Charchapatra

ગણેશોત્સવ, શ્રદ્ધા કે દેખાડો?

આપણે ત્યાં કોઇપણ શુભ કામની શરૂઆત કરતા પહેલાં શ્રીગણેશની આરાઘના કરવામાં આવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી આપણે સૌ જોઇએ અને અનુભવીએ છીએ કે ગણેશોત્સવમાં ગણેશની પૂજા અર્ચના કરતા પણ એની મૂર્તિ સ્થાપિત કરવામાં અને મંડપનું મહત્વ વધતું જતુ હોય એવું દેખાઇ રહ્યુ છે. ઘણી જગ્યાઓએ તો જાહેર રસ્તાનો મોટો હિસ્સો આ મંડપો દ્વારા રોકાય જાય છે. લગભગ ગણેશચતુર્થીના પહેલા દિવસથી વિસર્જનના આગલા દિવસ સુઘી શહેરની અલગ અલગ જગ્યાઓએ શ્રી ગણેશ અને એના સ્થાપન માટે બનાવાયેલ મંડપોનુ સુશોભન જોવા માટે લોકો ઉમટી પડતા દેખાય છે. જે ઘણી વખત વાહનોના આવાગમનમાં અડચણરૂપ બની રહેવાની પણ શક્યતા રહે છે.

ગણેશ વિસર્જનના દિવસે આખા શહેરમાં વિસર્જન સિવાયની મોટાભાગની પ્રવૃત્તિઓ થંભી જાય છે અને શહેર આખાના રસ્તાઓ પર ગણપતિની મૂર્તિના વાહનો સિવાય બહુ ઓછા વાહનોની અવરજવર રહે છે. મૂર્તિઓનુ વિસર્જન થયા પછીના એક બે દિવસમાં નદી કિનારે કે વિસર્જન માટેના તળાવોમાં પડેલી મૂર્તિના જે હાલ જોવા મળે છે ત્યારે એ મૂર્તિઓને જોઇને એવુ લાગે છે કે શું આ આપણા આરાઘ્ય દેવ? અલબત્ત ઘણી સોસાયટીઓમાં વિસર્જનની પ્રક્રિયા એમના ચોગાનમાં જ વ્યવસ્થિત રીતે થાય છે એ માટે એ સૌ ઘન્યવાદને પાત્ર છે. આશા રાખીએ કે સમય જતા આ પ્રમાણે થતા વિસર્જનોનુ પ્રમાણ વઘતું રહે જેથી આપણને ગણેશજીની રઝડતી મૂર્તિઓનુ પ્રમાણ વર્ષોવર્ષ ઓછુ થતું રહે કે જોવા ન મળે કે જેથી ગણેશોત્સવનું ધાર્મિક મહત્વ જળવાઇ રહે. 
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top