મુંબઈ: મહારાષ્ટ્રના (Maharashtra) બીડ જિલ્લાના એક ગામમાં વાંદરાઓ (Monkey) અને કૂતરાઓની (Dogs) ટોળી લડાઇ સંદર્ભમાં બે વાંદરાઓને વન વિભાગે (Forest department) પકડી લીધા છે. સપ્તાહોથી ચાલી રહેલી આ લડાઇ (Gang war) છેલ્લા કેટલાક દિવસથી એક તરફી જેવી બની ગઇ હતી અને તેમાં છેલ્લા આંકડા પ્રમાણે 250 જેટલા કૂતરાઓ માર્યા ગયા છે.
આ વિચિત્ર ઘટના મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગાંવની છે. એક મહિનાથી અહીં વાનરો અને કૂતરા વચ્ચે ગેંગવોર ચાલી રહી છે.એમ કહેવાય છે કે કેટલાક કૂતરાઓએ કેટલાક વાંદરાઓને બચકા ભરતા અને વાંદરાના એક બચ્ચાને મારી નાખ્યા બાદ આ લડાઇ શરૂ થઇ હતી. બીડ જિલ્લાનું લાવુલ નામનું ગામ આ લડાઇનું કેન્દ્ર બન્યું હતું. આ ગામની આજુબાજુ ઘણા વાંદરાઓ રહે છે અને કૂતરાઓ સાથે બદલો લેવા માટે વાંદરાઓ ગામમાં ઘૂસી જતા હતા અને અડફેટે ચડેલા કૂતરાનું અપહરણ કરી જતા હતા. કૂતરાને તેઓ ઝાડ પર ખેંચી જઇને મારી નાખતા હતા અને પછી ફેંકી દેતા હતા.
છેલ્લા બે મહિના જેટલા સમયથી ચાલતા આ હુમલાઓમાં ૨૫૦ જેટલા કૂતરાઓ મરી ગયા છે અને ગામમાં હવે ભાગ્યે જ કોઇ કૂતરા બચ્યા છે એમ જાણવા મળે છે. કૂતરાઓને બચાવવા ગયેલા કેટલાક ગામવાસીઓ પણ ઘાયલ થયા છે. આના પછી સક્રિય થયેલા વન વિભાગે હાલમાં બે વાંદરાઓને પકડીને પાંજરે પૂર્યા છે. આ વાંદરાઓને હાલ નાગપુર ખસેડવામાં આવી રહ્યા છે અને તેમને બાદમાં દૂર જંગલમાં છોડી મૂકવામાં આવશે એમ જાણવા મળે છે. હજી બીજા વાંદરાઓને પણ પકડવામાં આવી શકે છે.
ગ્રામજનોનું કહેવું છે કે વાંદરાઓ બદલો લેવા માટે કૂતરાઓ પર હૂમલો કરી રહ્યાં છે. વનવિભાગે વાંદરોઓના આંતકને કાબુમાં લેવા અને કૂતરાને બચાવવા પ્રયાસો હાથ ધર્યા છે. પરંતુ આમ કરવું તેમના માટે પણ ઘાતક બની રહ્યું છે. કારણ કે વાંદરાઓ વનવિભાગના સ્ટાફ પર પણ હુમલો કરી રહ્યાં છે. નાના બાળકોને પણ ટાર્ગેટ બનાવી રહ્યાં છે.