ગાંધીનગર: અંબાજીમાં 15 વર્ષીય સગીરા પર અંબાજી ગબ્બર નજીકની ઝાડીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે, જેના પગલે અંબાજીમાં ભારે રોષની લાગણી ફેલાવવા પામી છે. નાસી છૂટેલા છ અસામાજિક તત્વોને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે, એટલું જ નહીં ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ આ સગીરા તેના મોટા બાપાના ઘરે જવા માટે રિક્ષાની રાહ જોઈ રહી હતી, આ દરમિયાન અસામાજીક તત્વોએ તેને બાઈક પર બેસાડી દીધી હતી. બાદમાં સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ 6 નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. એક પરિચિત વ્યકિત્તએ લિફ્ટ આપવાના બહાને સગીરાને ફસાવી હતી. ત્યારે તેણીના અંબાજીના ગબ્બર વિસ્તારની ઝાડીમાં લઈ જઈને વારાફરતી છ માથાભારે તત્વોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા સગીરાનુ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ગેંગરેપના પુરાવા હાથ લાગ્યા છે. બીડી તરફ છ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે. સગીરાની માતાએ આ ગેંગરેપની ઘટનાને લઈ અંબાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો આ ઘટનામાં એક પણ આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. આ સામૂહિક દુષ્કર્મની ઘટનાને લઇને બનાસકાંઠા જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.
બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી તા.13મી નવે.ના રોજ મતદાન થવાનું છે, ત્યારે રાજનીતિ પણ ગરમાઈ છે. બનાસકાંઠાના કોંગીના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે ભાજપ સરકારને ચૂંટણીમાં રસ છે, એમને બેન-દીકરીનું રક્ષણ કે કાયદો વ્યવસ્થા જાળવવામાં રસ નથી. વાવ બેઠકના ભાજપના જ બળવાખોર ઉમેદવાર માવજી પટેલે એવી માંગ કરી હતી કે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ નૈતિકતાના ઘોરણે રાજીનામુ આપી દેવું જોઈએ. તેમણે આરોપીઓની ધરપકડની માંગ કરી હતી.