સુરત (Surat) શહેરના સૌથી મોટા ગણેશોત્સવ (Ganesh utsav) માટે મ્યુનિસિપલ કમિશરે તમામ ઝોનના અધિકારીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં સ્પષ્ટ થાય છે કે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન (ganesh visarjan) ઘર આંગણે (at home) જ કરવું પડશે.
બંછાનિધી પાનીએ જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે અને ભારતમાં પણ COVID-9 નાં કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ને ફેલાવતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા (Guidelines)ઓ જાહેર કરવામાં આવેલ છે. જેથી આગામી દિવસોમાં દશામા ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ, શ્રી ગણેશ ઉત્સવ તથા અન્ય ઉત્સવો સંબંધે માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (Green tribunal)ના આદેશ અનુસાર, ધાર્મિક પ્રતિમાઓના કુદરતી નાળા, તળાવ, નદી, ઓવારા તથા અન્ય જળસ્ત્રોતમાં વિસર્જનના પ્રતિબંધનો ચૂસ્ત પણે અમલ કરવાનો રહે છે.
અમલવારી માટે ઝોન વિસ્તારમાં આવેલ તમામ કુદરતી નાળા, તળાવ, નદી, ઓવારા તથા અન્ય જળસ્ત્રોતમાં પ્રતિમાઓનું વિસર્જન નહી થાય તેની ખાસ તકેદારી રાખી પોલીસ વિભાગના સંકલન સાથે વોટર બોડીઝના સ્થળે બેરીકેડીંગ જે તે ઝોનના કાર્યપાલક ઈજનેરોએ કરવાનું રહેશે. બેરીકેડીંગના સ્થળોએ ધ્યાન કેન્દ્રીત થાય તે રીતે, પ્રતિમાઓના વિસર્જનના પ્રતિબંધ અંગેના સાઈનેજ । સુચના બોર્ડ લગાવવાની વ્યવસ્થા, જે તે ઝોનના કાર્યપાલક ઈજનેરોએ કરવાની રહેશે. ઝોન વિસ્તારના પોલીસ સ્ટેશન સાથે આગોતરૂ સંકલન કરવાનું રહેશે અને પોલીસ વિભાગ દ્વારા મુકવામાં આવેલ બંદોબસ્તની સાથે જરૂર જણાયે સુરત મહાનગરપાલિકાનો સીકયોરીટી બંદોબસ્ત પણ વિસર્જનના દિવસે ચીફ સીકયોરીટી ઓફિસરના સંકલનમાં રહી ગોઠવવો.
રાત્રીના સમયે પણ પુરતુ નિરિક્ષણ થાય તે હેતુસર જે તે ઝોનના ઓવારા, નદીનાળા વિગેરે સ્થળો પર જરૂરી માત્રામાં ફલડ લાઈટની વ્યવસ્થા જે તે ઝોનના કાર્યપાલક ઈજનેરોએ કરવી. દશામા ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ, શ્રી ગણેશ ઉત્સવ તથા અન્ય ઉત્સવો દરમ્યાન, ઉત્સવ બાદ ધાર્મિક પ્રતિમાઓનું વિસર્જન ઈકો ફ્રેન્ડલી પધ્ધતિથી ઘરઆંગણે, સોસાયટીના કોમન પ્લોટમાં કોવિડની ગાઈડલાઈનની અમલવારી સાથે કરવા નાગરિકો મંડળોને જરૂરી શિક્ષણ આપવા દરેક ઝોનમાં પ્રચાર અભિયાન વ્યવસ્થા જે તે ઝોનના આસિસ્ટન્ટ કમિશનરે કરવાની રહેશે, સંભવિત ખર્ચની ઝોનલ ચીફ કક્ષાએ જરૂરી સમીક્ષા કરી સક્ષમ સત્તાની આગોતરી મંજુરી મેળવવા કાર્યવાહી કરવાની રહેશે.