સુરતઃ આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી પરંતુ વિસર્જન યાત્રામાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યાં એક તરફ ઊંચી પ્રતિમાઓનું સ્થાપન કરનાર ગણેશ મંડળોએ મળસ્કે જ વિસર્જન યાત્રા કાઢી નાંખી હતી તો બીજી તરફ બપોર સુધી મોટા ભાગના રસ્તા સૂમસામ જણાતા હતા. ઓવારાઓ પર પણ માહોલ જામ્યો નથી. માહોલ સુસ્ત રહેવા પાછળ બે કારણ બહાર આવ્યા છે. એક તો સોસાયટીઓમાં નાની મૂર્તિનું ઘરઆંગણે જ વિસર્જનનો ટ્રેન્ડ વધ્યો છે, તો બીજી તરફ કેટલાંક મંડળોએ બપોર બાદ નીકળવાનું વલણ અપનાવ્યું છે. તેથી સવારે માહોલ થોડો સુસ્ત જણાયો હતો.
લિંબાયતમાં 11.50 ના સમયે પહેલી મૂર્તિ દેખાઈ
લિંબાયત વિસ્તારમાં સવારે 11.50 કલાકે પહેલી પ્રતિમા સંગમ બેન્ડ સર્કલ પર દેખાઈ હતી. ભક્તોએ ધામધૂમપૂર્વક શ્રીજીની વિદાય યાત્રા લઈ પસાર થયા હતા.
કતારગામમાં બ્રિજ પર વિસર્જન યાત્રા
કતારગામના લંકા વિજય ઓવારા પર બપોરે 12 વાગ્યા સુધી છુટીછવાઈ મૂર્તિઓ આવી નથી. ભીડ જામી નહોતી. જ્યારે કતારગામના બ્રિજ પર બપોરે 12 વાગ્યાની આસપાસ વિસર્જન યાત્રાઓ શાનદાર રીતે જતી જોવા મળી હતી. સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં માહોલ ઠંડો જોવા મળ્યો હતો.
રિંગરોડ પર બાપ્પાને બ્રિજ નડ્યો
બપોરે 11 વાગ્યા બાદ રિંગરોડ, રાજમાર્ગ સહિત વિસર્જન યાત્રાના મુખ્ય રૂટ પર માહોલ જામવા માંડ્યો હતો. 12 વાગ્યા આસપાસ ભાગળ ચાર રસ્તા પર પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શ્રીજીની આરતી કરી વિસર્જન યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ રાજમાર્ગ અને ચોકના પુલ પર ભીડ દેખાવા લાગી હતી. બીજી તરફ રીંગરોડ પર પણ માહોલ જામ્યો હતો. અહીં બાપ્પાની ઊંચી પ્રતિમાઓને બ્રિજ નડ્યા હતા. ભક્તો માંડ મહામહેનતે પ્રતિમાઓને બ્રિજ નીચે લઈ પસાર થતા હતા.
બપોરે 12 વાગ્યા સુધીમાં આટલી મૂર્તિનું વિસર્જન
સુરત શહેરમાં 10 વાગ્યા બાદ ઓવારાઓ પર માહોલ જામવા માંડ્યો હતો. સુરત મનપા દ્વારા બનાવાયેલા 20 કૃત્રિમ ઓવારા પર બપોરે 12 વાગ્યા સુધીમાં 9692 પ્રતિમાઓનું શાંતિપૂર્વક વિસર્જન કરાયું હતું. સૌથી વધુ કતારગામ ઝોનમાં 2199, ત્યાર બાદ રાંદેર ઝોનમાં 1699, ઉધના-એ ઝોનમાં 1447, લિંબાયત ઝોનમાં 1070 પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.