના સંગાથથી ગંગાસતીને સંતોષ હતો. એકવાર કહળુભા સાધુ-સંતો સાથે સત્સંગ કરતા હતા ત્યારે ગામના એક સત્સંગીએ સાધુ-સંતો સાથે તેના ઘરે પધારવા આમંત્રણ પાઠવ્યું. સત્સંગીનું આમંત્રણ કેમ પાછુ ઠેલાય એમ સમજી તેમના ઘરે જવા માટે સાધુ-સંતો સાથે નિકળી પડયા. દરમ્યાન રસ્તામાં એક દરબારની ડેલીએ પાંચ-સાત દરબારો કસુંબા-પાણી કરતા હતા. દરબારની ડેલીની સામે જે  એક ગાય સર્પદંશથી મૃત્યુ પામેલ પડી હતી. ભગત કહળસંગજી નિકળ્યા એટલે ટિખળી કેટલાંક દરબારોએ કહ્યું કે આ ઉંમરે તલવારના બદલે તંબૂરો પકડયો છે તો બાપુ તમારી ભકિતથી આ મરેલી ગાયને જીવતી કરો. જોઇએ કે તમારો ભગવાન કેટલો તમારી સાથે છે?

ભગત કહળસંગે કહ્યું કે, ભકતોને કોઇ અહં ના હોય કો કોઇના કંઇ કહેવાથી રોષ પણ ના હોય પણ ભગવાનની વાત આવી છે તો તે સૌ કોઇની સાથે છે. એવું કહી તેણે સાથેના સાધુ-સંતોના ચરણ ધોઇને ચરણામૃત ગાય પર છંટકાવ કરતા ગાય ભાંભરતી ઉભી થઇ ગઇ અને કહળસંગ તુરંત ઘરે પાછા ફર્યા. આવીને ગંગાસતીને કહે કે હવે મારે સમાધિની લેવાનો સમય થઇ ગયો છે. ઓચિંતુ જ સમાધિની વાત સાંભળી ગંગાસતીએ કારણ પૂછયું ત્યારે કહળસંગે કહ્યું કે અજ્ઞાની દરબારોની વાતથી મેં ભકિતની શકિતનો દુરોપયોગ કર્યો છે.  હવે કોઇના પણ ઢોર કે દિકરા-દિકરી મૃત્યુ પામશે અને આશા લઇ સજીવન કરાવવા મારી પાસે આવશે તો મારે ધર્મસંકટ ઉભુ થાય. હું કંઇ ઇશ્વર નથી કે તેનું કાર્ય કરું. તેથી પશ્ચાતાપ રૂપે હું સમાધિ લઇશ. અને તમારે હજુ પાનબાઇને ધર્મજ્ઞાન આપવાનું છે તેથી સાથે સમાધિ લેવાની જીદ ના કરતા. કહળસંગની સમાધિ લેવાની વાત વાયુવેગે ચોતરફ વહેતી થઇ.

ડેલીએ બેઠેલાએ સૌ દરબારો પણ માફી માગવા આવી પહોંચ્યા પણ કહળસંગ બાપુએ અંતે જીવતાજીવ સમાધી લીધી. તે પછી ગંગાસતી રોજ એક ભજનની રચના કરતા અને પાનભાઇને સંબોધી થયેલી આ રચનાઓનો દોર બાવન દિવસ સુધી ચાલ્યો. મેરૂ તો ડગે પણ જેના મન ના ડગે, વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઇ, તથા ભકિત રે કરવી તેણે રાંક થઇને રહેવું પાનબાઇ ઉપરાંત વચન વિવેકી જે નર-નારી પાનબાઇ જેવી યાદગાર બાવન રચનાઓ દ્વારા પાનબાઇને ધર્મજ્ઞાન આપી ત્રેપનમાં દિવસે ગંગાસતીએ પણ 1894માં જીવતેજીવ સમાધિ લીધી હતી.

સમઢિયાળા ખાતે ગંગાસતીનો આશ્રમ છે. વર્ષેદા’ડે હજારો યાત્રાળુઓ દર્શનાર્થે અહીં આવે છે. ગુજરાત સરકારે અને યાત્રાધામ વિકાસ બોર્ડે આ સ્થળને યાત્રાધામ તરીકે વિકસીત કરવા હમણાં પાંચ કરોડને 64 લાખ ફાળવ્યા છે. સૌરાષ્ટ્રમાં જાઓ તો ગંગાસતીના આશ્રમે જરૂર જજો.

Most Popular

To Top