ઝઘડિયા: (Jhagadia) વાલિયાના વટારિયા સ્થિત ગણેશ સુગર ફેકટરીમાં (Ganesh Sugar Factory) ઉચાપતની (Defalcation) ફરિયાદનો મામલો વિવાદિત બની રહ્યો છે. આ ઘટનામાં ફરીયાદીએ પૂર્વ ચેરમેન સંદીપસિંહ માંગરોલાના મળતીયાઓએ ધમકાવી કેસથી હટી જવા ચીમકી આપી ન માને તો અકસ્માતમાં પતાવી દેવાની ધમકી (Threat) આપી હોવાની ડીએસપી (DSP)ને ફરિયાદ આપી છે. ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સુણવાએ પોલીસ પાસે રક્ષણની પણ માંગણી કરી છે. ઘટનાની પોલીસે (Police) તપાસ શરૂ કરી છે તો ઘટનાને લઈ હજુ સુધી સંદીપ માંગરોલા કે તેમના સમર્થકો તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
- વટારિયાની ગણેશ સુગરના ઉચાપત કેસમાં ફરિયાદીને પતાવી દેવાની ધમકી, પોલીસ રક્ષણની માંગ
- અગાઉ ફરિયાદીના ખેતરમાં આગ લાગી હતી, વાહનને આંતરી ધમકી અપાઈ
ઉચાપતની ફરિયાદ કરનાર પુષ્પેન્દ્રસિંહે આપેલી ફરિયાદ મુજબ ગણેશ સુગર ફેક્ટરીના કસ્ટોડિયન કમિટી મેમ્બર તરીકે તેમની નિમણૂક થયેલી છે. ફરિયાદ બાદ તેમના ધારોલી સ્થિત ખેતરમાં શેરડીનું વાવેતર અજાણ્યા ઈસમોએ સળગાવી દીધું હતું. ફરિયાદી અનુસાર તેમના ધ્યાનમાં અવી હકીકતે આવી હતી કે કેટલાક અજાણ્યા ઈસમો તેમની કારનો ઈકો કારમાં સતત પીછો કરે છે.
ગત તા.૫/૧૨/૨૦૨૨ના રોજ પુષ્પેન્દ્રસિંહ બપોરના સમયે ૧૨:૩૦ કલાકે ગણેશ સુગરમાં કમિટી મેમ્બર તરીકે ફેક્ટરીની દેખરેખ માટે ગયા હતા. જ્યાંથી સાંજે ૭ વાગ્યાના સમયે પરત ઘરે ફરી રહ્યા હતા, ત્યારે ગણેશ સુગરથી થોડે દૂર અંકલેશ્વર તરફ ઈકોએ તેમની કારને ઓવરટેક કરી તેમની કારને આંતરીને ઊભી રાખી હતી. ઈકોમાં બેથી ત્રણ ઈસમ પોતાના મોં ઉપર બુકાની બાંધીને ઊતરી એક ઈસમ હિન્દીમાં વાત કરી ધમકાવીને જણાવ્યું હતું કે, ગણેશ સુગરના કેસમાં સંદીપસિંહ માગરોલા સામે જે કેસ કરેલો છે તેમાં બહું આગળ ચાલવું નહીં, નહીંતર રસ્તા ઉપર ટ્રકના બહું અકસ્માત થાય છે, તારી કાર ઉપર ટ્રક ચડાવીને એક્સિડેન્ટ કરાવી દેશે.
પુષ્પેન્દ્રસિંહે વાલિયા પો.સ્ટે. C.R.No.૧૧૧૯૯૫૦૨૧૧૪૩૨/૨૦૨૧ ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી, વટારિયાની સંસ્થાના વહીવટ બાબતે ફરિયાદ આપી છે. આ કેસમાં ફરિયાદી હોવાથી પીછો કરી ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. પુષ્પેન્દ્રસિંહે પોલીસને રજૂઆત કરી છે કે, આ કેસની કાર્યવાહીમાં આગળ ચાલીશ તો મારી જાનને જોખમ છે તેવી ધમકીઓ મને આપવામાં આવી રહી હોવાથી મને યોગ્ય પોલીસ રક્ષણ આપો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી, વટારિયામાં ભૂતકાળમાં ફરિયાદ બાદ અનેક વિવાદો સર્જાયા હતા. ત્યારે ફરિયાદીને ધમકી મળવાનો મામલો વધુ તુલ પકડે એ જોવું રહ્યું.