Charchapatra

ગાંધીસ્મૃતિ ભવન

સુરત શહેરની જનતા માટે એક અત્યંત જાણીતું નામ એટલે નાનપુરા સ્થિત ગાંધીસ્મૃતિ ભવન. પરંતુ છેલ્લાં દોઢ વર્ષથી આ ગાંધીસ્મૃતિ ભવન સુરત શહેરની પ્રજા માટે અજાણ્યું સ્થળ બની ગયું છે. ૨૬ જુલાઈ ૨૦૧૯ ના દિવસથી રીપેરીંગ કરવું પડે એમ છે એવું કહીને સુરતની પ્રજા માટે તમામ રીતે સગવડભર્યું આ રંગભવન જ્યાં એક એકથી ચઢિયાતાં નાટકો પ્રજાને માણવા મળતાં હતાં તે બંધ કરવામાં આવ્યું હતું.

નાટક જોનારાને અને નાટક ભજવવા બહારગામથી આવતાં કલાકારો માટે પણ એકદમ અનુકૂળ હતું. જ્યારે રીપેરીંગ કરવા માટે બંધ કરવામાં આવ્યું ત્યારે પ્રજાને એમ હતું કે એક – બે વર્ષમાં પહેલાં કરતાં પણ વધુ સુવિધા સાથેનું એક રંગભવન શહેરની પ્રજાને મળશે. આજે દોઢ વર્ષનાં વહાણાં વાઈ ગયા પણ રીપેરીંગની શરૂઆત પણ નથી થઈ.

અરે, એક કાંગરો પણ નથી ખર્યો. જાણવા મળ્યા પ્રમાણે તેને તોડવા માટેનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો હતો, પણ અગમ્ય કારણોસર તે કામની શરૂઆત પણ  નથી થઈ. સંજીવકુમાર ઓડિટરિયમ અને વરાછાનું સરદારસ્મૃતિ ભવન એ બે ઉપલબ્ધ હોવા છતાં તે ગાંધીસ્મૃતિ ભવન કરતાં ઘણા દૂર પડતા હોવાને કારણે શહેરની પ્રજા કાગને ડોળે ગાંધીસ્મૃતિ ભવન ક્યારે શરૂ થાય તેની રાહ જોઈને બેઠી છે પણ ખાટલે મોટી ખોડ તે રીપેરીંગ આજદિન સુધી શરૂ જ નથી થયું.

હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા શાસકો આવ્યા છે ત્યારે સુરતની પ્રજા તેમની પાસે જલ્દીમાં જલ્દી ગાંધીસ્મૃતિ ભવન રિપેર થઈને પ્રજા માટે શરૂ થાય એવી આશા રાખે તો તેમાં કશું ખોટું નથી. આ અંગે જો કોઇ પણ વિઘ્ન આવતાં હોય તો તે દૂર કરીને પ્રજા માટે આ કામ નવા શાસકો કરી બતાવશે એવી પ્રજા આશા રાખે તો તે બિલકુલ વ્યાજબી કહેવાય.

સુરત     – સુરેન્દ્ર દલાલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top