Gujarat

ISKP સાથે સંકળાયેલા શ્રીનગરના ઝુબેર મુન્શીની ATSએ ધરપકડ કરી

ગાંધીનગર: (Gandhinagar) ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવીન્સ ( ISKP) સાથે સંકળાયેલા ચાર જેહાદીઓની તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરી લેવાઈ છે. આ ચારેય જેહાદીઓ પોરબંદરથી બોટમાં (Boat) બેસીને ઈરાન તરફ અને ત્યાંથી ઈરાનમાંથી હેરાત તથા અંતે ખોરાસન પહોંચવાના હતા. ખાસ કરીને આ ચારેય જેહાદીઓ પાસેથી ISKPનું સંવેદનશીલ સાહિત્ય મળી આવ્યું છે. આ ઉપરાંત આ જેહાદીઓ પાસેથી મળી આવેલા નોટપેડમાંથી તેમજ તેમના મોબાઈલ ફોનમાંથી પણ ઉશ્કેરણી જનક સાહિત્ય મળી આવ્યું છે. ખોરાસન પહોંચીને આ ચારેય જેહાદીઓ ત્રાસવાદી પ્રવૃત્તિમાં સામેલ થઈને ઈસ્લામિક સ્ટેટની સ્થાપના માટે મોત વ્હોરી લેવાના હતા. ISKP ગ્રુપ હાલમાં અફધાનિસ્તાનમાં સક્રિય છે. ચારેય જેહાદીઓની પુછપરછના આધારે વધુ એક જેહાદી ઝુબેર મુન્શીની પણ એટીએસ દ્વારા કાશ્મીરના શ્રીનગરથી ધરપકડ કરી લેવાઈ છે.

ગુજરાત એટીએસ દ્વારા પોરંબદરથી ધરપકડ કરાયેલા ચાર જેહાદીઓમાં ઉબેદ નાસીર મીર (રહે. શ્રીનગર ), હનાન હયાત શૉલ ( રહે. શ્રીનગર ) મોહમ્મદ હાજીમ શાહ ( રહે. શ્રીનગર ) તથા સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક ( રહે. રહે બેગ એ ફિઝા એપાર્ટમેન્ટ , સૈયદપુરા, સુરત) નો સમાવેશ થાય છે. જયારે ઝુબેર અહેમદ મુનશી ( રહે. શ્રીનગર )ની કાશ્મીરની પોલીસની મદદ વડે એટીએસના તપાસનીશ અધિકારીઓની ટીમે ધરપકડ કરી લીધી છે.

એટીએસના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે બુબેર મુન્શીની સંડોવણી અંગેની માહિતી સુરતની સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેકની પુછથપરછમાંથી બહાર આવી હતી. સુમેરાબાનુ તથા ઝુબેર મુનશી બંને ISKP મોડયુલના સભ્યો છે.
પોરબંદરથી ઝડપાયેલા ચાર જેહાદીઓના ટેબ્લેટ તથા મોબાઈલમાંથી એટીએસને કેટાલંક ડિજીટલ પુરાવા મળી આવ્યા છે. જેમાં ઝુબેર મુન્શી ઈસ્લામીક સ્ટેટને સમર્થન આપતો દેખાય છે. આ ઉપરાંત તે ઈસ્લામીક સ્ટેટ માટે શપથ લેતો પણ દેખાય છે. સુરતમાં સુમેરાબાનુના સૈયદપુરાના ઘરે દરોડાની કાર્યવાહી હાથ ધરતાં તેમાંથી રેડીકલ પ્રકાશનો જેવા કે વોઈસ ઓફ ખોરાસન મળી આવ્યા હતા. આ ચારેય જેહાદીઓ હકીકતમાં તેમના હેન્ડલર અબુ હમઝાના સંપર્કમાં હતા. સુમેરાબાનુંની પુછપરછમાં એવી પણ વિગતો બહાર આવી હતી કે , તેણી ઝુબેર મુનશીના સંપર્કમાં હતી. ISKPના લીડર પ્રત્યે તેણીની નિષ્ઠાની પ્રતિજ્ઞાની સામગ્રી પણ મળી આવી હતી.

સુરતની સુમેરાબાનુ પાસેથી મળી આવેલા કેટલાંક પુરાવાઓમાં ગાયોના દેશના રહેવાસીઓને ચેતવણી આપતો મેસેજ પણ મળી આવ્યો છે. આ ઉપરાંત લોકશાહી વિરૂદ્ધ મુસ્લિમોને ઉશ્કેરણી કરતો મેસજ પણ છે. વધુમાં સુમેરાબાનુ પાસેથી એક ઈસ્લામીક ભાષામાં લખેલો પત્ર પણ મળી આવ્યો છે. કાશ્મીરના કેટલાંક યુવકો ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવીન્સ ( ISKP) જોડાવવા માટે પોરબંદરથી ઈરાન તરફ જઈ રહયા છે, તેવી બાતમી મળી હતી. જેમના આધારે ગુજરાત એટીએસ દ્વારા આ સમગ્ર ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં પોરબંદરથી ઝડપાયેલા ત્રણેય યુવકો શ્રીનગરના વતની છે. તેઓની પાસેથી જપ્ત કરાયેલા સામાનની ચકાસણી કરતાં તેમાંથી અંગત ઓળખના દસ્તાવેજો , મોબાઈલ ફોન ,ટેબ્લેટ તથા છરી પણ મળી આવી છે. આ જેહાદી યુવકોના સ્ટોરેજ એકાઉન્ટમાં તપાસ હાથ ધરતાં તેમાંથી ISKPના બેનરો , ધ્વજની તસ્વીરો , ISKP ના લીડર સમક્ષ નિષ્ઠાના શપથ લેતા ચાર કાશ્મીરી યુવકનો વીડિયો , પોતે ખોરાસન માટે હિજરત કરી છે , તેવા વીડિયો પણ મળી આવ્યા છે.

પોરબંદરમાંથી ઝડપાયેલા ત્રણેય જેહાદી યુવકોની ધરપકડ બાદ તેઓની પુછપરછ કરતાં તેઓએ વધુમાં ઝુબેર અહેમદ તથા સુરતની સુમેરાબાનું મલેકના સંપર્કમાં હોવામની કબૂલાત પણ કરી હતી . જેના પગલે સુરત સીટી ક્રાઈમ બ્રાન્ચે સૈયદપુરામાંથી સુમેરાબાનુની પણ ધરપકડ કરી લીધી હતી.જયારે સુમેરાબાનુની પુછપરછના આધારે ઝુબેર મુન્શીની પણ ધરપકડ કરી લેવાઈ છે. ઝુબેરને અમદાવાદ લાવવામાં આવી રહયો છે. ISKPના હેન્ડલર અબુ હમઝાએ આ ચારેયને સુચના આપી હતી કે તમે પોરબંદર આવી જાય. અહીંથી તમે મજૂર તરીકે બોટમાં હાઈ સી ઉપર આવી જજો, ત્યાંથી તમને ઈરાન લઈ જવાશે, ઈરાનથી હેરાત થઈને ખોરાસન લઈ જવાશે. અફધાનિસ્તાનમાં ISKP વતી ત્રાસવાદી પ્રવૃત્તિમાં ભાગ લઈને શહાદત હાંસલ કરવાની હતી. આ ચારેય જેહાદીઓ સામે ત્રાસવાદ ( UAPA) વિરોધી વિવિધ ધારાની કલમ અન્વયે ગુનો દાખલ કરી વધુ તપાસ ચાલી રહી છે.
…..

Most Popular

To Top