Dakshin Gujarat

બીલીમોરાની હોટલમાં હથિયારોનો સોદો કરવા આવેલી બિશ્નોઈ ગેંગનું પોલીસ પર ફાયરિંગ

સુરતઃ બીલીમોરામાં ફાયરિંગની ઘટના બની છે. અહીં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ પર બિશ્નોઈ ગેંગના માણસોએ ફાયરિંગ કર્યાની વિગતો બહાર આવી છે. એક ઈસમના પગમાં ગોળી વાગી હોઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. SMC ટીમે ચાર આરોપીઓની સફળતાપૂર્વક ધરપકડ કરી હતી. આરોપીના કબજામાંથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે

પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની એક હોટલમાં બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રેઈડ પાડી હતી. શાર્પશૂટર ગેંગના સાગરિતો અહીં હથિયારની ડિલીવરી કરવા આવ્યા હોવાની બાતમી ટીમને મળી હતી. જે હોટલમાં ગેંગના માણસો રોકાયા હતા ત્યાં પોલીસે રેઈડ કરી હતી.

દરમિયાન પોલીસને જોઈ શાર્પશૂટર ગેંગના માણસોએ ગોળીબાર કર્યો હતો. પોલીસે પણ સામે ફાયરિંગ કર્યું હતું. પોલીસ અને ગેંગ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ફાયરિંગ કરતા શાર્પશૂટર ગેંગના એક ઈસમના પગે ગોળી વાગી હતી.

સૂત્રોએ કહ્યું કે, હથિયારોની આપ લે કરવા ચાર જેટલા ઈસમો એક હોટલમાં રોકાયા હોવાની એસએમસીની ટીમને બાતમી મળી હતી. તેના આધારે રેઈડ પાડી હતી. પોલીસને જોઈ આરોપીઓ પકડાઈ જવાના ડરથી ભાગવા લાગ્યા હતા. પોલીસથી બચવા પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે સામું ફાયરિંગ કરતા હથિયાર આપવા આવેલા પૈકી એકના પગે ગોળી વાગી હતી, તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

ઘટના બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લાની અન્ય પોલીસ એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં પકડાયેલા ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

પોલીસે ઝડપેલા ચાર આરોપી

  • યશ સુંદર સિંગ (હરિયાણા)
  • રિષભ અશોક શર્મા (મધ્યપ્રદેશ)
  • મનીષ કાલુરામ કુમાવાત (રાજસ્થાન)
  • મદન ગોપીરામ કુમાવત (રાજસ્થાન)

Most Popular

To Top