વડોદરા: ગણેશોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગણેશ ઉત્સવ ની ઉજવણી માટે ગાઈડ લાઈન નક્કી કરી દેવામાં આવી છે પરંતુ ગણેશ ઉત્સવમાં ડીજે સાઉન્ડ વગાડવા અંગે હજુ પણ કોઇ નિર્ણય ન લેવાતા ગણેશ ભક્તો સાથે સાઉન્ડ સિસ્ટમના સંચાલકો પણ અસમંજસની સ્થિતિમાં છે આજે સાઉન્ડ સિસ્ટમ એશોશિયેસને શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહને રજૂઆત કરી જલદીમાં જલદી સાઉન્ડ સિસ્ટમને પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
કોરોનાને કારણે ગત વર્ષે શહેરમાં સાર્વજનિક ગણેશોત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જોકે વર્તમાન સમયમાં કોરોના ની ગતિ મંદ પડી ગઈ છે અને ધીમે ધીમે શહેર કેટલીક પાબંદી ઓ સાથ ફરી ધમધમતું થયું છે ત્યારે વડોદરામાં ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવ ઉજવાશે તેવી આશા વધી છે સરકારે પણ કેટલાક નિયમો સાથે ગણેશ ઉત્સવની ઉજવણી અને વિસર્જનને મંજૂરી આપી છે અને આ અંગે ગાઈડ લાઇન પણ જાહેર કરવામાં આવી છે જોકે સરકારે ગણેશોત્સવમાં સાઉન્ડ સિસ્ટમ વગાડવી કે નહીં તે અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય કર્યો નથી જેથી ડીજે સંચાલકો અને સાઉન્ડ સિસ્ટમ એસોસિએશન મૂંઝવણમાં છે.
આજે વડોદરા લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ એસોસિએશન દ્વારા ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહને રજૂઆત કરવામાં આવી હતી. સાઉન્ડ એન્ડ લાઇટ એસોસિએશનના સંચાલકોએ ડોક્ટર વિજય સામે રજૂઆત કરી હતી કે ગણેશ ઉત્સવમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ ની પરવાનગી આપવામાં આવે અને તે માટે જરૂરી નિયમો જલદી બહાર પાડવામાં આવે છે જેથી છેલ્લા બે વર્ષથી બેરોજગાર ડીજે સંચાલકો ગણેશ ઉત્સવમાં આર્થિક રીતે બેઠા થઈ પરિવારના પેટનો ખાડો પૂરી શકે, ડીજે સાઉન્ડ સિસ્ટમને વહેલી તકે મંજૂરી નહીં આપવામાં આવે તો ડીજે સંચાલકો આવનાર દિવસોમાં વધુ ઉગ્ર રજૂઆત કે પછી ઉગ્ર દેખાવ કરી કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
વિસર્જનમાં ડીજે વગાડવાની મંજુરી માટે ભાજપ સરકાર ને ભલામણ કરશે
ગણેશ ઉત્સવમાં ડીજે ની પરવાનગી લઈને ચાલતા વિવાદ વચ્ચે આજે ડીજેના સંચાલકો વડોદરા લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ એશો.ના નેજા હેઠળ શહેર ભાજપ પ્રમુખને મળ્યા હતા ડીજે સંચાલકોની રજૂઆત બાદ ભાજપ ભાજપ પ્રમુખ વિજય શાહે કહ્યું હતું કે ડીજે ની પરવાનગી માટે ભાજપ સરકારને ભલામણ કરશે અને વિસર્જનમાં ડીજે વગાડવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત પણ કરશે વિજય શાહે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારે કોરોના સંકટ વચ્ચે પણ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ શકે તે માટે કેટલાક નિયમો અનુસાર ગણેશ ઉત્સવની ઉજવણીને મંજૂરી આપી છે તેમજ ૩૦૦ સ્કેવર ફૂટના પંડાલમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપનાને પણ મંજૂરી અપાઈ છે ત્યારે પંડાલમાં સ્પીકર ડીજે અને લાઇટ લગાવી શકાશે.
બે વર્ષથી ડીજે સંચાલકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ડીજે સંચાલકોની આર્થિક સ્થિતિ બદતર બની છે કોરોનાના કહેર વચ્ચે સોશિયલ ડીસ્ટનસિંગને ધ્યાનમાં રાખી ડીજે વગાડવા પર સરકાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે લગ્નોમાં પણ સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે આમ બે વર્ષમાં ડીજે સાથે સંકળાયેલા લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે પરિવારના ભરણપોષણ સામે પણ સવાલો ઊઠ્યા હતા કેટલાક ડીજે સંચાલકો શાકભાજી વેચતા થઈ ગયા છે તો કેટલાકે ડીજેનો ધંધો છોડી બીજા ધંધા પર હાથ અજમાવ્યો હતો હવે ગણેશોત્સવમાં ડીજેને જો પરવાનગી આપવામાં આવે તો આર્થિક સ્થિતિ થોડી સુધરે તેમ લાગે છે અને બેરોજગાર ડીજે વાળાઓને રોજગારી મળી શકે તેમ સંચાલકો માને છે