સુરત: ગણેશ ઉત્સવની (GaneshUtsav) ઉજવણી રંગેચંગે ચાલી રહી છે અને બાપ્પાની વિદાયનો સમય નજીક આવી ગયો છે. અનંતચૌદશને શુક્રવારે શહેરભરમાંથી ભવ્ય ગણેશ વિસર્જનયાત્રા (Ganesh VisarjanYatra) નીકળશે. સુરત ગણેશ ઉત્સવ સમિતિ પાસે અત્યાર સુધીમાં 5233 આયોજકોએ શ્રીજીના વિસર્જનની પરવાનગી માંગી છે, જેમાંથી 4255 અરજીઓને મંજૂરી અપાઈ છે. બાકીની અરજીઓની પરવાનગીની પ્રક્રિયા ચાલુ છે. જોકે, શહેરમાં નાના-મોટા મળી 60 હજારથી વધુ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. 5 ફૂટથી નાની મૂર્તિઓનું નદી કિનારે બનેલા તળાવોમાં વિસર્જન કરાશે, જ્યારે 5 ફૂટથી ઊંચાઈવાળી મૂર્તિઓને વિસર્જનનો સમય અને રૂટ હજુ જાહેર કરાયો નથી. મોટાભાગે આ પ્રતિમાઓનું હજીરાના દરિયાકિનારે વિસર્જન કરાશે. સુરત શહેર પોલીસ દ્વારા વિસર્જન યાત્રા માટે પૂરતી તૈયારીઓ કરી લેવાઈ છે. આજે સુરત શહેર પોલીસ કમિશનરની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં ગણેશ વિસર્જન યાત્રાની તૈયારીઓ અંગેની ચર્ચા થઈ હતી. વિસર્જન યાત્રા માટે ખાસ 3500 જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસને તૈયાર કરાયા છે. યુનિફોર્મ પહેરી તેઓ પોલીસની મદદ કરશે.
રાજમાર્ગ પર 82 સીસીટીવી કેમેરા લગાવાયા
ગણેશ ઉત્સવની સૌથી વધુ રાજમાર્ગ પર આવતી હોય છે. અહીં કોટ વિસ્તારના મોટા ગણપતિઓની પ્રતિમાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળતી હોય છે, તેના લીધે અહીં ભીડ પણ ખૂબ થતી હોય છે. રાજમાર્ગ પર પોલીસ દ્વારા સ્પેશ્યિલ 82 જેટલાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. જેનું કંટ્રોલરૂમમાં લાઈવ ટેલિકાસ્ટ કરાશે. આ ઉપરાંત 15 જેટલાં ડ્રોન કેમેરા દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં વોચ રાખવામાં આવશે.
તાપીમાં 3 બોટની મદદથી પેટ્રોલિંગ કરાશે
નદીમાં વિસર્જન પર પ્રતિબંધ છે, પરંતુ કોઈ અપ્રિય ઘટના નહીં બને તે હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા નદીમાં પેટ્રોલિંગનું પ્લાનિંગ કરાયું છે. 3 બોટની મદદથી સુરત શહેર પોલીસ તાપી નદીમાં તથા દરિયામાં પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત 80 મોડીફાઈડ બાઈકની મદદથી વિસર્જન યાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કરાશે. હજીરાના ઓવારા પર 12 ક્રેઈન મુકાશે. 2 ક્રેઈન રિઝર્વ રખાશે. 9 ક્યૂઆરટી ટીમ, વર્જ વાહન અને બે બંકર વાહન સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરાશે. સંવેદનશીલ વિસ્તારોમાં આરએએફ, એસઆરપી અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરાયું છે.
સુરત પોલીસ પહેલીવાર બોડી વોર્ન કેમેરામાં દેખાશે
ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન ભક્તો ઉન્માદ અને ઉત્સાહમાં અણછાજતું વર્તન કરતા હોય છે, ક્યારેક પોલીસ પણ ભારે દબાણના લીધે ભક્તો સાથે ગેરવર્તન કરી બેસતી હોય છે. આવી ઘટનાઓને ટાળવાના હેતુથી આ વર્ષે પહેલીવાર પોલીસ બોડી વોર્ન કેમેરા પહેરશે. 975 જેટલાં પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે. આમ, તો સુરત શહેર પોલીસને પહેલેથી જ બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે, પરંતુ ગણેશ વિસર્જન યાત્રા પહેલો એવો પ્રસંગ બનશે જ્યારે પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે દેખાશે.
સોશિયલ મીડીયા પર વોચ
કોઈ અપ્રિય ઘટના નહીં બને તે માટે સુરત પોલીસના સાયબર સેલ દ્વારા મોનિટરીંગ ટીમ ગોઠવવામાં આવી છે. આ ટીમ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર કોઈક ટીખળખોર દ્વારા અણછાજતી પોસ્ટ કરી લોકોની લાગણીઓને ઉશ્કેરવાનો પ્રયાસ નહીં કરાય તે બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.