ફિલ્મી સ્ટાઈલમાં ઠગાઈ : એકના ડબલ નહીં પણ ટ્રિપલ ગણા પૈસા કરવાની લોભામણી લાલચ આપી કોન્ટ્રાક્ટર પાસે 7 લાખ પડાવ્યા

વાપી : સૌરાષ્ટ્રની Saurashtra) મીયાણા ગેંગ (Miyana gang ) લોકોને એકના ત્રણ ગણા પૈસા કરાવી આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી (Fraud) કરી લાખો રૂપિયા પડાવ્યા હતા. બે દિવસ પહેલાં જ પારડી (Pardi) હાઈવે પર એક હોટલ નજીક જામનગરના કોન્ટ્રાક્ટર પાસેથી એકના ત્રણ ગણા કરવાની લાલચ આપી રૂ.7 લાખ પડાવ્યા હતા. જે અંગે કોન્ટ્રાક્ટરે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મીયાણા ગેંગના 7 આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

ગત તા.૨૮/૦૧/૨૦૨૨ ના રોજ પારડીની ફાઉન્ટન હોટલ નજીક જામનગરના હડીયારા ગામના વતની પ્રવિણ નારણભાઇ સોનાગરા કોન્ટ્રાક્ટર તરીકે ધાગંધ્રા સુરેન્દ્રનગર ખાતે કામ કરે છે. તેઓને કાનાભાઇ ભરવાડ નામના ઇસમે મહેશભાઇ સાથે મુલાકાત કરાવી એકના ત્રણ ગણા પૈસા કરી આપવાની લોભામણી લાલચ આપી હતી. પ્રવિણભાઈ તેમની વાતોમાં આવી જઇ રૂપિયા સાત લાખના રૂપિયા ત્રીસ લાખ કરી આપવા બે દિવસ પહેલાં જ મહેશભાઇ તથા તેમના સાથીદારો રફીકભાઇ અને તેના માણસોએ રૂ.૭,૦૦,૦૦૦ મેળવ્યા હતા. બાદમાં તેઓ સાથે ઝઘડાનું નાટક કરી આ ગેંગ પૈસા લઇને નાસી ગઈ હતી. જે અંગે પ્રવિણભાઈએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

આ ગુનો શોધી કાઢવા વલસાડ એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલા તથા ડીવાયએસપી એમ.એન.ચાવડાની સૂચના અને એલસીબીના પીઆઈ જે.એન.ગોસ્વામી તથા એસઓજીના પીઆઈ વી.બી.બારડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે આરોપીઓને પકડવા માટે પારડીના સીસીટીવી ફુટેજ તથા ટેક્નિકલ સર્વેલન્સના આધારે કવાયત હાથ ધરી હતી. પીએસઆઈ આર.બી.વનાર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે મળેલી બાતમીના આધારે ટુકવાડા હાઈવે નજીક એમ.જી.હેક્ટરના શોરૂમની સામે 7 આરોપીને ઝડપી પાડ્યા હતા. આ કામગીરી એલ.સી.બી.ના પો.સ.ઇ. પનારા તથા પો.સ.ઇ. વનાર, એસ.ઓ.જી.ના પો.સ.ઇ. રાઠોડ, પો.સ.ઇ. રાઠોડ, પો.સ.ઇ. બેરીયા, પારડી પો.સ્ટે. તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. અલ્લારખુ અમીરભાઇ, એ.એસ.આઇ. વિક્રમ મનુભાઇ, આ.હે.કો. અજયભાઇ, અ.પો.કો. કિરીટસીંહ,પો.કો. પરેશભાઇ, પો.કો. કરમણભાઇ, પો.કો આશીષભાઇ, પો.કો રાજેશભાઇ, પો.કો. રાજુભાઇ, પો.કો. પરાક્રમસિંહ, એસ.ઓ.જી.ના પો.કો. સહદેવસિંહ, પો.કો. કુલદીપસિંહ,પો.કો. દિગ્વિજયસિંહ,પો.કો. અરશદભાઇ અને પો.કો. હસમુખભાઇએ કર્યું હતું.

પકડાયેલા 7 આરોપીઓ
(૧) યુસુબ કાદર જેડા (મીયાણા) રહે. હાલ. ધાંગધ્રા, મુળ રહે.માળીયા, મોરબી (૨) રફીક નઝર મહંમદ સંધવાણી(મીયાણા) રહે. હાલ. વીસીપરા મેઈન રોડ મદીના સોસાયટી, મોરબી (૩) કલીમ ઉર્ફે કલ્લુ લાલા શેખ રહે, હાલ. દમણ ખારીવાડ, દારૂસલામ એપાર્ટમેન્ટ રૂમ નં.૮૦૫, મુળ રહે, મહારાષ્ટ્ર, (૪) મકસુદ જૈનુદીન ડોડેરા (મીર) રહે, હાલ. મુન્દ્રા, મુળ રહે, મોરબી (૫) અવેશ ઇસ્માઇલ મોવર (મીયાણા) રહે, હાલ.ધાગંધ્રા, (૬) અકરમ ઉર્ફે કોન્ટ્રાકટર ગુલામ હુસૈન સંધવાણી (મીયાણા) રહે, હાલ. મોરબી અને (૭) જેસીંગરાવ ઉર્ફે જય ઘીસારામ રાવલ રહે, બાયડ, જોધપુર, રાજસ્થાન

વલસાડ પોલીસનો જાહેર જનતા જોગ સંદેશ
વલસાડ પોલીસે જનતાને સંદેશ પાઠવ્યો છે કે, ઠગ અને ગઠીયા ટોળકીઓ દ્વારા પ્રજાને અલગ અલગ રીતે ઠગવામાં આવે છે અને આવી લોભામણી લાલચો આપી ઠગ ગઠીયાઓ ભોળી પ્રજા પાસેથી પૈસા પડાવી રફુચકકર થઇ જતા હોય છે. જેથી આવી કોઇ ઠગ ટોળકીની પ્રવૃતિ કોઇપણ વ્યક્તિના ધ્યાને આવે તો તેમની લાલચમાં ન આવી વલસાડ જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમના ટે.નં.૦૨૬૩૨૨૫૩૩૩૩, ૧૦૦ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી માહિતી આપવા અપીલ કરવામાં આવે છે.

Most Popular

To Top